10. દસમ સ્કંધ

વિષ્ણુ ભગવાનની શાંતિ

જે શાંતિથી, સદ્દબુદ્ધિથી, સહનશક્તિથી ને સ્વાત્મસંયમથી સંપન્ન છે, તે જ શ્રેષ્ઠ છે. ભાગવતના દસમા સ્કંધના ૮૯માં અધ્યાયમાં એ સનાતન સર્વોત્તમ પરમ સત્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને એ પણ કથાના આકર્ષક રોચક રૂપમાં. એ કથાનું વિહંગાવલોકન કરી લઇએ. સરસ્વતી નદીના પ્રશાંત પાવન તટપ્રદેશમાં એકવાર કેટલાક ઋષિઓ યજ્ઞાનુષ્ઠાન માટે ભેગા મળ્યા. એમની અંદર ચર્ચા ચાલી કે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશમાં મહાન કોણ ? એમણે એ ત્રણેની પરીક્ષા કરીને એ સંબંધી નિર્ણય કરવા માટે બ્રહ્માપુત્ર ભૃગુની નિયુક્તિ કરી.

મહર્ષિ ભૃગુએ સૌથી પહેલાં બ્રહ્માની સભામાં જઇને એમને પ્રણામ ના કર્યા અને એમની સ્તુતિ પણ ના કરી તેથી બ્રહ્મા ક્રોધે ભરાયા, પરંતુ ભૃગુને પોતાના પુત્ર જાણીને એમણે ક્રોધને શાંત કર્યો.

ત્યાંથી ભૃગુ કૈલાસમાં પ્રવેશ્યા. શંકર એમને ભેટવા માટે તૈયાર થયા ત્યારે એમણે જણાવ્યું કે તમે તો વેદની ને વ્યવહારની મર્યાદાનું ઉલ્લંઘન કરો છો તેથી તમને નહિ ભેટી શકાય. એ સાંભળીને શંકર ક્રોધે ભરાઇને ત્રિશૂળ લઇને મારવા તૈયાર થયા, પરંતુ પાર્વતીએ એમને જેમ તેમ કરીને શાંત પાડ્યા.

વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીના ખોળામાં મસ્તક રાખીને સુતેલા. ત્યાં જઇને ભૃગુએ એમની છાતીમાં લાત મારી. ભગવાન વિષ્ણુએ ઊભા થઇને પ્રણામપૂર્વક એમનું સ્વાગત કરીને આસન પર બેસવાનું કહીને જણાવ્યું કે મને પ્રથમથી માહિતી ના હોવાથી હું તમારો સુયોગ્ય સત્કાર ના કરી શક્યો તેને માટે ક્ષમા કરો. તમારાં ચરણ ખૂબ જ કોમળ છે. એના સ્પર્શથી હું પાવન થયો. એના સ્પર્શને લીધે હવે લક્ષ્મી મારા હૃદયમાં સદાને માટે વાસ કરશે. તમારા કોમળ ચરણને મારા કઠોર કાયાના સ્પર્શથી વાગ્યું તો નથી ?

ભગવાન એમના પગને પંપાળવા લાગ્યા. ભૃગુની શંકાનું સુખદ સમાધાન થયું. એમણે ઋષિઓની પાસે પહોંચીને એમનો અનુભવ વર્ણવી બતાવ્યો.

અનુભવની દુનિયામાં આગળ વધવાથી સમજાય છે કે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ જુદા નથી, પરંતુ મૂળભૂત રીતે એક છે. એમનામાં શ્રેષ્ઠ કોણ છે એ પ્રશ્ન જ નથી પેદા થતો. ત્રણે એક જ વિરાટ પરમાત્મ તત્વનાં પ્રતીક છે. એમનામાં ભેદભાવ જગાવવાની જરૂર નથી.

*

દસમો સ્કંધ હવે પૂર્ણાહુતિ પર પહોંચે છે. ભગવાન કૃષ્ણનો એ લીલા સ્કંધ છે. ભગવાન કૃષ્ણની લીલાનો પાર કોણ પામી શકે તેમ છે ?

આપણે તો એનું અમૃતપાન અથવા આચમન જ કરી બતાવ્યું છે. એ સર્વપ્રકારે સુખ શાંતિદાયક તથા શ્રેયસ્કર છે. ભગવાનની કમનીય કીર્તિકથા સંસારના ભય તથા ક્લેશને કાપનારી છે. વ્યાસનંદન શુકદેવના શ્રીમુખમાંથી સરેલી સુધાસરિતા છે. સંસારના પુણ્ય પ્રવાસે નીકળેલો પાંથ એનું શ્રવણ કરીને કલાંતિ મટાડે છે ને કૃતાર્થ બને છે. એનું પ્રધાન પ્રયોજન પરમાત્માભિમુખ બનીને પરમાત્માની પ્રીતિ પ્રકટાવવાનું ને પ્રકટેલી પ્રીતિ ઉત્તરોત્તર પ્રબળ બનાવવાનું છે. સ્વનામધન્ય શુકદેવ પરીક્ષિતને અને એની દ્વારા સમસ્ત સંસારને સૂચવે છે કે જે મનુષ્ય ભગવાન કૃષ્ણની મનમોહિની લલિત લીલાકથાનું શ્રવણ, મનન ને સંકીર્તન કરે છે તેને ભગવાનની પ્રેમભક્તિની પ્રાપ્તિ થતાં ને ભગવાનનો સાક્ષાત્કાર કરતાં વાર નથી લાગતી.

એ સ્વાનુભૂતિપૂર્ણ સુંદર શબ્દોમાં આપણે પણ આપણો સૂર પૂરાવીશું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.