Text Size

11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 2

ભગવાન દત્તાત્રેયે પાણી તથા પાવક પાસેથી કયો સંદેશ ગ્રહણ કર્યો ?

‘પાણી સ્વભાવથી જ પવિત્ર, રસમય, કોમળ, મધુર તથા પવિત્રતાને પ્રદાન કરનારું હોય છે. તેવી રીતે આત્મવિકાસના મંગલ માર્ગે મહાપ્રસ્થાન કરનારા મનનશીલ માનવે પણ પવિત્ર, રસમય, કોમળ, મધુર ને બીજાનો પાન કરનારા થવું જોઇએ. પાણીની પાસેથી પદાર્થપાઠ લેનારો માનવ પોતાના દર્શન, સ્પર્શન, સ્મરણ તથા સંકીર્તનથી સંસારને પવિત્ર કરી દે છે.’

અગ્નિ પરમ પ્રકાશમય, તેજસ્વી કે ગૌરવશાળી હોય છે, એને કોઇ પોતાના તેજથી દબાવી કે ડારી નથી શક્તું, એની પાસે પરિગ્રહનું કોઇ પણ પાત્ર નથી હોતું, બધું પોતાની અંદર સમાવી લે છે, અને સર્વભક્ષી હોવા છતાં પણ સૌની અસરથી અલિપ્ત રહે છે, તેવી રીતે સાધકે પણ પરમ તેજસ્વી, તપઃપૂત, ઇન્દ્રિયોથી અપરાજિત, અપરિગ્રહી અને અલિપ્ત થવું જોઇએ. એ મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે અને અન્યના સંગદોષથી મુક્ત રહે. અગ્નિની પેઠે એ પણ ક્યાંક પ્રકટ રહે તો ક્યાંક અપ્રકટ. કોઇવાર એવા સ્વરૂપે પ્રકટ થાય કે કલ્યાણની કામનાવાળા પુરુષો એની આરાધના કરીને લાભ ઉઠાવી શકે. અગ્નિને વાસ્તવિક રીતે એક અથવા બીજી જાતનો આકાર ના હોવા છતાં એ જુદાં જુદાં કાષ્ઠોમાંથી જુદાં જુદાં રૂપ સાથે પ્રકટતો દેખાય છે તેવી રીતે આત્મા પણ સર્વ વ્યાપક અને આકારરહિત હોવા છતાં જગતના પદાર્થોના સંપર્કમાં આવવાથી જુદી જુદી રીતે પ્રતીત થાય છે. એ એની માયાશક્તિનું પરિણામ છે.

ચંદ્રે તથા સૂર્યે પણ ભગવાન દત્તાત્રેયને જીવનોપયોગી સનાતન સંદેશ પુરો પાડ્યો. ચંદ્રની કળાઓ કાળની અકળ ગહન ગતિને લીધે ઘટે છે ને વધે છે તો પણ ચંદ્ર તો ચંદ્ર જ રહે છે. એની અંદર વધારો કે ઘટાડો નથી થતો. તેવી રીતે જન્મથી મૃત્યુ સુધીની અવસ્થાઓ શરીરની હોવાથી આત્મા એમનાથી અલિપ્ત છે. આત્માને એ અવસ્થાની અસર નથી થતી.

સૂર્ય પોતાનાં કિરણોથી પૃથ્વી પરના પાણીને શોષે છે ને સમય પર પાછું વરસાવે છે તેવી રીતે યોગી ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરીને ઇચ્છાનુસાર ત્યાગી દે છે. એને કોઇ પણ પદાર્થમાં કે વિષયમાં અહંતા, મમતા અથવા આસક્તિ નથી હોતી. પાણીના જુદાં જુદાં પાત્રોમાં પ્રતિબિંબ પામેલો સૂર્ય ભિન્ન ભિન્ન દેખાતો હોવા છતાં વસ્તુતઃ ભિન્ન ભિન્ન નથી હોતો પરંતુ એક જ હોય છે તેવી રીતે ઉપાધિભેદને લીધે પ્રત્યેક વ્યક્તિમાં આત્મા અલગ અલગ લાગતો હોવા છતાં અલગ અથવા અનેકવિધ નથી પરંતુ સ્વરૂપતઃ એક જ છે.

*

કબૂતર પાસેથી પણ દત્તાત્રેયને પ્રેરણાની પ્રાપ્તિ થઇ. એક અરણ્યમાં રહેનારા કબૂતરે એક સુંદર વિશાળ વૃક્ષ પર માળો કરેલો. એ માળામાં એણે વરસો સુધી કબૂતરી સાથે વાસ કર્યો. એ બંનેની પારસ્પરિક પ્રીતિનો પાર ન હતો. આસક્તિની મજબૂત ગ્રંથિથી એ બંનેના અંતરાત્મા બંધાઇ ગયેલા. કબૂતર કબૂતરીની ઇચ્છાનુસાર કરવા સદા તૈયાર રહેતું અને કબૂતરી પણ એની કામના પૂરી કરતી. વખતના વીતવાની સાથે એમને સંતાન થયાં. પોતાનાં સુકોમળ સુંદર બચ્ચાંને દેખીને બંને આનંદમગ્ન બની ગયાં અને આસક્તિ કરી બેઠાં. એમને જીવન સ્વર્ગસુખદ અને ધન્ય લાગવા માંડ્યું.

એક વાર એ બચ્ચાંને માટે જંગલમાં ખાવાનું લેવા ગયેલાં ત્યારે કોઇક શિકારીએ જાળ ફેલાવીને એ બચ્ચાંને પકડી લીધાં. બચ્ચાં જાળમાંથી છૂટવા માટે કલ્પાંત કરવા લાગ્યાં. કબૂતર તથા કબૂતરી પાછાં આવીને એમને એ દશામાં દેખીને ખૂબ જ દુઃખી થયાં. કબૂતરી એમને બચાવવા માટે દોડી ને જાળમાં ફસાઇ ગઇ. કબૂતરના દુઃખનો પાર ના રહ્યો. એને જીવન અને જગત નીરસ લાગ્યું. આસક્તિથી અંધ બનીને એ પણ જાળમાં પડ્યું. શિકારી એ સૌને લઇને ચાલી નીકળ્યો.

ભગવાન દત્તાત્રેયને એ ઘટનામાંથી સરસ શિક્ષા સાંપડી :

नातिस्नेहः प्रसंगो वा कर्तव्यः ववापि केनचित् ।
कुर्वन् विंदेत संतापं कपोत इव दीनधीः ॥
(અધ્યાય ૭, શ્લોક પર)

‘કોઇની સાથે અતિશય સ્નેહ ના કરવો અને કોઇની કદી વધારે પડતી આસક્તિ પણ ના રાખવી કારણ કે એને લીધે બુદ્ધિ પરાધીન ને દીન બનશે ને કબૂતરની પેઠે પીડા કે ક્લેશ ભોગવવો પડશે.’

*

‘મનુષ્યશરીર મુક્તિનું મંગલમય દ્વાર છે. એને મેળવીને જે કબૂતરની જેમ ગૃહાદિમાં આસક્તિ કરીને અંધ બને છે તે આરૂઢચ્યુત કહેવાય છે. સુંદર દેવદુર્લભ માનવજીવનને મેળવીને એ આત્મમોન્નતિની દિશામાં આગળ વધવાને બદલે પાછળ પડે છે અથવા બરબાદ બને છે.’

*

અજગરે એમને પ્રારબ્ધના ઉપભોગમાં પ્રસન્ન ને શાંત રહેવાનો સંદેશ આપ્યો. જીવોને એમની ઇચ્છા વગર, વિના પ્રયત્ને, રોકવાનો પ્રયત્ન કરવા છતાં પણ, પૂર્વકર્માનુસાર દુઃખ આવી મળે છે તેવી રીતે સુખની પ્રાપ્તિ પણ થયા કરે છે. એટલા માટે સુખ તથા દુઃખના રહસ્યને જાણનારા બુદ્ધિશાળી પુરુષે એને માટે કશો પ્રયત્ન ના કરવો. વગર માગે, ઇચ્છા કર્યા વગર જે પણ મળે તેમાં પ્રસન્ન રહેવું.

આપણે ત્યાં કહેવાય છે પણ ખરું કે :

‘અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ;
દાસ મલૂકા યોં કહે સબકા દાતા રામ.’

મલૂકદાસની એ ઉક્તિ અને ભાગવતનો પેલો સંદેશ ત્યાગી કે વિરક્તોને માટે કદાચ આદર્શ અને અનુકરણીય હોઇ શકે પરંતુ જીવનનું ઘડતર તથા જીવનનો વિકાસ કરવા માગતા વ્યવહારપરાયણ પુરુષો તો બે હાથ જોડીને બેસી ના રહી શકે. એમણે પુરુષાર્થ કરવો જ જોઇએ. ત્યાગીઓ ને વિરક્તો પણ પુરુષાર્થ કરે છે તો એ પુરુષાર્થ સાથે છૂટાછેડા ના જ લઇ શકે. પોતાના જીવનને દુઃખરહિત, સુખમય, સમૃદ્ધ ને સમુન્નત કરવાનો શક્ય પ્રયત્ન સૌ કોઇએ કરવો જ રહ્યો. પરંતુ એ પુરુષાર્થ ફળે ત્યારે અહંકારી કે ઉન્મત્ત ના થવું, ભાન ના ભૂલી જવું, ને પુરુષાર્થ ના ફળે ત્યારે નાસીપાસ કે નિરાશ ના બનવું ને જીવનમાંથી શ્રદ્ધાને ખોવી નહિ. એવે વખતે માનવું કે પ્રારબ્ધનો કોઇક એવો અદૃષ્ટ યોગ પુરુષાર્થને નથી ફળવા દેતો. શુભ અને અશુભ, અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારની પરિસ્થિતિમાં બને તેટલા સ્વસ્થ, શાંત ને પ્રસન્ન તો રહેવું જ. ભાગવતના સંદેશનું એ સારતત્વ પાંતજલ યોગદર્શન પણ ‘हेयंदुःखमनागतम्’ કહીને જે દુઃખ આવ્યું નથી પરંતુ આવવાનો સંભવ છે તેને દૂર કરવા કે તેની શક્યતાને ટાળવા અત્યારથી જ સત્કર્મોનું અનુષ્ઠાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે. એ પ્રેરણાને અનુસરીને તો ભગવાને જગતના પરિત્રાણ માટે પ્રયત્નો કરતા અવતારો લીધા છે. એમના અનેકવિધ અવતારોનું પ્રયોજન પરહિતનું જ છે. એટલે ભારતીય શાસ્ત્રોનો ને સંતોનો સંદેશ અકર્મનો નથી પરંતુ કર્મનો છે, ને ભાગવત તથા એના સંતો પણ એમાં અપવાદરૂપ નથી જ. માટે ભગવાન દત્તાત્રેય રાજા યદુની જિજ્ઞાસાને સંતોષવા આ સુંદર સદુપદેશ આપી રહ્યા છે. એ કોઇ પણ પ્રકારના પ્રયત્નમાં માનતા હોત તો પોતાનું શ્રીમુખ ખોલતાં જ શા માટે ?

 


 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok