Text Size

11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 3

ભગવાન દત્તાત્રેય પોતાના સ્વાનુભવના આધાર પર કહે છે કે સમુદ્રે પણ મને શાશ્વત સંદેશ પૂરો પાડ્યો છે. સાધકે સમુદ્રની પેઠે સદાય પ્રસન્ન ને ગંભીર રહેવું જોઇએ. એનો ભાવ ઊંડો, અનંત અને અલૌકિક હોવો જોઇએ. એ કદી ક્ષુબ્ધ ના થાય કે બેચેન ના બને, વરસાદના દિવસોમાં સરિતાઓના પૂરને લીધે સમુદ્ર વધતો નથી ને ઉનાળામાં ઘટતો નથી તેવી રીતે સાધકે પણ સઘળાં સંજોગોમાં શાંત રહેવું. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિથી વધારે પડતાં પ્રફુલ્લિત બનીને અને એમની અપ્રાપ્તિથી ઉદાસ કે દુઃખી થઇને ભાન ના ભૂલવું.

દત્તાત્રેયે પતંગિયાને પણ ગુરુ કર્યું છે. પતંગિયું શું કરે છે ? રૂપથી આકર્ષાઇ, મોહિત થઇ, અંજાઇને અગ્નિમાં પડે છે ને બળી મરે છે. ઇન્દ્રિયોને ને મનને સંયમમાં ના રાખનારી વ્યક્તિ પણ શરીરના સૌંન્દર્યમાં ને હાવભાવમાં આસક્તિ કરીને ભાન ભૂલે છે ને પતનની ગર્તામાં પડે છે. જે અજ્ઞાનને લીધે બાહ્ય પદાર્થોની મમતા કરે છે ને સ્ત્રી કે પુરુષમાં ફસાય છે તે દુઃખી થાય છે, અશાંત બની જાય છે, અને આત્મકલ્યાણથી વંચિત બને છે. માટે સાધકે સદ્દબુદ્ધિસંપન્ન, સાવધાન ને સદાચારી રહેવું. ભૂલેચૂકે પણ વિવેકભ્રષ્ટ તથા વિષયાધીન ના બનવું.

ભાગવત સ્ત્રીને દેવમાયા કહે છે. એ ઇશ્વરની માયા છે એ સાચું પરંતુ એનો ભય કોને છે ? વિકારી વૃત્તિ કે મલિન દુર્વાસનાપૂર્ણ દૃષ્ટિવાળાને. એને માટે એ મહામાયા બને છે ને મારક ઠરે છે. પરંતુ જેની વૃત્તિ તથા દૃષ્ટિ નિર્મળ છે તેને માટે તો તે તારક થાય છે. સ્ત્રીને નિહાળીને પરમાત્માની મહાન શક્તિનો કે જગદંબાનો વિચાર કરવો જોઇએ. એવા વિચાર સાથે એનું દર્શન કરવાથી મનમાં મલિન ભાવો કે વિચારો નહિ ઊઠે. એની સાથેનો વ્યવહાર વિશદ બનશે.

ભ્રમર જુદાં જુદાં પુષ્પોનો સાર ગ્રહણ કરે છે અને ક્યાંય પણ આસક્તિ નથી કરતો. તેવી રીતે ત્યાગી, તપસ્વી, વિરક્ત કે સંન્યાસી પુરુષે સંસારીઓ સાથે જરૂર જેટલો જ સંબંધ રાખવો. કોઇ ઠેકાણે મમતા અથવા આસક્તિ ના કરવી, બધેથી સાર ગ્રહણ કરવો, અને સમાજ પાસેથી પોતાના જીવનનિર્વાહ પૂરતું ઓછામાં ઓછું લઇને પવિત્ર તથા તપપરાયણ જીવન નિર્ગમન કરવું ને સમાજને સેવારૂપે પોતાની બુદ્ધિ, શક્તિ અને અનુભૂતિની મદદથી બને તેટલું વધારે અર્પણ કરવા તૈયાર રહેવું. જુદાંજુદાં ધર્મગ્રંથોમાંથી એણે જીવનોપયોગી પ્રેરણાની પ્રાપ્તિ કરવી. ધન, સંપત્તિ તથા બીજી ભૌતિક સામગ્રીનો સંગ્રહ ના કરવો.

*

હાથીને પકડવા માગનારા કેવી કરામત કરે છે તે સર્વવિદિત છે. એ લોકો ઊંડો ખાડો ખોદીને એને ઘાસથી ઢાંકી દે છે અને એની ઉપર કાગળની હાથિણીને ઊભી રાખે છે. એને દેખીને હાથી ત્યાં મદોન્મત્ત બનીને દોડી આવે છે અને ખાડામાં પડીને ફસાઇ જાય છે. હાથીને પકડનારા માણસોનું કામ એવી યુક્તિપ્રયુક્તિથી સહેલું બને છે. ત્યાગી, સંન્યાસી કે વિવેકી પુરુષે એ વાતને યાદ રાખીને લાકડાની કે કાગળની સ્ત્રીનો પણ સ્પર્શ ના કરવો. નહિ તો એ આસક્ત થઇને બરબાદ બની જશે.

*

મધમાખીને પણ દત્તાત્રેય ભગવાને ગુરુપદે સ્થાપી છે. મધમાખી કેટલો બધો પરિશ્રમ કરીને મધપુડાને તૈયાર કરે છે ? છતાં પણ એમના નસીબમાં એ મધપુડાના મધનો ઉપભોગ કરવાનું નથી હોતું. મધ કાઢનારો માણસ મધપુડાને લઇ જાય છે. માખીઓ એનો બનતી બધી જ રીતે વિરોધ કરે છે તો પણ એમનું કશું જ નથી વળતું. લોભીના ચિરકાલીન પરિશ્રમથી સંચિત કરેલા ધનની પણ એવી જ દશા થાય છે. એ ધનને એ સ્વયં નથી ભોગવતો ને બીજાના હિતને માટે પણ નથી વાપરતો. એનો ઉપભોગ કોઇ બીજાના ભાગ્યમાં જ લખાયેલો હોય છે. જે સંપત્તિનો ઉપભોગ પોતાની સુખાકારી માટે ને બીજાના કલ્યાણ કાજે થાય તે જ સંપત્તિ કામની અને બીજાને માટે આશીર્વાદરૂપ છે. એવી સંપત્તિનો સંગ્રહ સફળ છે. સંપત્તિનો તિરસ્કાર કરવાને બદલે સદુપયોગ કરવા તરફ વધારે ને વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

*

શિકારીના સમધુર સંગીતથી સંમોહિત બનીને હરણ એના હાથમાં ફસાઇ જાય છે. એના પરથી પદાર્થપાઠ લઇને આત્મોન્નતિ કરવાની ઇચ્છાવાળા સાધકે કે તપસ્વીએ વૃત્તિઓને ઉશ્કેરનારાં કામોત્તેજક ગીતોને ના સાંભળવાં જોઇએ. આજે તો રેડિયોનો શોખ વધ્યો છે અને એના પરથી જુદાં જુદાં કેટલીય જાતનાં ગીતો પ્રવાહિત થાય છે. એમની અસર માનવના મન પર ઘણી મોટી થાય છે. આજના યુવકવર્ગે પણ એમના શ્રવણની પસંદગીમાં પૂરતો વિવેક જાળવવો જોઇશે. એવા વિવેક વગર જીવનના વિકાસમાં હાનિ પહોંચશે. જે નિયમ શ્રવણને તે જ દર્શનને પણ લાગુ પડે છે. જુદાં જુદાં દૃશ્યોને જોવામાં પણ વિવેકી બનવું જોઇએ.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok