Text Size

11. એકાદશ સ્કંધ

સત્સંગનો મહિમા

શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના બારમાં અધ્યાયમાં ભગવાન કૃષ્ણે ઉદ્વવને સત્સંગનો મહિમા સમજાવ્યો છે. એ મહિમા અજ્ઞાત તો નથી જ પરંતુ સાથે સાથે સુપરિચિત છે. સત્સંગ સાચી રીતે વિચારતાં સત્યસ્વરૂપ પરમાત્માનો સંગ અથવા સંપર્ક છે. જે સાધન દ્વારા એવો સંગ અથવા સંપર્ક સધાય તે સંગ અથવા સંપર્કને પણ સત્સંગ કહેવામાં આવે છે. પરમાત્માનો સંગ અથવા સંપર્ક સાધી ચૂકેલા અથવા સાધવાનો પ્રયત્ન કરનારા પ્રાતઃસ્મરણીય સંતપુરુષોના સમાગમને પણ સત્સંગ કહેવાય છે. એવો સત્સંગ પ્રત્યક્ષ તથા પરોક્ષ બંને પ્રકારનો કહી શકાય. પરોક્ષ સત્સંગ એવા સંતોના વ્યક્તિગત સ્થાનોનો અથવા સદ્દગ્રંથોનો સંપર્ક છે. એ સર્વે પ્રકારોમાંથી સત્સંગ ગમે તે પ્રકારનો હોય તો પણ ઉત્તમ, પ્રેરક, પ્રશસ્ય અને આશીર્વાદરૂપ છે. એની ઉપયોગિતા ઘણી મોટી છે. એની મદદથી માનવ પોતાના જીવનને સુધારી અને ઉદાત્ત બનાવી શકે છે. ત્યાગી તથા સંસારી, એકાંતવાસી કે વ્યવહારમાં વસનારા સૌ કોઇને માટે એ આવશ્યક છે. સંસારના વિરોધાભાસી વાતાવરણમાં, વિભિન્ન પ્રકારનાં પ્રલોભનો તથા ભયસ્થાનોની વચ્ચે વસનારા માનવોને માટે સત્સંગ એક સર્વોત્તમ રસાયન છે. એ એમને સદાને માટે જાગ્રત રાખે છે ને જીવનના સર્વોચ્ચ ધ્યેયનું સ્મરણ કરાવે છે.

*

ભાગવતમાં પોતાની અનોખી રીતે કહેવામાં આવે છે કે ‘આ અવનીની સઘળી આસક્તિઓનો સત્સંગ દ્વારા અંત આવી જાય છે. એને લીધે જેવી રીતે ભગવાન વશ થાય છે તેવી રીતે, એટલી બધી અસરકારક રીતે અને સહેલાઇથી યોગ, જ્ઞાન, ધર્મપાલન, સ્વાધ્યાય, તપ, ત્યાગ, યજ્ઞ તેમજ દાનથી પણ વશ નથી થતા. વધારે શું કહું, પરંતુ વ્રત, કર્મ, વેદ, તીર્થ અને યમનિયમ પણ એમને સત્સંગની પેઠે વશ અથવા પ્રસન્ન નથી કરી શક્તાં.’

न रोधयति मां योगो न सांख्यं धर्म एव च ।
न स्वाध्यायस्तपस्त्यागो नेष्टापूर्तं न दक्षिणा ॥
व्रतानि यज्ञश्छंदांसि तीर्थानि नियमा यमाः ।
यथावरुंधे सत्संगः सर्वसंगापहो हि माम् ॥
(સ્કંધ ૧૧, અધ્યાય ૧ર, શ્લોક ૧-ર.)

અને સત્સંગના એ સુ-પરિણામમાં કોઇ ભેદભાવ થોડો છે ? એના પ્રભાવથી કોઇ પણ સુધરી તથા તરી શકે છે. એને જાતિ, વય, વિદ્યા, રૂપ, પદ, અવસ્થા અથવા બીજા કશાનું બંધન નથી નડતું. એના પવિત્રતમ પ્રભાવથી જેના પણ પ્રાણમાં પરમાત્માનો પાવન પ્રેમ પ્રકટે છે તે ધન્ય બની જાય છે. ભગવાન કૃષ્ણ એ સંબંધમાં ઉદ્વવની આગળ ગોપીઓનું પરમ પ્રેમપૂર્વક સંવેદનસભર સ્મરણ કરે છે. ગોપીઓ કયા ધર્મશાસ્ત્રમાં પ્રવીણ હતી ? કોઇમાં પણ નહિ. તો પણ ભગવાન કૃષ્ણ પ્રત્યેના અપાર અનુરાગને લીધે સર્વત્ર સહજ બ્રહ્મભાવના કે કૃષ્ણભાવના કરીને કૃતાર્થ થઇ. એટલે સત્સંગ દ્વારા ભગવાનનું શરણ લઇને ભગવાનની ભક્તિ દ્વારા ભગવદ્દબુદ્ધિ તથા ભગવદ્દવૃત્તિને જગાવનાર ધન્ય બને છે ને જીવનને સફળ કરે છે.

સંસારમાં રહીને માણસે સ્વધર્મનું પાલન કરવું જોઇએ કે સર્વ કાંઇ છોડીને પરમાત્માનું શરણ લેવું જોઇએ ? ઉદ્ધવે ભગવાનને પૂછેલો એ પ્રશ્ન પુરાતન હોવા છતાં સનાતન છે અને આજે પણ અધ્યાત્મપથના અસંખ્ય પ્રવાસીઓ તરફથી પૂછવામાં આવે છે. એનો ઉત્તર આજના સંદર્ભમાં સમજવા જેવો છે. સર્વ કાંઇ છોડીને પરમાત્માનું શરણ લેવાનું કામ સૌ કોઇને સારું ધાર્યા જેટલું સહેલું નથી. એવું શરણ કોઇક વિશેષ સર્વોત્તમ સંસ્કારસંપન્ન વ્યક્તિ દ્વારા જ લઇ શકાય. એવી રીતે શરણ લેવામાં પણ માનવજીવનનો સર્વોચ્ચ સ્વધર્મ સમાયેલો છે. છતાં પણ જે સંસારના વ્યવહારોમાં રત છે એમને માટે તો મનથી બને તેટલું પરમાત્માનું શરણ લઇને, બુદ્ધિને પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરીને, પરમાત્માના અધિકાધિક અનુગ્રહને અનુભવવાની સાધના કરતાં કરતાં સ્વધર્મનું પાલન કરવાનું જ બરાબર છે. સ્વધર્મના સમ્યક્ પાલનનો અને પરમાત્માના શરણનો સમન્વય કરી શકાય તો સોનામાં સુગંધ જેવું સુંદર કહેવાશે. એમ ના થઇ શકે ને પરમાત્માની પ્રીતિ ના હોય કે ઓછી હોય તો પણ સ્વધર્મના પાલનમાં પ્રમાદી ના જ થવું જોઇએ. વ્યક્તિને પોતાની તથા સમષ્ટિની સુખાકારી ને સમુન્નતિ માટે સ્વધર્મના પરિપાલનની અનિવાર્ય આવશ્યકતા છે.

*

સંસારના સ્વરૂપ સંબંધમાં એ વિષયના અનુસંધાનમાં વ્યક્ત કરાયેલા વિચારો ઘણા સુંદર છે. એ વિચારોનો સાર એટલો જ છે કે સંસારના રૂપમાં પરમાત્મા પોતે જ મૂર્તિમંત અથવા વ્યક્ત થયેલા છે. એને સમજાવવા માટે બે સચોટ ઉદાહરણો આપવામાં આવે છે. એક ઉદાહરણ બીજનું ને બીજું સૂતરનું છે. ફળદ્રુપ ખેતરમાં નાખવામાં આવેલું બીજ જેવી રીતે થડ, ડાળી, પત્ર, પુષ્પ તથા ફળનું રૂપ ધારણ કરી લે છે તેવી રીતે કાલગતિથી પોતાની સ્વાભાવિક વિશિષ્ટ શક્તિનો આધાર લઇને પરમાત્મા જ જુદાં જુદાં સૃષ્ટિરૂપોમાં પ્રતીત થાય છે. અથવા તો સૂતરના તાણાવાણામાં વસ્ત્ર ઓતપ્રોત રહે છે તેવી રીતે આ સમસ્ત સંસાર પરમાત્મામાં ઓતપ્રોત છે. સૂતર વગર વસ્ત્રનું અસ્તિત્વ નથી હોતું પરંતુ સૂતર તો વસ્ત્ર વિના પણ રહી શકે છે, તેવી રીતે પરમાત્મા સંસાર સિવાય પણ રહી શકે છે પરંતુ પરમાત્મા સિવાય સંસારનું સર્જન અને અસ્તિત્વ નથી સંભવી શકતું. આ સંસાર પરમાત્મારૂપ જ છે.

વાસના તથા કામનાથી પ્રેરાઇને કુકર્મો કરનારા માણસો બંધનમાં પડીને દુઃખી થાય છે ને વિષયોથી વિરક્ત, સદ્દસદ્દવિવેકી, સત્કર્મપરાયણ માણસો સુખી. ગુરુની કૃપાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થતાં સમસ્ત સંસાર પરમાત્માના પ્રતિરૂપ જેવો અનુભવાય છે. એવી દિવ્ય દૃષ્ટિના પ્રદાનમાં અને એ દ્વારા જીવનના સાફલ્યમાં સદ્દગુરુનો ફાળો મોટો છે. ભાગવત એવા જીવનમુક્ત સત્યદર્શી સત્યનિષ્ઠ સદ્દગુરુનું સાદર સ્મરણ કરીને એમનું શરણ લઇને, એમની શ્રદ્ધાભક્તિપૂર્વકની ઉપાસના દ્વારા પરમ જ્ઞાનને મેળવીને જીવનનું સાર્થક્ય સાધવાની પ્રેરણા પૂરી પાડે છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok