જપ દ્ધારા મનની શાંતિ

પ્રશ્ન : મારું મન જપ કરવાં છતાં પણ શાંત નથી થતું તેનું કારણ શું હશે ? તેને શાંત કરવાં સારું શું કરવું જોઈએ ?

ઉત્તર : મન જપ કરવાં છતાં પણ શાંત ના થતું હોય તો તેના કારણો જુદાં જુદાં કેટલાંય હોઈ શકે છે. તે કારણોનો પાકો ને સાચો નિર્ણય તો તમે જ કરી શકો પરંતુ તેવા મનને શાંત કરવા માટે નામજપની સાધના ચાલુ રાખવી જોઈએ અને પ્રાર્થનાનો આધાર લેવો જોઈએ. નામજપની સાધના જેમ જેમ વધારે ને વધારે પ્રમાણમાં ચાલુ રહેશે તેમ તેમ મનને શાંત થવાનો માર્ગ મોકળો બનશે. માટે જપથી મન સહેલાઈથી અથવા ધારેલા સમયમાં શાંત ના થતું હોય તો પણ એ સાધનાને છોડી દેવાની નથી. વળી મનને શાંત કે સ્થિર કરવા માટે પ્રાર્થના કરતાં શીખવું જોઈએ. પ્રાર્થનાની શક્તિ અદ્દભુત અને અમોઘ છે. તેની મદદથી ઈશ્વરની સાથે સંબંધ બંધાય છે તેમજ ઈશ્વરના અનુગ્રહનો અનુભવ મળે છે. સાધકની ઉત્કટ ઉરથી થનારી પ્રાર્થનાને સાંભળીને ઈશ્વર એની ઉપર પોતાની વિશેષ કૃપા વરસાવે છે અને એના ચંચળ મનને સહેલાઈથી શાંત કરે છે.

પ્રશ્ન : મન સંપૂર્ણપણે શાંત થાય તે પછી જ જપ કરવામાં આવે તો ? તમને નથી લાગતું કે એ પદ્ધતિ વધારે સારી અથવા આશીર્વાદરૂપ પુરવાર થાય ?

ઉત્તર : મન સંપૂર્ણપણે શાંત થશે તો પછી જપ કોણ કરશે ? એ સંપૂર્ણપણે શાંત થાય ત્યાં સુધી બે હાથ જોડીને બેસી રહેવાથી કશું નહિ વળે. એને શાંત કરવા માટે તો જપ કરવાના છે અને એ કાર્યની સિદ્ધિ ક્રમશ: ધીરેધીરે થશે. એમાં આવશ્યકતાથી અધિક ઉતાવળ કરવાથી કશું નહિ વળે. માટે જપ કરવાનું કામ ચાલુ જ રાખો ને મનને શાંત કરવાનો પ્રયત્ન પણ કરતાં રહો.

પ્રશ્ન : સામાન્ય રીતે કેટલા જપ કરવાથી મન શાંત થાય છે ?

ઉત્તર : એનો કોઈ નિશ્ચિત સર્વસામાન્ય નિયમ નથી બાંધી શકાતો. એનો આધાર મુખ્યત્વે સાધકની કે જપ કરવાની અંતરંગ યોગ્યતા પર રહેતો હોય છે. સાધક પોતાના જીવનમાં દૈવી સંપત્તિની અને ઈશ્વરના પવિત્રતમ પ્રેમની પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કરતાં જપનો આધાર લેશે તો તેનું મન ધાર્યા કરતાં વધારે જલદી ને સહેલાઈથી શાંત થશે. એથી ઊલટું, જો તે જીવનની વિશુદ્ધિનું ને ઈશ્વરના પ્રેમના પ્રાકટ્યનું ધ્યાન જ નહિ રાખે ને તે દિશામાં તદ્દન મંદ ગતિએ ચાલતો હશે તો મનને શાંત કરવામાં ખૂબ જ વાર લાગશે. એટલું સાચું કે પોતાના જીવનની વિશુદ્ધિનો વિચાર કરીને સાધકે તે વિશુદ્ધિને સાધવાનો પ્રયાસ કરતાં કરતાં જેટલા બને તેટલા વધારે ને વધારે નામજપ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એવો આગ્રહ મનને શાંત કરવાની દિશામાં ને બીજી બધી રીતે ઉપકારક થઈ પડશે.

કેટલા જપ કરવાથી મન શાંત થાય છે એવો પ્રશ્ન પૂછવાને બદલે જ્યાં, સુધી મન સંપૂર્ણપણે શાંત ના થાય ત્યાં સુધી જપ અધુરા છે એવું સમજીને જપ વધારે ને વધારે કરતાં જ રહેવું જોઈએ. અંદરની યોગ્ય ભૂમિકાનું નિર્માણ થતાં કેટલીક વાર મનને શાંત કરવા માટે એકાદ જપ પણ પૂરતો થઈ પડે છે અને અંદરની યોગ્ય ભૂમિકાના અભાવમાં કેટલી વાર હજારો અને લાખો જપ પણ ઓછા પડે છે. આખોય સવાલ સાધનાનો છે અને સાધનાની પ્રક્રિયા પર આધાર રાખે છે. એમાં ઉત્તરરૂપે જપની કોઈ નિશ્ચિત સંખ્યાનો નિર્દેશ ના કરી શકાય. એવો નિર્દેશ વાસ્તવિકતાથી વેગળો હોવાથી ન્યાયપુર:સરનો ના કહેવાય.

Today's Quote

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.