Text Size

સમાધિસ્થ સાધકની મનોદશા

પ્રશ્ન: તમે કહ્યું કે ધ્યાનમાં ડૂબી જવાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે, પરંતુ એવો અભ્યાસ કરવો કેવી રીતે ? મન તો આંખ બંધ કરીએ કે તરત દોડાદોડ કરે છે.

ઉત્તર: મનનો સ્વભાવ જ દોડાદોડ કરવાનો છે. લગભગ દરેક સાધકને એનો એ સ્વભાવ નડે છે. છતાં પણ એના એવા સ્વભાવથી જ ડરવાનું કારણ નથી. ડરપોક નહિ પણ નીડર સાધકો જ આગળ વધી શકે છે. અને અભ્યાસમાં સફળ પણ તે જ થાય છે. તમારા પસંદ કરેલા અભ્યાસક્રમમાં તમે જરા પણ હતાશ થયા વિના લાગ્યા રહો, તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે કોઈ યોગ્ય માર્ગદર્શકનો સહકાર લો, તો ધ્યાનમાં ડૂબી જવાનું કામ કાંઈ કઠિન નથી. યાદ રાખો કે આ કામ તમારે કાંઈ નવેસરથી નથી કરવાનું. તમારા પહેલાં આ કામ બીજા કેટલાય લોકોએ કરેલું છે. તમારે તો તેમને પગલે જ ચાલવાનું છે. માટે મનની ચંચળતાનો વિચાર કરીને અત્યારથી જ નાહિંમત ના બની જાવ.

પ્રશ્ન: ધ્યાન કરતાં કરતાં શરીરનું ભાન ભૂલી જવાય છે એ વાત સાચી છે ?

ઉત્તર: સંપૂર્ણ સાચી છે. એને દેહાધ્યાસની વિસ્મૃતિ કહેવાય છે. લાંબા વખતની ઉત્સાહપૂર્વકની, એકધારી, સતત સાધના પછી એવી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એ અસાધારણ, અલૌકિક અવસ્થા કાંઈ જેને તેને નથી મળતી. કોઈક બડભાગીને જ મળી શકે છે. જેનું મનોબળ અત્યંત મજબૂત હોય, હૃદય નિર્મળ હોય, અને સાધનાત્મક સંસ્કારોનું પીઠબળ ઘણું ભારે હોય, તેવા વિરલ કે લોકોત્તર સાધકને જ એ અવસ્થાનો આસ્વાદ મળી શકે છે. જપ ને ધ્યાન જેવા સાધનાના પ્રકારો એ અવસ્થાના આસ્વાદ માટે જ છે. એની પ્રાપ્તિ થતાં જે આનંદ, સુખ કે શાંતિ મળે છે, તે કાંઈ ઓર જ હોય છે. એ અવસ્થાની અનુભૂતિ ના થાય ત્યાં સુધી સાધનાના બધા પ્રયાસો અધૂરા છે. શરીરનું ભાન ભૂલવાની સહજ અવસ્થાની પ્રાપ્તિથી, માત્ર પરમ સુખ, પરમ શાંતિ, ને પરમાનંદ મળે છે એમ ના સમજતા. અંતરંગ દુનિયાના ચકિત કરી દે એવા ઉત્તમોત્તમ અનુભવોનું એક નવું દ્વાર એથી ઊઘડી જાય છે. સાધક એ અનુભવોથી ધન્ય બને છે. આ પૃથ્વી પર અને પૃથ્વીની પારના પ્રદેશોમાં વસતા લોકોત્તર, સમર્થ મહાપુરુષોની સાથે એ સંપર્કમાં આવે છે, તથા એને કેટલીક વિશેષ શક્તિની પ્રાપ્તિ થાય છે.

પ્રશ્ન: શરીરનું ભાન ભૂલીને સમાધિમાં ડૂબી ગયેલા સાધકના મનની દશા કેવી હોય છે ?

ઉત્તર: પદાર્થોને તાજા તથા ઠંડા રાખવા માટે કામ આવતા એકાદ રેફ્રીજરેટર જેવી તદ્દન શાંત અને પ્રસન્ન. એ મન અહંકાર કે રાગદ્વેષ જેવી મલિનતાથી યુક્ત નથી હોતું, તથા વાસના કે વિકારો એને સ્પર્શી નથી શકતા. ભગવદ્દભાવના મૂર્તિમંત સ્વરૂપ જેવું એ મન બધી દશામાં ને બધે સ્થળે કૃતાર્થતાનો અનુભવ કરે છે. વાતાવરણની અસર એના પર નથી થતી. દ્વંદ્વાતીત બનેલું એ મન કંચન જેવું નિર્મળ બનીને, માત્ર નામનું મન રહે છે એટલું જ. જ્યારે વ્યુત્થાન કે જાગૃતિદશામાં નથી હોતું, અને સમાધિદશામાં લીન હોય છે, ત્યારે તે પરમાત્માની સાથે એકાકાર અને એકરૂપ બની જાય છે. પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ખોઈ બેસે છે. બિંદુ જેમ સિંધુમાં સમાઈ જાય, તેવી તેની દશા હોય છે.

પ્રશ્ન: હાલના વાતાવરણમાં એવી દશાની પ્રાપ્તિ શક્ય છે ખરી ?

ઉત્તર: એવી શક્યતા વિશે કોઈપણ પ્રકારની શંકા કરવાની જરૂર નથી. હાલના વાતાવરણમાં રહીને પણ, કેટલાય સાધકો ધ્યાનાદિ સાધના કરી રહ્યા છે, અને કેટલાય એવી સાધનાના સુમેરૂ શિખરે પહોંચેલા છે, તેમ તમે પણ પહોંચી શકો છો. બધા જ દોષનો ટોપલો વાતાવરણને માથે ના ઢોળી દેતા. વાતાવરણ અસર કરે છે ને ભાગ ભજવે છે, એ સાચું છે. પરંતુ વાતાવરણને બદલાવી શકાય છે. સુધારી કે અનુકૂળ બનાવી શકાય છે અને એની અસરથી પર રહી શકાય છે, એ પણ એટલું જ સાચું છે. વાતાવરણથી ડરો છો શા માટે ? ડરવાથી એ કાંઈ થોડું જ બદલાઈ જવાનું છે ? એમાં રહીને જરૂરી માર્ગ કાઢો, અને આગળ વધો, તો જે ધારશો તે કરી શકશો. યાદ રાખો કે જીવનમાં જેમણે કંઈક પણ મહત્વનું મેળવ્યું છે, તેમણે ચિંતા નથી કરી. વાતાવરણને તેમણે પોતાને માટે પોષક કે અનુકૂળ બનાવ્યું છે. તમારે પણ એવી જ રીતે આગળ વધવાનું છે. પ્રતિકૂળ વાતાવરણમાં જન્મી તથા શ્વાસ લઈને જીવનની સંસિદ્ધિના શિખર પર પહોંચેલા કબીર, તુલસી, નરસિંહ, તુકારામને પ્રહલાદ તથા મીરાના જીવન તમે નથી જાણતા ? તો પછી શંકાશીલ શા માટે બનો છો ? નિરાશાને ખંખેરી કાઢીને, જવાંમર્દની જેમ આગળ વધો. વાતાવરણ તમારા વિકાસમાં અવરોધક નહિ જ બને.

પ્રશ્ન: ઈશ્વરનું નામસ્મરણ કરવાની પ્રક્રિયાને શાસ્ત્રોમાં બહુ મહત્વની માનવામાં આવી છે. પરંતુ એવી પ્રક્રિયાથી કોઈ લાભ થાય છે ખરો ? તે લાભ જો થતો હોય તો કેવી જાતનો છે ?

ઉત્તર: નામસ્મરણ કરવાની પ્રક્રિયાને નામ જપ અથવા જપ યજ્ઞ પણ કહેવામાં આવે છે અને એનાથી મારી માન્યતા પ્રમાણે મુખ્યત્વે પાંચ લાભ થાય છે. એટલું જ નહિ, પરંતુ એ લાભ થતા હોય તો જ નામ જપ પદ્ધતિસર અથવા તો યોગ્ય દિશામાં થઈ રહ્યા છે એમ માનવાનું છે.

પ્રશ્ન: પદ્ધતિસર અથવા તો યોગ્ય દિશામાં થઈ રહ્યા છે એટલે શું બધા જપ પદ્ધતિસર અથવા તો યોગ્ય દિશામાં નથી થતા ?

ઉત્તર: એ જ જોવાનું છે ને ? તમને ખબર નથી કે વધારે ભાગના લોકો સમજ્યા વિના કે તદ્દન યાંત્રિક રીતે જપ કરે છે ? વરસો સુધી જપ કરવા છતાં તેમનો વિકાસ નથી થતો, એ લોકો જ્યાં હોય છે ત્યાં, અને કોરાધાકોર જ રહી જાય છે. એ બતાવે છે કે જપ કરવામાં ખામી છે, અને તે દ્વારા જે લાભ થવો જોઈએ તે નથી થઈ રહ્યો. જપનો આધાર જો સમજપૂર્વક લેવામાં આવે તો તેના પ્રભાવથી માણસનું આમૂલ પરિવર્તન થઈ જાય છે.

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok