Friday, June 05, 2020

ગુરુ અને ગુરુકૃપા

પ્રશ્ન: ગુરુકૃપા શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય ? શું ગુરુકૃપાની પ્રાપ્તિને માટે ગુરુમય બની જઈને ગુરુની ખૂબખૂબ સેવા કરવી જોઈએ એ શું સાચું છે ?

ઉત્તર: ગુરુકૃપા ખરેખર શું છે એ તો જે એનો અનુભવ કરે તેને જ ખબર પડી શકે. છતાં પણ, કહેવાને ખાતર એટલું જરૂર કહી શકાય કે ગુરુકૃપાથી આત્મોન્નતિના માર્ગમાં મદદ મળે છે, અને ઈશ્વરના સાક્ષાત્કારનો મનોરથ સહેલો બને છે. દુર્ગુણોની નિવૃત્તિ કરીને સદ્દગુણોની પ્રાપ્તિમાં તથા દુષ્કર્મોનો અંત આણીને સત્કર્મોના અનુષ્ઠાનમાં તે મદદરૂપ થાય છે. જીવનને નિર્મળ, ઉદ્દાત્ત તથા ઈશ્વરમય બનાવવામાં તેથી મદદ મળે છે. એક રીતે કહીએ તો ગુરુકૃપા એ ઈશ્વરની અસીમ કૃપાને માટેનું પ્રમાણપત્ર કે પ્રવેશદ્વાર છે. એ થતાં ઈશ્વરકૃપા દૂર નથી રહેતી. ગુરુના રૂપમાં આવીને સૌથી પહેલા ઈશ્વર જ પોતાની કૃપા વરસાવે છે. ગુરુની કૃપા દ્વારા જે ધન, વૈભવ, પદ, પ્રતિષ્ઠા ને સાંસારિક સુખોપભોગની ઈચ્છા રાખે છે તે ભારે ભૂલ કરે છે. ગુરુની કૃપાના સાચા રહસ્યને તે નથી સમજતા. ગુરુની કૃપા કેવલ સાંસારિક સુખસમૃદ્ધિને માટે નથી વટાવવાની, પરંતુ તેનો લાભ લઈને ઈશ્વરના સાક્ષાત્કારના મહત્વના ધ્યેય તરફ આગળ વધવાનું છે, એ નથી ભૂલવાનું.

તમારા બીજા પેટા પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે ગુરુકૃપાની પ્રાપ્તિને માટે ગુરુની મન મૂકીને સેવા કરવી જોઈએ એ તો સાચું જ છે, પરંતુ એની સાથેસાથે ખાસ ધ્યાન ગુરુના ઉપદેશ કે સંદેશ પ્રમાણે ચાલવા પર આપવું જોઈએ. ગુરુ જે કહે તે શ્રદ્ધા તથા પ્રામાણિકતા સાથે ઉત્સાહ ને ખંતપૂર્વક કરવું અથવા તો એમણે નિર્દેશેલા આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધવું અત્યંત આવશ્યક છે. આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે. કેમ કે ગુરુની સેવા કરવામાં આવે પરંતુ એમના સદુપદેશનું અનુષ્ઠાન કરવામાં ના આવે તો કોઈ વિશેષ હેતુ નથી સરતો. ગુરુએ બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવામાં આવે, અને ગુરુની શ્રદ્ધાપૂર્વક સેવા કરવામાં આવે, તો તેથી પ્રસન્ન થઈને ગુરુ કેટલીક વાર અનુગ્રહ કરે છે, ને અધ્યાત્મ મંદિરનાં ગુપ્ત દ્વાર ઉઘાડી આપે છે.

પ્રશ્ન: તમે પહેલાં એકવાર લખેલું કે અંતરની ઉત્કટ ઈચ્છા હોય તો ગુરુ ચોક્કસ મળે છે. પરંતુ માણસને કેટલાય સંત મહાત્માઓ મળે, તેમની સાથે વાર્તાલાપ થાય, તે કાંઈ શીખવે તે પ્રમાણે માણસ કરે પણ, તો તે મહાત્મા તેના ગુરુ ખરા કે નહિ ?

ઉત્તર: જેની પાસેથી આપણને કાંઈક શીખવા સમજવાનું મળે છે અથવા તો જેના બતાવેલા સાધન-માર્ગને નજર સમક્ષ રાખીને આપણે આગળ વધતા રહીએ છીએ તેને ગુરુ માનવામાં કશી જ હરકત નથી. ગુરુ તરીકેની શ્રદ્ધાભક્તિ આપણે તેનામાં ધારણ કરી શકીએ છીએ. ગુરુ આપણને વાસ્તવમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પરમ પ્રકાશમાં લઈ જાય છે તથા અશાંતિમાંથી શાંતિમાં, બંધનમાંથી મુક્તિમાં, અને આત્માનુભવથી રહિત દશામાંથી આત્માનુભૂતિની અસાધારણ અવસ્થામાં પ્રવેશ કરાવે છે. એ કામમાં મદદરૂપ થાય તેને ગુરુ જરૂર કહી શકાય.

પ્રશ્ન: માણસ પોતાના ગુરુને જ્યારે પહેલીવાર મળે ત્યારે એને કેમ ખબર પડે કે આ જ મારા ગુરુ ? એમના પ્રત્યે કોઈ અનન્ય ભાવ કે આકર્ષણ થાય છે ?

ઉત્તર: કોઈવાર આકર્ષણ થાય છે તો કોઈવાર નથી પણ થતું. કોઈવાર એવા મહાપુરુષની સંનિધિમાં પ્રથમ મુલાકાતે જ ઊંડી શાંતિ મળે છે, તો કોઈવાર નથી પણ મળતી. એ બાબત કોઈ એકસરખો સર્વસામાન્ય નિયમ નથી કરી શકાતો. મારી સમજ પ્રમાણે ગુરુની પસંદગીમાં ઉતાવળ ન કરવી જોઈએ. ગુરુના સંસર્ગમાં અવારનવાર આવવું જોઈએ. એમના જીવનનું કે જીવનનાં જુદાં જુદાં પાસાઓનું બારીકાઈથી વિવેકપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. અને પછી જ આપણો અંતરઆત્મા જો કબૂલ કરે તો તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. ગુરુ ને શિષ્યનો સંબંધ સમસ્ત જીવન પર અસર પહોંચાડનાર હોવાથી, તેની સ્થાપના કોઈપણ પ્રકારની લાગણી, ભાવના કે ધૂનથી દોરવાઈ ગયા વિના, પૂરતા વિચારપૂર્વક તથા શાંતિથી કરવી જોઈએ.

પ્રશ્ન: અમુક એક માર્ગમાં શું ગુરુ એક જ થઈ શકે ? વધારે ન થઈ શકે ?

ઉત્તર: મુખ્ય આધ્યાત્મિક ગુરુ તો એક જ હોઈ શકે અને એક હોય તે જ સારું છે, પરંતુ જેમની પાસેથી જીવન વિકાસની બીજી મદદ મળતી રહે તેવા પેટા ગુરુ બીજા કેટલાક હોઈ શકે ખરા.

પ્રશ્ન: ગુરુની આવશ્યકતા ખરી કે નહિ ?

ઉત્તર: તે તમારે નક્કી કરવાનું છે. જ્યાં સુધી તમે અપૂર્ણ છો અને પોતાની મેળે આગળ નથી વધી શકતા, ત્યાં સુધી તમારે કોઈ ને કોઈ પથપ્રદર્શક જોઈશે જ. તે જ ગુરુ છે.

પ્રશ્ન: ગુરુને ઈશ્વરરૂપ કહેવામાં આવે છે તે સાચું છે ?

ઉત્તર: તાત્વિક રીતે સાચું છે. કારણ કે ઈશ્વરનો પ્રકાશ ગુરુમાં વિશેષ પ્રમાણમાં પથરાયેલો હોય છે. ગુરુ ઈશ્વરના પ્રતિનિધિ છે. જો ગુરુએ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હશે તો તો તે ઈશ્વર સાથે એકરૂપ બની ગયા હશે. અને જો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરતા હશે તો પણ, તે બીજા કરતાં ઈશ્વરની વધારે નજીક તો હશે જ. ગુરુને ઈશ્વરરૂપ કહેવામાં આવે છે તે ઈશ્વરદર્શી ગુરુને માટે જ કહેવામાં આવે છે તે ખાસ યાદ રાખવાનું છે - જેવા તેવા ભળતા ગુરુને માટે નહિ.

પ્રશ્ન: ગુરુની પસંદગી કરતી વખતે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ ?

ઉત્તર: ગુરુની પસંદગી માટે ઉતાવળ કરવાની જરૂર નથી. ગુરુના જીવનને કે વ્યવહારને શાંતિથી જોવાની જરૂર છે, જેથી કોઈ ભળતા માણસના હાથમાં પડીને જીવનને બરબાદ કરી ન બેસાય. ગુરુના વિચારો તમને ગમે છે કે નહિ તે ખાસ જોજો. તેને સાધનામાં રસ છે કે નહિ, અને તે સાધનાત્મક અનુભવ ધરાવે છે કે નહિ, તે પણ જોજો. તેનો સ્વભાવ તમને પસંદ પડે છે કે નહિ તે પણ વિચારજો. ને બને ત્યાં સુધી વ્યસની ન હોય, લૌકિક લિપ્સાથી યુક્ત ન હોય, તેમ જ પરમાત્માના પ્રેમ અથવા આત્મજ્ઞાનથી વંચિત ન હોય તે ખાસ જોજો. વારંવારના પરિચય પછી જો તમને તે તમારે માટે યોગ્ય અથવા આદર્શ લાગે તો તેનો ગુરુરૂપે સ્વીકાર કરજો. અને એક વાર સ્વીકાર કર્યા પછી બધા જ સંજોગોમાં દ્રઢ વિશ્વાસપૂર્વક વળગી રહેજો. તમારું હૃદય જેને એકવાર સમજપૂર્વક માન્ય કરે, તેને ચંચલ બનીને નજીવા કારણોસર છોડી ન દેતા અને નિંદવા પણ ન માંડતા. કદાપિ નહિ.

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok