if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વાત ઈ. સ. ૧૯૪૬ની છે, છતાં આજે પણ એટલી જ તાજી લાગે એવી છે.

તે દિવસોમાં હું સીમલા હીલ્સમાં આવેલા ધરમપુરમાં રહેતો. એક શેઠને ત્યાં મારો ઉતારો. તે શેઠ ક્ષયરોગથી પીડાતા અને એથી જ ધરમપુરના ટી. બી. સેનેટોરિયમમાં દાખલ થયા હતા. તેમણે ધરમપુરથી થોડે દુર ચેલમાં રહેતા એક મહાત્મા વિશે સાંભળ્યુ, એટલે એમનાં આશીર્વાદ લેવાની એમને ઈચ્છા થઈ. પોતાના રસોઈયાને તેમણે ચેલના મહાત્મા પાસે જવા તૈયાર કર્યો. રસોઈયો એ પ્રદેશનો ભોમિયો હતો. એની સાથે જવા માટે શેઠે મને પણ આગ્રહ કર્યો, એટલે હું પણ ચેલની મુસાફરી કરવા તૈયાર થયો. ધરમપુરથી કંડાઘાટ સુધી રેલ્વે, ને કંટાઘાટથી ચેલ સુધી મોટર, તથા ચેલથી પાછું ચારેક માઈલ પગરસ્તે ચાલીને એક પર્વતીય ગામમાં જઈએ ત્યારે એ મહાત્મા પાસે પહોંચી શકાય.

જરૂરી તૈયારી કરી અમે બંને સ્ટેશને ગયા. ધરમપુરનું સ્ટેશન સાવ નાનું હતું. વહેલી સવારનો ટાઈમ એટલે માણસો સારી સંખ્યામાં હતા. પ્લેટફોર્મ આખું માણસોથી ભરાઈ ગયું હતું. ટ્રેન આવવાને થોડો જ વખત બાકી હતો, એટલે અમે એક ઠેકાણે ઉભા રહ્યા. ત્યાં તો મારી નજર પ્લેટફોર્મના બીજા છેડા પર પડી. ત્યાં એક ભગવાં વસ્ત્રધારી સાધુ સીગારેટ પીતાંપીતાં તથા ગાંડાની જેમ બકવાદ કરતા, આમથી તેમ આંટા મારતો હતો. માથે મુંડન હતું. મારી પાસે ઉભેલા રસોઈયાનું ધ્યાન મેં એની તરફ ખેંચ્યું તો એણે કહ્યું : ‘મહારાજ, વહ તો સી. આઈ. ડી. કા આદમી હય. ઉસે સાધુ નહિ માનના. વૈસે સ્વાંગધારી સાધુ તો આજકલ બહુત ફિરતે હૈ.’

લોકો પણ એ સાધુ તરફ કાંઈ વિસ્મય ને કાંઈક તિરસ્કારની નજરે જોતા હતા.

એટલીવારમાં તો ટ્રેન આવી પહોંચી. લોકો બધા દોડાદોડ કરવા લાગ્યા. સ્ટેશન નાનું ને ટ્રેન થોડો વખત જ ઉભી રહે, એટલે જગ્યા માટે પડાપડી થવા લાગી. જગ્યા મળવી મુશ્કેલ હતી તો પણ અમે જેમતેમ કરીને ડબામાં ગોઠવાઈ ગયા. બેસવાની જગ્યા ન મળી તેથી અમે બારી પાસે જ ઉભા રહ્યા.

એ જ વખતે પેલો ભગવાધારી સાધુ અમારા ડબા આગળ ઝડપથી ચાલતો આવી પહોંચ્યો. બારી આગળ આવીને એણે સીગારેટ નીચે ફેંકી દીધી. ઝભ્ભાના ખીસ્સામાંથી રૂમાલ કાઢી મોં સાફ કર્યું અને પછી લાંબા વખતથી મને ઓળખતો હોય તેમ, મોં મલકાવીને કહ્યું :

‘ક્યોં, કહાં જાતે હો ?’

મને થયું કે પ્લેટફોર્મ પર ફરતી વખતે આ સાધુ કેટલો બધો ગાંડા જેવો દેખાતો હતો, ને અત્યારે કેવો ડાહ્યો દેખાય છે ? પરંતુ એને જવાબ આપવો શું બરાબર છે ? એક અજાણ્યા માણસ સાથે વાત કરવાથી શું ફાયદો ?

પરંતુ મારા પ્રત્યુત્તરની પરવા ન હોય એમ એ કહેવા માંડ્યો :

‘મૈં જાનતા હું કિ તુમ ચેલ જાતે હો. વહાં ક્યા રક્ખા હૈ ? ઠીક હૈ, સાધુ હૈ. લેકિન ઈતના આગે બઢા હુઆ નહિ. વહાં જાને સે કુછ ભી નહિ મિલેગા. વહ તુમ્હે કુછ ભી નહીં દે સકતા. ઉસસે તો તુમ દેવપ્રયાગ જાઓ. દેવપ્રયાગ કે તુમ્હારે આશ્રમમેં. વહાં રહકર સાધના કરો. તુમ્હેં શાંતિ મિલેગી, ઔર જો ચાહોગે સો તુમ્હારે અંદરસે હી પ્રાપ્ત હોગા. સમજે બાબા ? મેરા માનો તો દેવપ્રયાગ હી જાઓ.’

એ વૃદ્ધ સાધુનાં વચન સાંભળીને હું તો આશ્ચર્ય પામી ગયો. કેવો અસાધારણ સાધુ ? અમે ચેલ જઈએ છીએ એ ખબર એને ક્યાંથી પડી ? એ તો ઠીક, પણ હું દેવપ્રયાગ રહું છું ને ત્યાં મારો આશ્રમ છે, એ વાત પણ એણે ક્યાંથી જાણી ? ગજબની વાત છે. રસોઈયો પણ બધું સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. મને થયું કે આપણે ચેલના મહાત્મા પાસે જઈએ છીએ, પરંતુ આપણી સામે જ, આ પ્લેટફોર્મ પર, એક ઉત્તમ કોટીના મહાત્મા પુરૂષ ઉભા રહ્યા છે. એમનો લાભ લઈએ તો જીવન ધન્ય બની જાય. આવા મહાત્મા પુરૂષ જ્યારે ત્યારે ને જેને તેને નથી મળતા. અરે, એમની સંખ્યા જ કેટલી બધી ઓછી હોય છે ?

પરંતુ ત્યાં તો ટ્રેન ઉપડી. સાધુપુરૂષે મારી સામે જોઈ સ્મિત કરીને કહ્યું : ‘અચ્છા, ફિર આના.’

ચેલથી પાછા ફર્યા બાદ રસોઈયાએ ઘણી તપાસ કરી. પરંતુ એ વૃદ્ધ સાધુપુરૂષ ન મળ્યા. આવા લોકોત્તર શક્તિવાળા સાધુને પોતે સી. આઈ. ડી. માન્યા તે બદલ એને અફસોસ થયો. પણ હવે શું થાય ? કહ્યું છે ને - ‘ગઈ પળ પાછી ન આવે, મુરખ, મુઢ, ગમાર.’

ભારતમાં લોકો સહેલાઈથી ઓળખી ન શકે એવા ગુપ્તરૂપમાં, આવા કેટકેટલા મહાપુરૂષો, ચીંથરેબાંધ્યા રતનની જેમ રહેતા હશે ? તેની ચોક્કસ માહિતી પણ કોણ આપી શકે તેમ છે ? કોઈક ધન્ય ક્ષણે તેમનાં દર્શન કે સત્સંગનો લાભ મળી જાય છે ત્યારે, હૃદય નાચી ને બોલી ઉઠે છે : ‘જડવાદ તરફ ઢળતા જતા આવા ઘોર કાળમાં પણ આ દેશમાં આવા શક્તિશાળી મહાપુરૂષો જીવે છે ખરા. ધન્ય છે ભારતની આધ્યાત્મિકતાને ! આવા પુરૂષો આ દેશમાં પ્રકટ થાય છે ત્યાં સુધી દેશનું અને આખી દુનિયાનું ભાવિ ઉજળું છે.’

  - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.