Text Size

સોમનાથને

સોમનાથ ! ભગવાન સોમનાથ !
પ્રતિકૂળતાની કેટકેટલી પરંપરામાંથી પસાર થઈને
વિઘ્નોનાં વાદળને વિખેરીને
તમે સ્વસ્થતાપૂર્વક ઊભા રહ્યા છો !
માનવે તમને નષ્ટપ્રાય કરવાની કોશિષો કરી
કિન્તુ એ જ નષ્ટપ્રાય બની ગયો,
તમે તો અમૃતમય જ રહ્યા.
એના પર આપત્તિઓ આવી પડી,
તમે તો આનંદના અર્ણવ જ રહ્યા.
મારવાના મનોરથવાળા મરી ગયા,
તમે મૃત્યુંજય થયા, સંજીવનપ્રદ બન્યા.
તમારા પર સોમલ છાંટનારા સ્વયં જલી ગયા,
તમે શાશ્વત સુભગ સ્મિત રેલતા રહ્યા.
*
સોમનાથ ! ભગવાન સોમનાથ !
પ્રકૃતિનાં કેટકેટલા પરિવર્તનોમાંથી પસાર થઈને પણ
તમે અનોખા, અવિનાશી, અલિપ્ત રહ્યા !
આજની ઘડીને ધન્ય માનું છું
કે આજે તમારું દૈવી દર્શન મળ્યું,
હૃદયમાં, રોમરોમમાં
તમારા સન્માનનું સુધામય સ્વર્ગીય સંગીત ભળ્યું.
આપણું અનુરાગમય મિલન, મંગલ મહામિલન થયું.
*
પાસે જ પ્રભાસની યાદવાસ્થળી થઈ
અને યોગયોગેશ્વર ભગવાન કૃષ્ણે કર્યું
ઉત્ક્રાંતિ દ્વારા લોલવિલોલ લીલા સંવરણ,
એ દેવદુર્લભ દ્રશ્યોને દેખતા તમે ઊભા છો.
નૃત્યાંગનાશી લલિત લહરીઓ
તમારી આગળ ટોળે વળે છે, તમને આરાધે છે
અને રાતે તારા-ચંદ્રનો અનંત વૈભવ ખુલ્લો મૂકીને
આસમાન અનંત આંખે અવલોકે છે.
જે જુએ છે તે પરિતૃપ્તિ નથી પામતા
એવો અનેરો છે તમારો આહ્ લાદ,
તમારો અક્ષય અમૃતરસ.
લેશ પણ ચાખે ને માણે છે એ જ એને સમજી શકે છે.
*
સોમનાથ ! ભગવાન સોમનાથ !
તમે પ્રતિક છો,
પદાર્થપાઠ પૂરો પાડો છો.
વિધાયક અને વિધ્વંસક
મંડનાત્મક અને ભંજનાત્મક
ઉભયવિધ પ્રવાહો વિશ્વમાં વહ્યા કરે છે,
ભગવાન મહાકાળનું, કાળના સ્વામી શંકરનું તાંડવનૃત્ય ચાલે છે !
સ્વલ્પ સમય સારું વિધ્વંસક વિપરીત બળોનો વિજય દેખાય
શિવનો, સત્યનો સર્વનાશ થાય
તો પણ એ સર્વનાશ નથી હોતો
અંતિમ વિજય નથી. હોતો;
છેવટે તો કાળનો નહિ, કાળના સ્વામીનો
અશિવનો નહિ, શિવનો જ વિજય થાય છે.
તમારા શંખનાદ, ઘંટ, ગગનચુંબી ગુંબજ,
અને એના પરના પવિત્રતમ પતાકા, સુંદર સ્વર્ણકળશ
એની સાક્ષી પૂરે છે.
*
સોમનાથ ! ભગવાન સોમનાથ !
સિંધુ પોતાની તરલ તરંગમાળાથી
તમારી અહર્નિશ અખંડ આરતી ઉતારે છે,
આરાધના કરે છે,
તમારું અવિરામ ગૌરવગાન ગાય છે.
એના ઉમળકાનો અંત નથી.
એને અવલોકીને કહેવાનું મન થઈ આવે છે.
પૃથ્વીની પ્રજાઓના પ્રાણમાં
પ્રેમના એવાં જ પ્રબળતમ પરમાણુઓને પ્રકટાવો
જેથી સર્વત્ર શિવતત્વનો વિજય થાય;
દ્વેષનો નહિ પરંતુ પ્રેમની,
દાનવતાની નહિ પરંતુ માનવતાની,
અસુરની નહિ કિન્તુ સુરની
સમુચિત સંપ્રતિષ્ઠા થાય,
જગત જ્યોતિર્મય બની જાય.
સોમનાથ ! ભગવાન સોમનાથ !
તમને પ્રણામ !
પાર વિનાના પ્રણામ !
પ્રેમપરિપ્લાવિત પ્રાણે, પરમ પૂજ્યભાવે,
પ્રશસ્તિપૂર્વક પ્રણામ !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok