Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેવાં નમણાં નયન !
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !

એમાં આશાની અખંડ જ્યોત જાગી ગઈ,
કોઈ વ્હાલની વર્ષાવેણુ વાગી ગઈ;
એવાં ગરવાં નયન, એવાં વરવાં નયન,
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !

એને એકવાર અવલોકી લે જો જરી,
જાય સંપત્તિ સઘળી નીરસ તો થઈ;
એવાં ભરતી ભરેલાં રસીલાં નયન.
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !

મળે મુજને તો પરવા કશીયે નહીં,
સ્વર્ગ વૈકુંઠ તીર્થ પછી ક્યાં કહીં;
એનાં રસમાં નહાયે  નિરંતર નયન.
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !

- શ્રી યોગેશ્વરજી