Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વટવૃક્ષને વિલોકીને મન વિચારે ચઢે છે :
માનવજીવન વિશાળ વટવૃક્ષ જેવું જ મમત્વયુક્ત છે, મધુર છે.
ઉપર ચઢે છે તો પણ નીચેનો પરિત્યાગ નથી કરી શકતું.

વટવૃક્ષને વિલોકીને મન વિચારે ચઢે છે :
જીવન તમારા પ્રેમમાંથી પોષાઈને,
પ્રેરણા પામીને,
પ્રબળ બને, પવિત્રતા પ્રતિ વળે,
અનેક આર્તને આવી રીતે શીળી છાયા પ્રદાન કરતું રહે.
આશીર્વાદરુપ, આશ્રયરુપ ઠરે.

છાયા સદા શીતળ નથી હોતી, તીખી પણ હોય છે.
ઠારે છે તેમ દઝાડે છે પણ ખરી.
તોપણ સ્નેહની એ સ્વર્ગીય છાયા
મારે માટે સદા સુધામય બને, શાંતિ ધરે.

વટવૃક્ષને વિલોકીને મનમાં મનોરથ જાગે છે :
જે પૃથ્વી પર પ્રકટ્યો છું એના પ્રેમને યાદ રાખીને
જીવનપર્યંત પોષણ પામું, પોષણ પ્રદાન કરું;
ઊગું ઊર્ધ્વમાં વિસ્તરું વિરાટમાં
પરંતુ પૃથ્વીને વિસ્મરું નહીં,
એનું પણ ધ્યાન રાખું.

વટવૃક્ષને વિલોકીને.....

- શ્રી યોગેશ્વરજી