વિષાદનો પ્રસંગ

પહેલા અધ્યાયમાં અર્જુનને થયેલા વિષાદની આપણે વાત કરી ગયા. વિષાદનો આ પ્રસંગ નીકળ્યો છે ત્યારે એક બીજો પ્રસંગ યાદ આવે છે. જેમ અર્જુનને તેમ રામને પણ વિષાદ થયો હતો, ને રામે સંસાર પ્રત્યેનો પોતાનો વૈરાગ્ય સારી રીતે વ્યક્ત કર્યો હતો. અર્જુનને જીવનના સારથિ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ મળ્યા, તેમ રામને મહર્ષિ વશિષ્ઠનું પથપ્રદર્શન પ્રાપ્ત થયું. પરિણામ બંનેનાં એકસરખાં આવ્યા. અર્જુન ને રામ સાચું જ્ઞાન મેળવીને અલિપ્તભાવે કર્મ કરવાની કલા શીખી શક્યા ને સંસારને બે મહાન ગ્રંથરત્નોની પ્રાપ્તિ થઈ. ગીતા ને યોગવાશિષ્ઠ. બંને ભારતના મહાન વારસાગ્રંથ છે, ને માનવને માટે સર્વ સ્થળે ને સર્વ કાળે પ્રેરણા ને શક્તિની સામગ્રીથી ભરપૂર છે. ભારતીય ઋષિવરોની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમાં સારી પેઠે સચવાયેલી છે. પોતાની ફરજ ને જીવનના વ્યવહારથી દૂર ભાગવાની વૃત્તિનો ત્યાગ કરવાનું તે શીખવે છે. વૈરાગ્યના ઉભરામાં ને વિષાદની ક્ષણિક અસર નીચે આવી જઈને માણસે પોતાનો વિવેક ખોવો ન જોઈએ એવો આ ગ્રંથોનો ઉપદેશ છે. તેની વાત આપણે ક્રમે ક્રમે કહીશું. અહીં તો અર્જુનના વિષાદનું શું થયું તે જોઈએ.

ભગવાન કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અર્જુન ! તારો આ મોહ ને સંશય અજ્ઞાનતાને લીધે થયેલો છે તેથી તે યોગ્ય નથી, જ્ઞાનની તલવારથી તેને કાપી નાંખ ને લડવા માટે તૈયાર થા, એટલે અર્જુનનો મોહ અજ્ઞાનમાંથી ઉપજેલો છે એ વાત તો આ શબ્દો પરથી જ સમજાઈ જ જાય છે, પરંતુ વધારામાં તેને દૂર કરવા ભગવાન પોતે કેવાં સાધનનો ઉપયોગ કરે છે, ને બીજાને કેવાં સાધનની ભલામણ કરે છે, તે પણ સારી પેઠે સમજી શકાય છે. જ્ઞાનના શસ્ત્રનો ઉપયોગ કરવાની ભગવાનની ભલામણ છે. એ શસ્ત્રનો ઉપયોગ કરી ભગવાને અર્જુનના મરી પરવારેલા ઉત્સાહ ને વિવેકને સજીવન કરી દીધો, ને અર્જુનને ખરા અર્થમાં વીર બનાવ્યો, ગીતાનો ઉપદેશ એ વીરતાની જ તાલીમ છે અથવા કહો કે મરવા જેવા બનેલા કે મરી ચુકેલાની સંજીવની બૂટી છે.

ભગવાન જરા પણ નિરાશ થયા નહિ. તેમના મુખ પર તો એવું જ સ્મિત ફરકી રહ્યું હતું. છતાં તેમણે ગંભીર બનીને અર્જુનને કહ્યું કે અરે અર્જુન ! આવે ખરે વખતે દુઃખ ને અપયશ આપનારો આ શોક તને ક્યાંથી થયો ? લડાઈ જેનો પ્રિય વ્યવસાય છે એવા તને, લડાઈના આ મેદાનમાં શંખનાદ થઈ રહ્યા છે ત્યારે, વળી નહિ લડવાનો વિચાર ક્યાંથી થયો ? ક્ષત્રિયને આ શોભે નહિ. માટે આ કાયરતા છોડી દે, ખોટા વિષાદને દૂર કરી દે, ને યુદ્ધ કરવાની તૈયારી કર.

પણ એટલી જ ઉપદેશવાણીથી અર્જુન કાંઈ માની જવાનો હતો ? તેનો શોક તો ઊંડો હતો, તે માટે તો ભગવાનના કેટલાય ઉપદેશ વચનોની જરૂર હતી. તેણે તો પહેલા અધ્યાયમાં છોડેલો સૂર ફરી પાછો છોડવા માંડ્યો. તેના હૃદયમાં એ જ સૂર ઊઠી રહ્યો હતો. યુદ્ધ મારો પ્રિય વ્યવસાય ખરો. યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ પણ ખરો. પણ તેનીય મર્યાદા હોય કે નહિ ? કોની સાથે લડવાનું છે એ વિચાર તો કરવો જ જોઈએ ને ? આ યુદ્ધમાં તો ભીષ્મ ને દ્રોણ જેવા પૂજ્ય પુરૂષોની સામે લડવાનું છે. તેમના પર તીર છોડવાનું મન કેવી રીતે થાય ? તેવા પૂજ્ય પુરૂષોને મારવાથી સુખ ને શાંતિ કેવી રીતે મળી શકશે ? તેમને મારવાથી તો અમારા હાથ લોહીથી ખરડાઈ જશે. અમારા અંતરમાં ગ્લાનિ છવાશે. એ દશામાં અમને પ્રાપ્ત થયેલું રાજ્યસુખ પણ શી રીતે સારું લાગશે ? સ્વજનોને મારવાથી અમારા દિલમાં કાયમને માટે ડંખ રહી જશે. પશ્ચાત્તાપની વેદનાનો કીડો અમારા અંતરને સદાયે કોરી ખાશે, ને જીવનમાં દુઃખ ને અશાંતિ વ્યાપી રહેશે. આ દશામાં મારે શું કરવું ? મારે યુદ્ધના મેદાનમાંથી પાછું વળવું કે કેમ એનો નિર્ણય પણ મારાથી થઈ શકતો નથી. માટે જ હું તમારે શરણે આવું છું. તમે જ મારા પ્રકાશદાતા ગુરૂદેવ છો. જે યોગ્ય લાગે તે ઉપદેશ મને આપો.

અર્જુનનું હૃદય કેટલું સરળ હતું તેની આ છેલ્લા શબ્દો પરથી ખાત્રી થાય છે. તેની લડવાની ઈચ્છા નથી. સ્વજનોની સાથેનું યુદ્ધ તેને બિલકુલ પસંદ નથી એમ કહી દેવા છતાં ખૂબી એ છે કે છેવટનો નિર્ણય કરવાનું કામ તે પોતાના પર નહિ પણ ભગવાન પર છોડે છે. ભગવાન પર તેને કેટલી શ્રદ્ધા છે તેનો સંકેત આ શબ્દો દ્વારા સહેજે મળી રહે છે. એ શ્રદ્ધાથી પ્રેરાઈને તો તેણે ભગવાનને પોતાના સારથિ તરીકે પસંદ કર્યા છે. તે ધારત તો એમ કહી શકત કે મારા રથને યુદ્ધમેદાનથી દૂર લઈ લો; હવે કોઈ પણ હિસાબે મારાથી લડી શકાય તેમ નથી. યુદ્ધ બધી જ રીતે ભયંકર ને અમંગલ છે. પણ તેમ કહેવાને બદલે ‘હું નહીં લડું’ એમ કહીને છેવટે ચૂપ થઈ જાય છે, ને પોતાનો બધો જ ભાર ભગવાન પર છોડી દે છે. આથી જેમ તેની શ્રદ્ધાભક્તિની સૂચના મળે છે, તેમ તેની અનિશ્ચિત મનોદશાનો પરિચય મળી રહે છે. યુદ્ધ પરથી હજી તેનું મન સંપૂર્ણપણે ઉતરી ગયું નથી. નહિ તો તે કોઈનીય સલાહની પરવા ના કરત, ને અશોકની જેમ અહિંસક બની કુરૂક્ષેત્રના મેદાનમાંથી પાછો વળત. પરંતુ ગીતાકાર આપણને કહેવા માંગે છે કે રખે માની લેતા કે અર્જુનનો વૈરાગ્ય એટલો બધો તીવ્રતમ બની ગયો છે. લડવાની વૃત્તિ હજી હઠી નથી. તેથી તો તે શસ્ત્રને ધારણ કરીને આવ્યો છે છતાં આ જે જ્ઞાનવૈરાગ્યના છાંટા તેના મુખમાંથી ઉડ્યા કરે છે તેનું મુખ્ય કારણ સ્વજનો સાથે લડવાનું તેને પસંદ નથી તે છે.

વારૂ ત્યારે, અર્જુને તો થોડીઘણી સુંદર દલીલ કરીને એક કુશળ વકીલની પેઠે પોતાનો કેસ રજૂ કરી દીધો. પણ ભગવાન તો પરિસ્થિતિ એટલી બધી હદે પહોંચી ગઈ તો પણ શાંત બનીને હજી હસ્યા જ કરે છે ! ભગવાન પર તો તેની કાંઈ અસર જ નથી. તે શાંતિની મૂર્તિ બનીને બેસી રહ્યા છે. જેને સારા સંસારની વ્યવસ્થા કરવાની છે તે આમ વાતવાતમાં અશાંત બની જાય તો કેમ ચાલે ? પોતાના ને બીજાના જીવનરથને ચલાવવાની જવાબદારી જેના શિર પર છે, તેણે પણ પ્રત્યેક અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આમ જ શાંત રહેવું જોઈએ. પણ શાંત રહ્યા છતાં વધારે વખત સુધી મૂંગા રહેવાનું શું હવે બરાબર છે કે ? આ તો કટોકટીનો વખત છે. પળેપળની અહીં તો કિંમત છે. માટે જ ભગવાને હવે અર્જુનને સંબોધીને બોલવાનું શરૂ કર્યું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.