Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાને અર્જુનને શરીરની ક્ષુદ્રતા ને આત્માની અમરતાનો ઉપદેશ પણ આપ્યો છે. ભગવાન કહે છે  કે, હે અર્જુન, વિચાર તો કર કે તું કોનો શોક કરી રહ્યો છે ! શરીર તો નાશવંત છે. વહેલો કે મોડો તેનો નાશ નક્કી જ છે. નામ તેનો નાશ-એ વાત શરીરના સંબંધમાં સારી પેઠે જાણીતી છે. મૃત્યુ તો શરીરનો સ્વભાવ છે તેનો વળી શોક કેવો ? ને જેને માણસ પોતાના સ્વજન ને સ્નેહી સમજે છે તે ખરેખર તેનાં સ્નેહી–સ્વજન છે કે ? જ્યાં સુધી આંખ ઉઘાડી છે ત્યાં સુધી જ તે બધા સંબંધો છે. આ જીવન જ કાંઈ એકમાત્ર જીવન નથી. જીવન તો અનંત છે. જુદા જુદા જીવનમાં જુદા જુદા સંબંધો તૈયાર કરે છે, તેમાંથી તેનું સાચું સ્વજન કોણ છે ? મમતા ને મોહની ગાંઠથી તે બંધાયેલો છે. તે ગાંઠને તોડી નાંખતા તેને તરત સમજાશે કે આ સંસારમાં તેનું પોતાનું એક ઈશ્વર વિના બીજું કોઈ જ નથી. તે ઈશ્વરમાં મમતા કરવી એમાં જ ડહાપણ રહેલું છે. જે માણસના સાચા સ્નેહી ને સુહૃદય છે, તથા જે માણસનું સર્વ પ્રકારે મંગલ કરવા સમર્થ છે.

જો આત્માનો વિચાર કરવામાં આવે તો આત્મા તો અવિનાશી છે, માટે તેનો શોક કરવામાં મૂર્ખતા રહેલી છે. આત્મા સદાયે અમર છે. તેને શસ્ત્રો છેદી શકતા નથી; અગ્નિ બાળી શકતો નથી ને પાણી પલાળી શકતું નથી. મૃત્યુનું શાસન સંસારના બધા જ પદાર્થો પર ચાલે છે, પણ આત્મા તે શાસનથી સ્વતંત્ર છે. મૃત્યુની છાયા બધે જ પથરાયેલી છે પણ અવિનાશી એવો આત્મા તે છાયાથી પર છે. ગીતાનો આ મહત્વનો સંદેશ છે. તે સંદેશને સમજી લેનાર માણસ પણ પોતાના કે બીજાના મૃત્યુનો શોક કરતો નથી. માણસ મરી ગયો એમ કહેવામાં આવે છે. પણ કોણ મરી ગયું એનો વિચાર તો કરો, શરીર જ મર્યું છે. શરીરની અંદરનો હંસલો ઊડી ગયો છે. તે હંસ જેવા આત્માને તો જન્મવાનું નથી ને મરવાનું પણ નથી. એટલે માણસ મરી ગયો એમ કહેવા કરતાં માણસનું શરીર છૂટી ગયું, અથવા તે ભગવાનના ધામમાં ગયો એમ કહેવું જોઈએ.

આ આત્મા જ માણસનું મૂળ સ્વરૂપ છે. પણ અજ્ઞાનવશ થઈને માણસ આ સાડાત્રણ હાથના પંચમહાભૂતના પૂતળાને પોતાનું સ્વરૂપ સમજી બેઠો છે. શરીરને આપવું જોઈએ તેથી વધારે મહત્વ આપીને શરીરના લાલનપાલનમાં તે રત રહે છે. શરીર તો સાધન છે. ગંદકીનું ઘર છે તેની અંદર આત્માનો પ્રકાશ પથરાયેલો છે તેથી તે કામકાજ કરે છે, ને જડ હોવા છતાં ચેતનમય માલુમ પડે છે. પણ તેનું ચેતન ક્યાં સુધી ટકી શકે છે ? તેની અંદર આત્માની સત્તા રહે છે ત્યાં સુધી જ. આત્માનો પ્રકાશ દૂર થાય એટલે તેની દશા કફોડી થઈ જાય. પછી તો તે કોઈ પ્રકારની ક્રિયા કરી શકતું નથી, વખત જતાં ગંધાવા માંડે છે, ને તેનો વેળાસર નિકાલ કરી નાંખવો પડે છે. આ પ્રમાણે તે માણસનું મૂળ સ્વરૂપ નથી. છતાં સંસારમાં એવા કેટલાય માણસો છે જે પોતાને શરીર પૂરતા જ મર્યાદિત માને છે, ને શરીરના જ લાલનપાલનમાં રત રહીને શરીરનો ગર્વ પણ ધારણ કરે છે.

આપણે એમ નથી કહેતા કે શરીરની સંભાળ ના રાખવી, ને તે ગંદકીનું ઘર છે માટે તેને સ્વચ્છ ને સુશોભિત પણ ના કરવું. અંદરની ગંદકીને દૂર કરવાની માણસની શક્તિ નથી પણ જેટલી ગંદકીનો નિકાલ કરી શકાય તેટલી ગંદકીનો નિકાલ તો તેણે કરવો જ જોઈએ. શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. આ દેશ સંસ્કૃતિનો સ્વામી છે. આ દેશની પ્રજા ધર્મપરાયણ છે. ધર્મ ને ઈશ્વર માટે ગૌરવ લેનારાં માણસો આ દેશમાં બીજા કોઈપણ દેશ કરતાં વધારે પ્રમાણમાં વસે છે. શરીરની સાધારણતા ને આત્માની અમરતાનાં ગૌરવ ગીતો આ દેશમાં ઓછાં નથી ગવાયાં. ધર્મની કિંમત શરીર કરતાં અનેકગણી વધારે છે. તે સમજીને જરૂર પડ્યે ધર્મને માટે શરીરનું બલિદાન દેવા તૈયાર થનારાં હજારો સ્ત્રીપુરૂષો આ દેશમાં થાય છે. એટલે આ મહાન દેશની મહાન પ્રજાને શરીરની સાધારણતા ને આત્માની અમરતાનો સંદેશો કાંઈ નવેસરથી આપવાની જરૂર નથી, પરંતુ આ સંદેશને ઝીલવાની ને જીવનમાં ઉતારવાની જરૂર આ દેશની પ્રજા માટે ને બીજી બધી પ્રજા માટે હજી ઊભી જ છે. એટલે તે સંદેશને યાદ કરવાની જરૂર છે. આ દેશની પ્રજા હજી શરીરના આકર્ષણ, મોહ ને વિલાસમાંથી ઊંચે આવી નથી એ વાત કડવી ને દુઃખદ છતાં દીવા જેવી ચોખ્ખી છે.

- શ્રી યોગેશ્વરજી