સ્થિતપ્રજ્ઞ પુરુષની ઓળખાણ

જે માણસનું મન પરમાત્મામાં જોડાઈ ગયું છે, જેણે પરમાત્માની સાથે એકતા સાધી છે, ને જે પૂર્ણતાની પ્રાપ્તિ કરીને નરમાંથી નારાયણ બન્યો છે; જેની બુદ્ધિ ને જેનો પ્રાણ પરમાત્મામાં પ્રતિષ્ઠા પામ્યા છે; ને વિવેકથી વિભૂષિત થઈને જેણે જીવનની ધન્યતાનું પાન કર્યું છે; તેવા મહાપુરૂષને કેવી રીતે ઓળખી શકાય ? પૂર્ણ પુરૂષની પરીક્ષાનાં બાહ્ય ચિન્હો કેવાંક હોઈ શકે ? બીજા અધ્યાયને અંતે અર્જુને આ જ પ્રશ્ન પૂછ્યો છે, ને ભગવાને તેનો સારી પેઠે ઉત્તર આપ્યો છે. આ પ્રશ્ન કેટલાય માણસો તરફથી પૂછવામાં આવે છે. આપણે કહીશું કે પ્રભુની કૃપા મેળવી ચૂકેલા મહાપુરૂષોને બહારનાં ચિન્હો પરથી ઓળખવાનું કામ સદાને માટે સહેલું નથી. કેટલાક માણસો લાંબી દાઢી ને જટા, શરીરે ભસ્મ, મૌનધારણ ને એવી એવી બહારની વસ્તુ પરથી મહાત્માઓની કિંમત કરે છે. પરંતુ મહાત્માઓની એ મૂડી નથી. એ વસ્તુ ના હોય તે છતાં પણ માણસ મહાત્મા હોઈ શકે છે.

મહાત્માપણાને બહારની વસ્તુઓ સાથે બહુ ઓછો સંબંધ છે. એક ભાઈએ પોતાનો અભિપ્રાય જાહેર કરતાં કહ્યું કે જેને પરમશાંતિ મળી જાય તેનું મુખ લાલાશવાળું બની જાય. જેનું મુખ ફીક્કું હોય તેને હજી શાંતિ નહિ મળી હોય એમ સમજી લેવું. પણ આ અભિપ્રાય તદ્દન અર્થ વગરનો છે. પરમશાંતિની પ્રાપ્તિને ચહેરા પરની લાલાશ સાથે કાંઈ જ સંબંધ નથી, તે સારી પેઠે સમજી લેવાની જરૂર છે. પરમશાંતિમાં જે માનતાં જ નથી, ને પરમશાંતિને મેળવવા માટે જે પુરૂષાર્થ કરતા નથી, તેવા માણસોનાં મુખ પર લાલાશ દેખાય છે, તે તો તંદુરસ્તીની નિશાની છે. તેને વળી પૂર્ણતા ને પરમશાંતિ સાથે શું લાગેવળગે ? જેને પરમશાંતિ મળી હોય તેવા માણસનો ચહેરો ફીક્કો પણ હોઈ શકે છે. તે પરથી તેને શાંતિની પ્રાપ્તિ નહિ થઈ હોય એમ માનવાની જરૂર નથી. તે પ્રમાણે જેને પરમશાંતિ મળી હોય તે પુરૂષ જટા ને દાઢી વધારે કે મૌન રાખે ને શરીરે ભસ્મ ચોળે એવો પણ નિયમ નથી. એ તો બધા બહારના વિષયો છે, અને તે માણસની રૂચિ પર આધાર રાખે છે. તેને પરમશાંતિ ને પૂર્ણતા સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી માટે તેમની પ્રત્યે દુરાગ્રહ રાખવો ને મહાપૂરૂષોની કસોટી કરવા પ્રયાસ કરવો તેમાં મૂર્ખતા રહેલી છે. બહારના દેખાવ પરથી સાચા મહાત્માઓની પરીક્ષા ભાગ્યે જ કરી શકાશે.

રામકૃષ્ણ પરમહંસદેવની પાસે એક પંડિતજી આવ્યા. તેમણે પરમહંસદેવની સાથે એક જ આસન પર બેસીને કહેવા માંડ્યું કે શું તમે પરમહંસ છો ? વાહ, ખરા પરમહંસ. લોકો તમને પરમહંસ કહે છે પણ લોકો શું જાણે ? તેમને કોઈએ ભરમાવ્યા લાગે છે. ઠીક પરમહંસ, જરા હુક્કો તો પિલાવો. પરમહંસદેવે તેમને હુક્કો આપ્યો. તે હુક્કો ગગડાવવા માંડ્યા એટલામાં તેમની નજર દિવાલ પર ટીંગાવેલા પરમહંસદેવના સુંદર કોટ પર પડી. તે જોઈને તે બોલી ઊઠ્યા, શું તમે કોટ પણ રાખો છો ? વાહ ! પણ પરમહંસદેવ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા ? તેમણે પંડિતજીનું ધ્યાન ઓરડાના ખૂણા તરફ દોર્યું. ત્યાં નવા સુંદર બુટ પડ્યા હતા. તે જોઈને તો તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેમને નક્કી થયું કે પરમહંસદેવ ઢોંગી છે, ને તેમની જાળમાં લોકો ફોકટ ફસાયાં છે. નમસ્કાર કર્યા વિના જ તે તો ત્યાંથી ઊઠી ગયા.

સાંજનો સમય થયો હોવાથી ગંગા કિનારે જઈને તે સંધ્યા કરવા માંડ્યા. થોડા વખત પછી તેમને એમ લાગ્યું કે કોઈ તેમનું આકર્ષણ કરી રહ્યું છે. સંધ્યા પુરી કરીને જલદી પરમહંસદેવના ઓરડામાં આવ્યા, તો ત્યાં શું જોયું ? પોતાના રોજના નિયમ પ્રમાણે પરમહંસદેવ આસન પર બેસી ધ્યાનમાં મગ્ન હતાં. તેમનાં નેત્રમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મુખ પર જે ભાવો હતા તે અદ્ ભુત હતાં. તે જોઈને પંડિતજીનું હૃદય પલટાઈ ગયું. પરમહંસદેવના સાન્નિધ્યમાં તેમને અજબ શાંતિ લાગવા માંડી. પરમહંસદેવ સાચા મહાપુરૂષ છે તેની તેમને ખાત્રી થઈ. તેમને સમજવામાં પોતે ભૂલ કરી છે તે વાતનો તેમને પશ્ચાતાપ થયો. એટલામાં તે મહાપુરૂષનું ધ્યાન પૂરું થયું, ને તેમણે નેત્રો ઉઘાડ્યાં. એટલે પંડિતજી તેમના ચરણમાં પડ્યા. તેમની આંખમાંથી પશ્ચાતાપનું પાણી વહેવા માંડ્યું. પોતે કરેલી ભૂલ માટે તેમણે પરમહંસદેવની માફી માગી. પરમહંસદેવે કહ્યું, મહાત્માઓની કસોટી બહારના દેખાવ પરથી કરવી નહિ. બની શકે તો તેમના હૃદયમાં ડૂબકી મારવી. તેમના હૃદયને એળખવા પ્રયાસ કરવો ને તે પરથી તેમના વિશે નિર્ણય કરવો. નહિ તો તેમને નમસ્કાર કરીને રસ્તે પડવું. બાકી પૂરતી તપાસ વિના બે ત્રણ બાહ્ય વસ્તુઓની મદદથી તેમના વિશે અભિપ્રાય આપવા નીકળી પડવું એ અપરાધ છે.

પરમહંસદેવનાં આ વચનો સૌએ યાદ રાખવા જેવાં છે. એનો અર્થ એમ નથી કે માણસે મહાત્માઓના બાહ્ય સ્વરૂપ પર નજર જ ના કરવી અથવા તે દ્વારા એમ પણ નથી સમજવાનું કે મહાત્માઓએ પોતાના બાહ્ય જીવનધોરણ કે સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ રાખવું. સાર એટલો જ છે કે બહારની રીતે વિચિત્ર લાગતા જીવન ને સાધનવાળા માણસો પણ અંદરખાનેથી કેટલીકવાર મહાપુરૂષ ને ગાંઠે બાંધ્યા રતન હોય છે. મૂળ વાત તો એ છે કે આ સંસારમાં મહાપુરૂષોનું મિલન થવું મુશ્કેલ છે. ગીતાએ જેમને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે તેવા પુરૂષો કરોડોમાં કો'ક જ મળે છે ને પૂર્વજન્મનાં સત્કર્મોના ફળરૂપે તેમનું મિલન થઈ જાય, તો પણ તેમને ઓળખવાનું કામ કઠિન છે. તે પોતે જ જ્યાં સુધી કૃપા કરીને પોતાનું રહસ્ય ના ખોલે, ને પોતે કોણ છે ને કેવા છે તેની સમજ ના આપે, ત્યાં સુધી તેમને ઓળખવાનું કામ કપરૂં છે. જેમ ઈશ્વર અગમ્ય છે તેમ સંતો પણ અગમ્ય.

ઈશ્વરને કોણ ઓળખી શકે ? જેના પર તે કૃપા કરે, ને કૃપા કરીને અર્જુનની જેમ અજ્ઞાનનું આવરણ હઠાવી દઈને જેને તે દિવ્ય દૃષ્ટિ આપે તે જ. પણ ઈશ્વર કાંઈ કૃપાળુ નથી એવું થોડું જ છે ? તેની કૃપા માટે માણસે તૈયાર રહેવાનું ને આતુર બનવાનું છે. તેવી રીતે ઈશ્વરની કૃપા મેળવી ચૂકેલા સંતોને મળવાની જેને લગની લાગે, ને જેનું દિલ તેવા મહાપુરૂષોને મળવા માટે તલપાપડ બની જાય તેને મહાપુરૂષોનું દર્શન જરૂર થઈ શકે, ને તેમને સેવીને લાભ પણ ઊઠાવી શકે. એટલે મહાપુરૂષોને મળવાની તમન્ના જગાવી દો તો મહાપુરૂષો આપોઆપ મળશે.

એક બીજી વાત. મહાપુરૂષોની પાસે જવાનું થાય ત્યારે હૃદય ખુલ્લું રાખીને જજો. મહાત્માઓને મળવાનો અવસર આવે ત્યારે મનને મોકળું મૂકીને તેમને મળજો. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી પીડાયા વિના તેમનો લાભ ઊઠાવવા તત્પર રહેજો. તેમને સમજવામાં, તેમના વિશે અંતિમ અભિપ્રાય બાંધી લેવામાં કદીપણ ઉતાવળ કરશો નહિ. તેમની ટીકા કરવાના ક્લેશકારક સાહસથી સદાય દૂર રહેજો. જવાનું થાય તો ગુણગ્રાહી વૃત્તિથી જજો. પરિણામે તમને લાભ જ થશે. હાનિ તો નહિ જ થાય. મહાપુરૂષોની પાસે જઈને બહુ ઊંડી ચર્ચામાં વિના કારણ ઉતરી ના પડતા. તેમની પાસે જઈને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરવા તમે જ વક્તા ને ઉપદેશક ના બની બેસતા. તેવા પુરૂષો જે કહેશે તે લાંબા ને નક્કર અનુભવના આધાર પર કહેશે. માટે તેની ઉપેક્ષા ના કરતા. તેમની વાત પર વારંવાર વિચાર કરજો. આવી ટેવ કેળવશો તો તેમની દ્વારા લાભ ઊઠાવી શકશો, ને તેમને કૈંક અંશે ઓળખી પણ શકશો.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.