સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો

જે પરમાત્મા સાથે એકતા સાધીને મહાન કે સ્થિતપ્રજ્ઞ બને, તે પછીથી કોઈ કારણથી મોહ પામે છે ? વિકાસની છેવટની દશાએ પહોંચ્યાં પછી તેનું પતન થાય છે ખરું ? જે મુક્ત થયો તે ફરીથી બંધનમાં સપડાય છે ખરો ? જે સમજુ છે તે સમજી જશે કે એ પ્રશ્નો જ અસ્થાને છે. મોહ ને પતન માટેનો અવકાશ અધકચરી કે અપૂર્ણ દશામાં છે. પરમાત્માને પામી પૂર્ણ થયા પછી તેવો અવકાશ નથી રહેતો. લોઢાનો ટૂકડો પારસના સ્પર્શથી સોનું થયો પછી તેને ફરી લોઢું થવાનો ભય ક્યાં છે ?

અર્જુનને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શા માટે કહેવામાં આવ્યાં એમ કોઈને પ્રશ્ન થશે. તેનો ઉત્તર એ છે કે જીવનનું ધ્યેય શું છે તે જાણવાની ને તે ધ્યેય પર પહોંચેલા પુરૂષો વિશે જાણવાની ઈચ્છા અર્જુને પોતે જ બતાવી છે. તેને કર્મ કરવાનું હતું પણ તે કુશળતાપૂર્વક કરવાનું હતું. કર્મ કરીને તે મહાન બને ને અનાસક્ત થાય તે માટે આ બધી માહિતી જરૂરી હતી. આજે પણ તે એટલી જ ઉપયોગી છે. જીવનને સફળ કરવાની ઈચ્છા હોય તો સૌ તેનો લાભ લઈ શકે છે. આ માહિતી મેળવીને અર્જુનને કેટલો આનંદ થયો હશે તે કોણ કહી શકે ? વાંચનાર ને સાંભળનારને આટઆટલાં વરસ વીતી ગયાં તો પણ આનંદ થાય છે તો પછી અર્જુનને તો ભગવાને ઉપદેશ આપ્યો હતો. ભગવાનના સ્વરૂપનો સ્વાદ લેતાં ને તેમનું શબ્દસંગીત સાંભળતાં તેને અપાર આનંદ આવ્યો હશે તે નક્કી છે.

ભગવાને કહેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય :

 1. સ્થિતપ્રજ્ઞ પુરૂષ કામનાનો ત્યાગ કરીને મનને તેના મૂળ સ્વરૂપ પરમાત્માનું મિલન કરાવે છે તેથી તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તે સદા આત્માનંદમાં મગ્ન રહે છે.
 2. દુઃખના ડુંગર તૂટી પડે તો પણ તે દુઃખી થતો ને શોક કરતો નથી. સુખ ને સંપત્તિથી છલકાઈ કે ફુલાઈ જતો નથી. તે ભય, ક્રોધ ને રાગદ્વેષથી મુક્ત હોય છે.
 3. પરમાત્મામાં જ તે આનંદ માને છે. પરમાત્માને પ્રેમ કરે છે. સારા કે નરસા વાતાવરણ કે પદાર્થની પ્રાપ્તિથી તે હરખાતો કે શોક કરતો નથી. તેના પરમાત્મ પ્રેમમાં કોઈ જાતનો વિક્ષેપ નથી પડતો.
 4. કાચબો જેમ અંગોને સંકોચી લે છે, તેમ તે ઈન્દ્રિયોને બહારના પદાર્થોમાંથી પાછી વાળી સ્થિરતાનો આનંદ અનુભવે છે.
 5. પહેલાં તે વિષયોથી દૂર રહી સંયમ કરે છે, તેથી તેનો વિષયરસ દૂર થાય છે. છતાં વિષયરસનો સ્વાદ લેવાની જે સૂક્ષ્મ વૃત્તિ તેના દિલમાં રહી ગઈ હોય છે, તે ક્યારેક પાંગરવાનો સભંવ રહે છે. પરમાત્માનું દર્શન કરવાથી તે વૃત્તિ પણ દૂર થાય છે ને તે સંપૂર્ણપણે પવિત્ર બની રહે છે.
 6. તે મનને વશ કરે છે, મનની ગુલામીનો નાશ કરે છે.
 7. રાગ ને દ્વેષથી રહિત થઈને તે મનનો કાબુ કરે છે. ઈન્દ્રિયોથી વિષયોને વિવેકી બનીને ભોગવે છે ને બીજા જરૂરી કર્મ કરે છે. તેથી તેને પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય છે.
 8. તેથી તેનાં દુઃખ દૂર થાય છે. તેની ચિંતા મટી જાય છે ને તેની બુદ્ધિ સત્વર સ્થિર થાય છે.
 9. પરમાત્માની સાથેની એકતાનો અનુભવ ના કરનાર ને મન તથા ઈન્દ્રિયોનો કાબુ ના કરનારને શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ થતી નથી તથા ઉત્તમ ભાવના પણ તેમનામાં ઊઠતી નથી. ઉત્તમ ભાવના વિના શાંતિ મળવી મુશ્કેલ છે. સ્થિતપ્રજ્ઞને સ્થિરતા, વિવેક ને સુખશાંતિની પ્રાપ્તિ થઈ હોય છે.
 10. સાધારણ માણસો સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં આનંદ માને છે ને લપટાય છે ને દેખતા છતાં અંધ ને જાગતાં ઊંઘતા જેવા છે. સ્થિતપ્રજ્ઞ પુરૂષની વાત તેથી જુદી જ હોય છે. વિષયોનો રસ દૂર કરીને તે પરમાત્માના પ્રેમરસનો અનુભવ કરવાની ઈચ્છા રાખે છે. પરમાત્માનો અનુભવ કરતાં જ્ઞાનની દૈવી દુનિયામાં તે સદાય જાગતો રહે છે. એક પળનો પણ પ્રમાદ કરતો નથી, ને લેશ પણ ગફલતમાં પડતો નથી.
 11. સાગરમાં સમાઈ જતા જુદા જુદા પાણીના પ્રવાહોની પેઠે કામનાઓ તેમના મનમાં સમાઈ જાય છે. તે તેને ચંચલ કરતી, નથી, ને તેની શાંતિ ને સન્મતિની મર્યાદાને તોડી દઈને તેને ઉચ્છ્રંખલ ને અશાંત નથી બનાવતી.
 12. તે કોઈની પણ સ્પૃહા વિનાનો હોય છે. કોઈની ખોટી પરવા કે ખુશામત નથી કરતો. મમતા ને અહંતાથી રહિત હોય છે. અભિમાન તો તેને અડકી શકતું પણ નથી. તે શિશુ જેવો સરલ ને નમ્ર હોય છે.
 13. કોઈયે સંજોગોમાં, કોઈયે કારણથી, તેને મોહ નથી થતો; તે અજ્ઞાની નથી બનતો. તેના અંતરમાં પ્રકટી ચૂકેલી જ્ઞાનની જ્યોતિ તેને કાયમી પ્રકાશ પૂરો પાડે છે.
 14. છેવટે શરીર છૂટતાં, તે મુક્તિ મેળવે છે. શરીરમાં રહીને જ તેણે મુક્તિ મેળવી હોય છે પરંતુ શરીર છૂટ્યા પછી તેને ફરી શરીર ધારણ કરવાની કે જન્મવાની ફરજ પડતી નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.