સિદ્ધિ માટે કર્મ જરૂરી છે

આ ઉપરાંત, એક બીજી વાત છે. પેટ ને માથું જેમ શરીરના બે અવયવ છે, તેમ જ્ઞાન કે કર્મ કે કર્મસંન્યાસ ને કર્મયોગ તંદુરસ્ત માણસનાં બે જરૂરી અંગો છે. માણસ ત્યાગી હોય કે સંસારી, કર્મની જરૂર તો તેને રહેવાની જ એમ ભગવાન કહી બતાવે છે એ વાત પણ સમજવા જેવી છે. કોઈ કોઈ માણસ જ્ઞાની થવા માગે, પણ જો બધાં જ કર્મો મૂકી દઈને તે આળસુ બનીને બેસી રહે તો શું જ્ઞાની થઈ શકશે ? જ્ઞાન મેળવવા માટે તેણે પ્રખર પરિશ્રમ કરવો પડશે. જ્ઞાનની ઈચ્છાવાળો માણસ બધી જાતની ક્રિયા કે પ્રવૃત્તિ મૂકી દઈને આખો દિવસ ઊંઘવા માંડે, તો શું તેને જ્ઞાન મળી શકે ખરું કે ? જ્ઞાનની ઈચ્છાથી તેણે નમ્રતાની મૂર્તિ બનીને સદ્ ગુરુ કે જ્ઞાનીપુરૂષનું શરણ લેવું જોઈએ. જ્ઞાનના ભંડાર જેવા ગ્રંથોની પાસે પહોંચવું જોઈએ ને છેવટે પોતાની અંદર જે જ્ઞાનના પૂર્ણ સ્વરૂપ જેવા પરમાત્મા છે, તેમનો સાક્ષાત્કાર કરવા તૈયાર થવું જોઈએ. જ્ઞાની પુરૂષ એકાંતમાં વાસ કરે છે. મનની એકાગ્રતા માટે એકાંતમાં અનુકૂળ વાતાવરણ હોય છે. જ્ઞાની કે યોગીપુરૂષ ત્યાં રહીને ઈશ્વર કે પોતાના સ્વરૂપના વિચારમાં મગ્ન બને છે, તથા ધારણા, પ્રાણાયમ કે ધ્યાન કરે છે. એકાંતવાસી ભક્તપુરૂષ જપ ને સંકીર્તનનો આધાર લે છે. ઈશ્વરની પ્રાર્થના ને પ્રાપ્તિમાં તે વધારે ને વધારે ડૂબતો જાય છે. શું આ બધું કર્મ નથી ?

માણસ બહુ દોડદોડ કરે ને આમતેમ ફર્યા કરે, તો જ કર્મ કરે છે તેમ નથી. કેટલાય માણસોને કાંઈ જ કામ નથી હોતું. કહો કે તેઓ બેકાર હોય છે પણ ઘરમાં બેસે તો તેમનો વખત કેમ જાય ? વળી બેકારમાં ગણતરી થાય ને બધાની આંખે ચડાય તે વધારામાં એટલે તે ફરવા નીકળે છે. દિવસનો વધારે ભાગ આખા ગામમાં કે શહેરમાં આંટાફેરા કરીને જ તે પૂરો કરે છે. છતાં તે કામગરા કહેવાય છે. પણ એકાંતમાં રહેનારા કે એક ઠેકાણે બેસી રહેનારા માણસો પણ કામ કરે છે. કામને બેસી રહેવા કે ફરવા ને દોડાદોડ કરવા સાથે કાંઈ સંબંધ નથી. એટલે જે બેસી રહે છે તે કામ નથી કરતા એમ ના સમજતા. તે પ્રમાણે કામ કોલાહલ કે એકાંતમાં જ થાય એમ પણ ના સમજતા. કામ ગમે ત્યાં થઈ શકે છે. એકાંતમાં રહેનારા પુરૂષો પણ કર્મ કરે છે. પછી તે કર્મ ઈશ્વરની ઉપાસનાનું હોય, ધ્યાન કે જપનું હોય, પોતાના સુધારનું હોય કે જ્ઞાન મેળવવાનું ને આપવાનું હોય. માણસ કંઈ જ ના કરે, ને કોઈ લાગણી કે આવેશની અસર નીચે આવી જઈને એકાંતનો આધાર લે, ને કર્મ કે પુરૂષાર્થનો ત્યાગ કરીને પ્રમાદી બને, તો શું તેની ઉન્નતિ થઈ શકે ખરી ? વ્યવહારમાં રહેનાર માણસ પણ કામકાજ છોડીને બે હાથ જોડીને આળસુ થઈને બેસી રહે, તો તેનો ઉદય કેવી રીતે થઈ શકે ? વિદ્યાર્થીને શરૂશરૂમાં કેટલી બધી મહેનત કરવી પડે છે ! તે તેના જ ભલા માટે છે તેથી તેને જ્ઞાન મળે છે, ને લાભ થાય છે. પોતાના શિક્ષકનો વાદ લઈને તે મહેનત ના કરે, ને વાંચે કરે નહિ, તો તેને જ્ઞાન ક્યાંથી મળે ? તેણે વિચાર કરવો જોઈએ કે પોતાના ગુરૂ હાલ વાંચતા કે પરિશ્રમ કરતા નથી. અત્યારે તો જ્ઞાનની મૂર્તિ જેવા છે. પણ એ દશાએ તે એમનેમ નથી પહોંચ્યા. વિદ્યાર્થી દશામાં તેમણે ભારે પરિશ્રમ કર્યો છે તેનું આ ફળ છે કે તે જ્ઞાનની મૂર્તિ બન્યા છે. આ રીતે વિચાર કરવાથી તેને પ્રેરણા મળશે ને ગુરૂનું ખોટું અનુકરણ કરી પુસ્તકોને કબાટમાં મૂકી દઈ ને તે બેસી નહિ જાય, ઉલટું તે વધારે ને વધારે પરિશ્રમી બનશે.

માણસે અંતરના અંતરતમમાં લખી રાખવાની જરૂર છે કે સંસારમાં જે સિદ્ધિ દેખાય છે તેની પાછળ પરિશ્રમ રહેલો છે. કર્મનું ફળ ભોગવતા માણસોએ પહેલાં એક યા બીજા પ્રકારે કર્મ કરેલું છે. જે સડક પર થઈને તમે ચાલો છો, ને આ ઉપરાઉપરી મોટરો દોડે છે, તે સડક શું કોઈપણ જાતની ક્રિયા વિના બની છે કે ? થોડાંક વરસો પહેલાં ચોપાટીના દરિયા પાસે શું હતું ? ગાઢ જંગલ. પણ આજે મોટા રસ્તા ને મકાનો છે. તેને માટે કેટલી બધી મજૂરી કરવી પડી હશે તેનો વિચાર કરો. માળી પોતાના બગીચામાં ઊગેલા ફૂલોની માળા બનાવે છે તે પહેલા તેણે કેટલી ધીરજ રાખવી પડે છે ને કેટલો બધો પરિશ્રમ કરીને બાગને તૈયાર કરવો પડે છે ! સાધારણ સાધકો કોઈ સિદ્ધપુરુષનું દર્શન કરીને કેટલીકવાર ડઘાઈ જાય છે. તે જોઈને તેમને એમ થાય છે કે આપણે પણ કામકાજ છોડીને આમ બેસી રહીએ તો સિદ્ધાવસ્થાએ પહોંચી જઈએ ને પૂજાઈએ. પણ તે માન્યતા ખોટી છે. સિદ્ધપુરુષે સિદ્ધિ કે શાંતિની પ્રાપ્તિ કાંઈ એક બે દિવસમાં નથી કરી. તેને માટે તેણે સતત કર્મ કર્યું, પરિશ્રમ કર્યો છે. વ્યવહાર કે પરમાર્થ-ગમે તેમાં તપ વિના સિદ્ધિ ક્ચાં છે ? શ્રમ વિના સફળતા ક્યાં છે ? એટલે જ શ્રમની સાથે છુટાછેડા લઈને બેસી જાય છે તેની ઉન્નતિ અટકી જાય છે. કર્મનો ત્યાગ કરીને બેસી જવા માત્રથી કોઈને શાંતિ કે સિદ્ધિ મળી જતી નથી. ગીતાની આ શિક્ષા છે. તે કહે છે કે હે માનવ, તું કર્મ કર. નિરંતર કર્મ કર. તું જ્ઞાની હો, યોગી હો કે ભક્ત હો, સંસારમાં હો, સાંસારિક વ્યવહારની બહાર હો, ઉન્નતિનો એક જ અકસીર ઉપાય છે કે તું કર્મ કર.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.