કર્મમાં યજ્ઞની ભાવના

માણસો કર્મો કરે છે પણ યજ્ઞની ભાવનાથી કરતા નથી. એટલે કર્મો કસ વિનાનાં ને બોજારૂપ બની જાય છે. કર્મ થાય છે, પણ તેનો આનંદ મળતો નથી વળી જીવનના વિકાસમાં તે ખાસ ભાગ ભજવતાં નથી. આના ઉપાય તરીકે ગીતામાતા કર્મને સાધનાના પ્રવાહ જેવા કરી દેવાની શિક્ષા આપે છે. તે શિક્ષા પ્રમાણે ચાલો તો કર્મથી બંધનમાં વધારો ના થાય, પણ બંધન હોય તો તે પણ ટળી જાય, ને મુક્તિનો આનંદ મળે. વળી કર્મ દ્વારા ઈશ્વરની ઉપાસના કરી શકાય.

કર્મ ભાવના સાથે થવું જોઈએ. પગે ચાલીને માણસો વ્રજભૂમિની ને બદરીકેદાર જેવાં તીર્થોની યાત્રા કરે છે. અમે ઋષિકેશમાં હતાં; ત્યારે એક માણસની મુલાકાત થઈ. તે દક્ષિણ ભારતમાંથી પગરસ્તે પ્રવાસ કરીને આવતો હતો. કેટલાય મહિને તે ઋષિકેશ આવ્યો હતો. હવે તેને બદરીનાથ જવું હતું ને તે પછી પગે ચાલીને પાછું પોતાના ગામમાં પહોંચવું હતું. શું આવા માણસોને થાક નહિ લાગતો હોય ? છતાં તેમના મુખ પર ઉત્સાહ ક્યાંથી આવે છે ? તેમની ભાવનામાંથી. તીર્થોના દર્શનની દિલમાં રહેલી ભાવના તેમને સદાયે પ્રેરણા આપે છે. તે ભાવના જ તેમને કષ્ટો, મુસીબતો ને મુંઝવણોની વચ્ચેથી પાર કરીને અજાણ્યા પંથના પ્રવાસી બનાવે છે. તેમને માટે પ્રવાસ એક યજ્ઞ બની જાય છે. તીર્થોનાં દર્શનથી પ્રભુની કૃપા ને પ્રસન્નતા મેળવવાની લગન તેમને તાકાત આપીને દૂર દૂર સુધી લઈ જાય છે. કૈલાસની યાત્રા કટલી કઠિન કહેવાય છે ! છતાં કઠિનતાનો સામનો કરીને માણસો તે યાત્રા પૂરી કરે છે. પ્રભુની લીલાનું દર્શન કરવાની ભાવના તેમને કઠિનતામાં પણ આનંદ આપે છે. તે ભાવનાથી થયેલું કર્મ તેમને માટે કલ્યાણકારક થાય છે, ને સાધનામય બની જાય છે. ભાવનામાં એવી શક્તિ છે. ભાવનાને લીધે નાનામાં નાનું કામ પણ મોટું થાય છે, ને રસવાળું બની જાય છે.

ઘરમાં જેને માથે રસોઈ કરવાની ફરજ આવે છે તેનું કામ ભારે છે. કેટલીક સ્ત્રીઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે. તૈયાર રસોઈ મળે તે તેમને સૌથી સારું લાગે છે પણ બધાંના નસીબમાં તૈયાર રસોઈ ક્યાંથી હોય ? કો'કને રસોઈ કરવી જ પડવાની. તે પ્રમાણે રસોઈ કરનાર રસોઈ કરે છે પણ બડબડાટ કરવાનું છોડતાં નથી. એટલે રસોઈનું કામ તેમને માટે સેવાનું કામ બનવાને બદલે વેઠનું કામ થઈ જાય છે. પરિણામે તેમને આનંદ નથી મળતો. તેનું કારણ ભાવનાની ખામી છે. તે ભાવનાનો સંબંધ કામ સાથે જોડી દેતાં શીખવું જોઈએ. જેને માથે રસોઈની જવાબદારી છે તે સારી પેઠે જાણી લે કે પોતે એક આવશ્યક ને મહાન સેવા બજાવવાની છે.

રસોઈ એક યજ્ઞ છે. ઘી ને તલ દ્વારા થતા યજ્ઞો તો કોઈકવાર જ થાય છે પણ રસોઈનો ચુલાયજ્ઞ તો નિરંતર ચાલુ રહે છે. જેમ પહેલાંના ઋષિઓને ત્યાં યજ્ઞનો અગ્નિ કદી ઓલવાતો નહિ. તેમ ચુલાનો યજ્ઞ ચોવીસે કલાક ચાલુ હોય એવાં ઘર પણ ઘણાં છે. યજ્ઞથી સ્વર્ગાદિ મળે છે એમ કહેવાય છે. પણ ચુલાયજ્ઞમાં તૈયાર થતી સામગ્રીથી તો સ્વર્ગસુખ સત્વર મળે છે એ સૌનો અભિપ્રાય છે. એ યજ્ઞ પર તો માનવનું સમસ્ત જીવન ટકી રહ્યું છે. માનવના ઉદરમાં જે યજ્ઞ ચાલે છે તેની તૃપ્તિ માટે એ યજ્ઞ જરૂરી છે. એટલે રસોઈ કરનાર કેટલી ભારે સેવા કરે છે એનો ખ્યાલ કરો. તે યજ્ઞ કરે જ નહિ તો બીજા બધાં જ યજ્ઞો બંધ થઈ જાય. રસોઈ બનાવનાર આ ભાવનાને ભૂલે નહિ તો તેને આનંદ આવશે. તેને સમજાશે કે ઘરનાં જુદાં જુદાં સભ્યો ઈશ્વરના પ્રતિનિધિ છે. તેમની સેવા કરવાનું પોતાને આ રીતે સદ્ ભાગ્ય મળ્યું છે તે સદ્ ભાગ્યનો વિચાર કરવાથી તેનો બડબડાટ દૂર થશે ને તેને અનેરો આનંદ મળશે. રસોઈ જેવું કામ એક શુષ્ક ક્રિયા કે વેઠ બનવાને બદલે તેને માટે જીવનના વિકાસની સાધના બની જશે, યોગમય બની જશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.