કર્મ અને અકર્મની સમજ

પોતાના અવતાર વિશે વાત કરતાં ભગવાન એક બીજી જરૂરી વસ્તુ તરફ આપણું ને અર્જુનનું ધ્યાન ખેંચે છે. તે કહે છે કે અવતાર લઈને હું જુદાં જુદાં કર્મ કરું છું, પરંતુ કર્મો મને બાંધી શકતાં નથી. તે પ્રમાણે આ સંસારમાં માણસ કર્મ કરે, પણ કર્મથી બંધાય નહિ, તે માટે સાવધ રહેવું જોઈએ. આ માટે ભગવાન કર્મ ને અકર્મની વિચારણા રજુ કરે છે ને કહે છે કે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે, ને જે અકર્મમાં કર્મનું દર્શન કરે છે, તે માણસ બુદ્ધિમાન ને કર્મના રહસ્યને સાચા અર્થમાં જાણવાવાળો છે. તે વાંચીને કે સાંભળીને કેટલાક માણસો મુંઝવણમાં પડે છે ને તરત પૂછવા માંડે છે કે કર્મ ને અકર્મ એટલે શું તથા કર્મમાં અકર્મ ને અકર્મમાં કર્મનું દર્શન કેવી રીતે થાય ? તેમના સમાધાન માટે થોડીક વિચારણા કરી લઈએ.

જે માણસો પ્રવૃત્તિ કર્યા કરે છે તેમને કેટલાક કર્મઠ કહે છે, ને જે પ્રવૃત્તિ કરતા દેખાતા નથી, ને બાહ્ય દૃષ્ટિએ નિવૃત્તિપરાયણ જેવા લાગે છે, તેમને અકર્મી તરીકે ઓળખાવે છે. પણ ગીતામાતાને એ વાત મંજૂર નથી. તે જાહેર કરે છે કે કર્મ કરવા છતાં માણસ અકર્મી રહી શકે છે. કર્મ ને અકર્મનાં ભેદ ઉપર ઉપરના છે. ડાહ્યો માણસ તે ભેદની પાર પહોંચી જાય છે. કર્મ ને અકર્મ અલગ અલગ નથી. માણસે કર્મમાં અકર્મનું દર્શન કરવું જોઈએ. એટલે કર્મ કરવા છતાં કૈં ના કરતો હોય તેવી દશાનો અનુભવ કરવો જોઈએ ને કર્મ કરવા છતાં કર્મની અસરથી મુક્ત રહેવું જોઈએ. આ માટે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જોઈએ છીએ કે માણસોમાં કર્તાપણાનું અભિમાન હોય છે. આ કામ મેં કર્યું, હું ના હોત તો આ કામ થાત જ નહિ, એવો અહંકાર માણસોના મનમાં ભરેલો હોય છે. તે અહંકારનો ત્યાગ કરવાની જરૂર છે, ને આપણાથી કાંઈ જ થઈ શકે તેમ નથી, ઈશ્વર જ બધું કરાવે છે, એમ માનીને નમ્રતા ધારણ કરવાની જરૂર છે. અર્જુનને આ જ ઉપદેશ આપવામાં આવ્યો છે કે અર્જુન, તું લડીશ તો જ આ યોદ્ધાનો નાશ થશે એવો મિથ્યા અહંકાર રાખીશ નહિ. યોદ્ધાઓ તો મરવાના જ છે. તું તો મારા હાથમાં હથિયાર બન ને મારી આજ્ઞા માનીને યુદ્ધ કર. તો કર્મ કરવા છતાં પણ તું કર્મની અસરથી મુક્ત રહીશ.

ભાગવતમાં એક પ્રસંગ આવે છે : એકવાર ગોપીઓને વિચાર થયો કે દુર્વાસાને ભિક્ષા કરાવવી. દુર્વાસાનું સ્થાન જમનાજીને સામે કિનારે હતું. ત્યાં જવા માટે જમનાને પાર કરવી પડે. ગોપીઓથી કેવી રીતે થાય ? તેમણે ભગવાન શ્રીકૃષ્ણની આગળ પોતાની ચિંતા રજુ કરી. કૃષ્ણે કહ્યું : એમાં ડરવાનું કે ચિંતા કરવાનું શું છે ? જમનાજી પાસે જઈને કહેજો કે હે જમનામૈયા, જો શ્રીકૃષ્ણ બાલબ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો, તો તે તરત માર્ગ આપશે. ગોપીઓ તો આ સાંભળીને નવાઈ પામી. કૃષ્ણને તો અનેક રાણીઓ હતી. તેમને બાલબ્રહ્મચારી કેવી રીતે કહેવાય ? પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી વાતમાં તમે શંકા ના કરશો. તેને અજમાવી જુઓ એટલે તમારી શ્રધ્ધા વધી જશે.

ગોપીઓ તો ચાલી નીકળી. જમનાજી પ્રચંડ વેગમાં વહી રહી હતી. ત્યાં આવીને તેમણે કહ્યું કે જો શ્રીકૃષ્ણ બાલબ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. તો જમનાજીએ તરત માર્ગ આપ્યો. જમનાને પાર કરીને તે દુર્વાસા મુનિના આશ્રમમાં ગઈ. દુર્વાસા મુનિને ભિક્ષા કરાવી. ભિક્ષા પૂરી થયા પછી ઘેર જવા રવાના થતાં તેમને ફરી એ જ ચિંતા ઊભી થઈ કે જમનાજીને પાર કેવી રીતે કરીશું ? તેમની ચિંતા જાણીને દુર્વાસા મુનિએ પૂછ્યું કે આટલી મોટી જમનાને પાર કરીને તમે આવ્યાં કેવી રીતે ? તેમણે ભગવાને કહેલો ઉપાય બતાવ્યો. તે સાંભળીને મુનિએ કહ્યું : ત્યારે હવે જતી વખતે બીજો ઉપાય અજમાવો. જમનાજીને કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો અમને ફરીવાર માર્ગ કરી આપો. ગોપીઓને ફરી નવાઈ લાગી. પોતાની સામે આટલી બધી ભિક્ષા ખાઈ ગયા, ને એક નહિ પણ અનેક થાળ સાફ કરી ગયા, તોય દુર્વાસા પોતાને ઉપવાસી કહે, એ કેવી રીતે માની શકાય ? દુર્વાસા મુનિએ તેમને કહ્યું કે જુઓ, હું કામ કરું છું, પણ કર્તાપણાના અભિમાનથી મુક્ત થઈને કરું છું. ભિક્ષા તો હું શરીરની અંદર બેઠેલા પરમાત્માને જ અર્પણ કરું છું એટલે હું સદાય ઉપવાસી છું. તે પ્રમાણે શ્રીકૃષ્ણ પણ સ્ત્રીઓની વચ્ચે રહેવા છતાં અહંભાવથી રહિત ને વિષયાસક્તિથી મુક્ત છે, એટલે બ્રહ્મચારી જ છે. એમાં શંકા નથી. એ સાંભળીને ગોપીઓને સંતોષ થયો. જમનાજીએ તેમને માર્ગ કરી આપ્યો ને તે ઘેર આવી.

એટલે કર્મમાં અકર્મની દશા જાણવા માટે, કર્મ કરવા છતાં પણ અકર્તા રહી શકાય તે માટે માણસે  ‘હું કરું છું’ એવા કર્તાપણાના અભિમાનમાંથી છૂટવાની જરૂર  છે. અંહકારનો ત્યાગ કરીને નમ્ર બનવાની જરૂર છે. તે પછી જે કામ કરવામાં આવે તે પ્રભુપ્રીત્યર્થે કરવાની જરૂર છે. સંસારમાં એક ઈશ્વર જ રહેલા છે, ને સંસાર ઈશ્વરનું જ સ્વરૂપ છે, એમ માનીને સદા તેની સેવા કરવાની જરૂર છે. કોઈને કાંઈપણ આપવાનો પ્રસંગ આવે તો તેને ઈશ્વરનો પ્રતિનિધિ સમજી તે આપવું હોય તે આપવાથી લાભ થશે. મહાપુરૂષો કહી ગયા છે કે દુઃખી, અપંગ, ભૂખ્યાં ને અનાથમાં પણ ઈશ્વરનું દર્શન કરો. તેમની અંદર રહેલા ઈશ્વરને તમારી સેવા અર્પણ કરો. એમના કથન પ્રમાણે આજે પણ કેટલેક ઠેકાણે દીન ને દુઃખીની સેવા થાય છે; નગ્ન ને ચિંથરેહાલને વસ્ત્રો અપાય છે, ને ભૂખ્યાને અન્નનું દાન દેવાય છે. ભારતના ઋષિવરોએ ફક્ત માનવમાં નહિ, પણ જીવમાત્રમાં ઈશ્વરનું દર્શન કરવાનું કહ્યું છે, ને જીવમાત્રની સેવા કરવાનો સંદેશ આપ્યો છે. આ આખુંયે જગત ઈશ્વરના નિવાસરૂપ છે, ને ઈશ્વરથી છવાયેલું છે. તેમાં વસનારા જીવો ઈશ્વરના પ્રતિનિધિ જેવા છે. તેમનામાં માણસે ઈશ્વરનું દર્શન કરતાં શીખવાનું છે. જેને જગતના જુદા જુદા જીવોમાં ઈશ્વરનું દર્શન નહિ થાય. તેને બીજે કોઈ યે ઠેકાણે નહિ થશે.

આપણે ત્યાં સાધુસંન્યાસીને માટે ભિક્ષાની પ્રથા છે. સાધુસંન્યાસી ઘરને આંગણે આવી ઊભા રહે છે, ને નારાયણ હરિ બોલે છે. તે સાંભળીને કેટલાક મોં બગાડે છે, તો કેટલાક બકવાદ કરે છે. શા માટે ? કેમ કે તેમને લાગે છે કે આ એક બલા આવી. કોઈ માગણ આવે તો પણ તેમને એવું જ ખરાબ લાગે છે, પણ તેમાં સમજણનો દોષ રહેલો છે. સાધુસંન્યાસી કે માગણ આપણે ત્યાં આવીને નારાયણ હરિ બોલે છે તે શા માટે ? એટલા માટે કે તે આપણને એક અમૂલ્ય વસ્તુની યાદ કરાવે છે. તે કહેવા માગે છે કે જોજો, મને કોઈ સાધારણ માગણ માનતા નહિ; મને બોજારૂપ સમજીને કાંઈક આપવું પડશે એમ માનીને મોં પણ બગાડતા નહિ. મારામાં નારાયણ પોતે છે. ભગવાન નારાયણ કે હરિ પોતે મારા રૂપમાં પધાર્યા છે. માટે ઈચ્છા હોય ને કરી શકાય તો મારી સેવા કરજો ને ખૂબ નમ્રતાપૂવર્ક, બીજા કોઈયે પ્રકારની માંગણી કર્યા વિના, તે ઘરને આંગણે ઊભો રહે છે. આપણે કાંઈ આપીએ તો ઠીક ને ના આપીએ તો ઠીક, થોડીવાર રાહ જોઈને, જરાય બડબડાટ કર્યા વિના તે ચાલવા માંડે છે. આપણા ઋષિઓએ કહ્યું છે કે અતિથિને દેવ જેવા માનજો. પણ એ આજ્ઞાનું પાલન હવે આપણામાં ઓછું થતું જાય છે. આજે અતિથિ પણ જાતજાતના ને ભાતભાતના વધી પડ્યા છે, છતાં વિવેકને જાગ્રત રાખીને, સૌમાં ઈશ્વરની ઝાંખી કરવાનો પ્રવાસ કરતા રહી, બીજાને બનતી મદદ કરીએ, તો તે પદ્ધતિ આપણને પોતાને જ લાભકારક થશે એમાં સંદેહ નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.