Text Size

કર્મની ગતિ ગહન છે

કર્મનું રહસ્ય સમજવાનું કામ કેટલું બધું કપરૂં છે ? કયા કર્મનું ફલ ક્યારે મળે છે ને ક્યાં મળે છે તે કોઈ જ સમજી શકતું નથી. કર્મનું ફલ મળે છે એ નક્કી. પણ કેટલા વખતમાં તે કોઈનાથી કહી શકાય તેમ નથી. સારા કર્મનું સારું ફલ ને ખરાબનું ખરાબ ફલ નક્કી છે. પણ તેને માટે કેટલો સમય લાગશે તે તો એક ઈશ્વર જ જાણે છે. માટે જ ગીતા કહે છે કે કર્મની ગતિ ગહન છે. તેનો પાર કોઈનાથી પામી શકાય તેમ નથી. કેટલીકવાર કર્મના ફલને માણસ એક જ જન્મમાં ને તરત મેળવે છે તો કેટલીકવાર બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. આ વિશે પ્રસિદ્ધ ભક્ત શ્રી સદન કસાઈના જીવનની એક વાત જાણવા જેવી છે. તે એકવાર શ્રી જગન્નાથપુરીની યાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં તેમને એક ઘરમાં રાતવાસો કર્યો. તે ઘરમાં રહેનારી સ્ત્રીને સદન કસાઈ પર મોહ થયો. રાતે તે સ્ત્રીનો પતિ સૂઈ ગયો ત્યારે તે સદન કસાઈની પાસે આવીને કહેવા માંડી : તમારા રૂપથી હું મોહિત થઈ છું. તમે મારો સપ્રેમ સ્વીકાર કરો ને મારી સાથે ભોગ કરીને મને સુખ આપો.

સદન ભક્તે તેની માગણી તુચ્છકારી કાઢીને તેને કેટલીક શિખામણ આપી. બાઈને લાગ્યું કે સદન કસાઈ તેના પતિથી ડરે છે એટલે તે ઘરમાં ગઈ ને થોડી જ વારમાં ઊંઘતા પતિનું માથું કાપીને પાછી ફરી. ભક્તને તો એ જોઈને ઘણું દુઃખ થયું. પણ તે સ્ત્રી કહેવા માંડી કે તમે મારા પતિથી ડરતા હતા તેથી મેં તેમને દૂર કરી દીધા છે હવે તમે કશાયે સંકોચ વગર મારી ઈચ્છા પૂરી કરો.

બાઈની ભયંકરતા જોઈને સદન ભક્તનું શરીર કંપી ઊઠ્યું. કેટલી બધી ભયંકરતા ! પરપુરૂષના સ્પર્શનું ક્ષણિક સુખ ભોગવવા માટે પોતાના પતિનું મસ્તક કાપતાં પણ જેને સંકોચ ના થયો, તે બાઈ કેટલી કામુક ને ક્રૂર હોવી જોઈએ ? પણ તેની કામુકતા ને ક્રૂરતા આગળ ભક્તે જરાપણ નમતું ના મૂક્યું. તેની કામવાસના તૃપ્ત કરવાની ભક્તે સખત શબ્દોમાં ના પાડી તેથી તો તે સ્ત્રી ઉશ્કેરાઈ ગઈ. પતિનું ખૂન છતાં પોતાનો આશય પૂરો ના થયો એ જોઈને તેણે નાટકનો અભિનય બદલી નાંખ્યો, ને જોરજોરથી રોવા માંડ્યું. શાંત રાત્રિમાં તેનું રુદન સાંભળીને ગામના માણસો દોડી આવ્યા. સદન ભક્તના તરફ સંકેત કરીને બાઈએ કહ્યું કે, ‘આ ભક્ત જેવો દેખાતો માણસ ધૂતારો છે. દયા કરીને તેને અમે અમારા ઘરમાં રાતવાસો આપ્યો. પણ અત્યારે દયા કરવાનું ક્યાં રહ્યું છે ? મારા પતિ સૂઈ ગયા પછી તેણે મારી છેડતી કરવા માંડી, મેં વિરોધ કર્યો એટલે મારા પતિનું તેણે ખૂન કર્યું છે. તેના મારગમાંથી કાંટો કાઢીને હવે તે બેઠો છે. તેની બાજી ઉઘાડી પડી ગઈ એટલે ચૂપ બનીને બેસી રહ્યો છે. આ ઢોંગી ને ખૂનીને હવે સજા થવી જોઈએ’ આમ કહીને તે બાઈ પોતાનું સર્વસ્વ હણાઈ ગયું એમ બોલીને રડવા માંડી.

સદન ભક્તને પકડવામાં આવ્યા. બીજે દિવસે ગામના મુખિયાઓએ તેને દંડ કર્યો. પહેલાંના વખતમાં દંડની પ્રથા જુદી હતી તે પ્રમાણે સદન ભક્તનો એક હાથ કાપી નાખવો એમ ઠર્યું. આ બધું થયું પણ ભક્તે તેની સામે જરાય બબડાટ કે વિરોધ ના કર્યો. દરેક કામમાં મંગલ જોવા ટેવાયેલા ભક્તે આ કામમાં મંગલ જોયું ને ઈશ્વરની પ્રસાદીનું દર્શન કર્યું. તેમનો હાથ કાપી નાંખવામાં આવ્યો, ને અધુરી યાત્રા તેમણે ફરી શરૂ કરી. જગન્નાથપૂરીમાં પહોંચીને તેમણે ખૂબ પ્રેમથી પ્રભુસ્મરણ કરવા માંડ્યું. સમય જતાં એક ધન્ય દિવસે તેમને ઈશ્વરનું દર્શન થયું. તેમને ખૂબ આનંદ થયો. કેટલીક વાતો થયા પછી તેમણે પ્રભુને પોતાના કપાયેલા હાથ વિષે પૂછ્યું. આ જીવનમાં તો મેં તમારૂં ભજન જ કર્યું છે. પાપકર્મ કરતાં હમેશાં પાછો પડ્યો છું છતાં મને કોઈ પણ અપરાધ વિના આ મહાન દંડ મળ્યો તેનું કારણ ?

ભગવાને કહ્યું : ભાઈ કર્મનો નિયમ નક્કી છે. માણસ તેને સમજી શકતો નથી એટલે આવી શંકા ઊભી કરે છે. આ જન્મમાં તેં પાપ કર્યું નથી પણ આની પહેલાનાં જન્મમાં તેં એક મોટો અપરાધ કર્યો હતો એના પરિણામરૂપે તને આ દંડ મળ્યો છે. વાત એમ છે કે પૂર્વજન્મમાં એકવાર તું તારા ઘર પાસે ઊભો હતો તે વખતે એક ગાય તારી પાસે અસહાય દશામાં આવીને ઊભી રહી, તે ગાયની પાછળ એક કસાઈ આવતો હતો. તે તારી પાસે આવ્યો, એટલે તેં તે ગાયને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે, તારા હાથની મદદથી, તે ગાયને સુપ્રત કરી. કસાઈએ તે ગાયની કતલ કરી. હવે આ જન્મમાં ગાયને પેલી તારા પર મોહિત થનારી સ્ત્રીનું શરીર મળ્યું ને કસાઈ તેનો પતિ થયો. આ જન્મમાં તે તેની સ્ત્રીને હાથે મરી ગયો. તેં તારા હાથે ગાયને પેલા કસાઈને સુપ્રત કરેલી, એટલે આ જન્મમાં તારા તે હાથને દંડ મળ્યો. જા, હવે તેં મારું દર્શન કર્યું છે એટલે તારી ઈચ્છા હશે તો મારી કૃપાથી તારો હાથ ઠીક થઈ જશે. કર્મની ગતિ ઘણી જ ગહન છે.

ખરેખર, કર્મની ગતિ ઘણી ગહન છે, છતાં ચોક્કસ છે. આ સંસારમાં કેટલાંક સારું શરીર લઈને જન્મે છે, તો કેટલાક તદ્દન ખરાબ, રોગી ને ખોડવાળું. કેટલાંક બાળકો એવું તો મીઠું બોલે છે કે તેમને સાંભળીને સગાં સ્નેહી ધરાતાં નથી; તો કેટલાંક બાળકો જન્મથી જ મુંગાં રહે છે, ને કેટલાય રોગો વારસામાં લઈને આવે છે. માણસોને સ્વાભાવિક રીતે જ કોઈના પર પ્રેમ થાય છે, ને કોઈના પર વેર. કલ્પનામાં પણ ના હોય તેવા સંજોગોમાં, કલ્પનામાં પણ ના આવે તેવા માણસોનો માણસને પરિચય થાય છે; જુદાં જુદાં પાત્રો સાથે પ્રીતિ થાય છે, ને એક દિવસ અચાનક તેના પર કાળદેવતાનો પડદો પડતાં, માણસ તેમનાથી દૂર ને દૂર ધકેલાઈ જાય છે. પાસે રહેવાં છતાં દૂર જેવો બની જાય છે. એક માણસ સુખ ને સંપત્તિને માટે પ્રયાસ કરે છે, છતાં દુઃખ ને વિપત્તિ જ ભોગવે છે. બીજો માણસ કામ એવાં કરે છે કે તેને દુઃખ જ મળે, છતાં તેને વગર માગ્યે ને વગર પ્રયાસે સુખ ને સુખ જ મળ્યા કરે છે એક માણસની અવસ્થા થઈ ગઈ છે, ને તેના પર દુઃખના ડુંગર પડ્યા કરે છે, છતાં તેનું મન સંસારસુખમાંથી છૂટું થઈને ભગવાનના ચરણોમાં લાગતું નથી. જ્યારે બીજા માણસને સુખ ને સાહ્યબીનો પાર નથી. સંસારનું સમગ્ર સુખ તેની સામે હાજર છે છતાં તેનું મન તેમાં લાગતું નથી, ને બચપણથી જ તે સંસાર સુખનો ત્યાગ કરીને ઈશ્વરને માર્ગે પ્રયાણ કરવા નીકળી પડે છે. ગીતામાતા કહે છે કે આ બધાનું કારણ માણસનાં પોતાનાં કર્મ છે. કર્મ પ્રમાણે જ તેને શરીર ને જીવન મળે છે, ને કર્મ કરીને તે આ જીવનને વધારે સુંદર બનાવી લેવા જીવનને આકાર આપે છે. ફક્ત કર્મનું પૂર્ણ જ્ઞાન તેને હોતું નથી એટલે તેને તેની સમજ પડતી નથી એટલું જ. કર્મની આવી સમજથી ઘણો લાભ થાય છે. માણસ તટસ્થ બનીને જીવનને જોતાં શીખે છે, ને રાગદ્વેષથી મુક્ત બને છે.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok