Sun, Jan 24, 2021

કર્મસંન્યાસથી શ્રેષ્ઠ કર્મયોગ

કોઈ બોલી ઊઠશે કે તમારી વાત સાચી છે. આ સ્વભાવથી જ વિરોધવાળી દુનિયામાં વધારે વિરોધ કે વિવાદ ઉપજાવવાની જરૂર નથી. પણ ભગવાને શું એમ નથી કહ્યું કે સંન્યાસથી કર્મયોગ ઉત્તમ છે ? પાંચમાં અધ્યાયની શરૂઆતમાં ભગવાને પોતાનો એવો અભિપ્રાય ચોખ્ખા શબ્દોમાં આપી દીધો છે. તેમને આપણે જરા શાંતચિત્તે વિચાર કરવાનું ને પછી જ કોઈ નક્કી અભિપ્રાય પર આવવાનું કહીશું. આપણે કહીશું કે ભાઈ જરા વિચાર તો કરો, ગીતાને જરા ધ્યાનપૂર્વક વાંચો તો ખરા. પછી તમને ભગવાનના શબ્દોનું રહસ્ય સમજાશે. ભગવાને એમ નથી કહ્યું કે સંન્યાસ કરતાં કર્મયોગ ઉત્તમ છે. તેમણે કહ્યું છે કે કર્મસન્યાસ કરતા કર્મયોગ ઉત્તમ છે. ભગવાન ને તેમની વાણીને રજૂ કરનાર મહર્ષિ વ્યાસ ભાવો ને શબ્દોના મહાન શિલ્પી છે. બહુ સંભાળીને ને કુશળતાથી એક નિષ્ણાતની જેમ તે શબ્દો વાપરે છે, એક કુશળ કારીગરની જેમ તે શબ્દોની કારીગરી કરે છે. તેનું જરા ધ્યાનપૂર્વક મન મૂકીને નિરીક્ષણ તો કરો.

ત્યારે સંન્યાસ ને કર્મસંન્યાસ બે જુદાં છે ! જરૂર એમાં શંકા કરવા જેવું છે જ શું ? સંન્યાસ એટલે ત્યાગ. માણસ ઘરનો ત્યાગ કરે છે, ધનનો કરે છે, ને લૌકિક વ્યવહારોનો પણ ત્યાગ કરે છે. એ ત્યાગ શું કામ થાય છે ? પરમાત્માની પ્રાપ્તિ કરવામાં મદદ મળે તે માટે. પોતાનું બધું ધ્યાન એક પરમાત્મામાં જ લગાડીને કે આત્મિક વિકાસના અગત્યના કામમાં એકાગ્ર કરીને, પરમશાંતિ, મુક્તિ કે પૂર્ણતા મેળવી શકાય તે માટે. તે માટે તે નિવૃત્તિને પસંદ કરે છે, ને જરૂર વિનાના બીજા બધા જ વ્યવહારોને ટૂંકાવી નાખે છે. તે છતાં તે કર્મ તો કર્યા જ કરે છે. ચાહે તે કર્મ જ્ઞાનપ્રાપ્તિનું કે યોગસાધનાનું અથવા લોકસેવાનું કે પરમાત્માના દર્શનનું હોય. કર્મનું સ્વરૂપ ફરી જાય છે પણ જ્યાં સુધી તે સાધક છે, ત્યાં સુધી કર્મ તો કરે જ છે. પણ બધા માણસોનું આવું થોડું જ હોય છે ? કેટલાક માણસોની વાત આથી જુદી જ હોય છે. તે સંન્યાસ લે છે, પણ કર્મનો પણ સંન્યાસ લે છે. તેમના જીવનનું કોઈ ખાસ ધ્યેય હોતું નથી, ને તે ધ્યેયની પૂર્તિ માટે તે પુરૂષાર્થ પણ કરતા નથી. સંન્યાસી કે ત્યાગી થઈને તે ફાવે ત્યાં ફરતાં રહે છે, ને ભિક્ષા માગીને કે બીજી રીતે પેટ ભરે છે. પણ પેટ તો કૂતરાં બિલાડા પણ નથી ભરતાં કે ? ત્યાગી જો પેટ ભરીને જ બેસી રહે તો તેનો ત્યાગ શોભે કેવી રીતે ? ભિક્ષા લઈને તેણે તપ કરવાનું છે ને જ્ઞાન મેળવીને પૂર્ણતાએ પહોંચવાનો પ્રયાસ કરવાનો છે. ત્યાગ કરીને ત્યાગના આદર્શની પ્રાપ્તિ કરવાની છે. પ્રમાદી, આળસુ ને જડ જેવા બની જવાથી આ બધું કેવી રીતે બની શકશે ? આજે કેટલાય પુરૂષો ત્યાગ કરે છે, ને સુસ્ત બને છે. પોતાના કે બીજાના હિતનું કોઈ જ નક્કર કામ તે કરતા નથી, રમતારામ થઈને ભોળી ને ધર્મઘેલી જનતાની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તે આનંદ કરે છે ને કેટલાક સંજોગોમાં તો જુદાજુદા પ્રપંચ ને ચોરી જેવાં અનીતિનાં કામોમાં પણ ભાગ લે છે. આ પુરૂષો ત્યાગી કે સંન્યાસી હોત તો તે સારું પણ તે તો કર્મસંન્યાસી છે.

આવા આળસુ ને એદીખાનાની મૂર્તિ જેવા ત્યાગી પુરૂષો કરતાં તો જે માણસો વ્યવહારમાં રહીને, પોતાની ફરજ સંભાળીને પોતાની ને બીજાની ઉન્નતિને માટે સાવધ રહીને, વિચારપૂર્વક કર્મ કરે છે, તે માણસો ઉત્તમ છે. ભલે તે આત્મિક ઉન્નતિના કામમાં ઝાઝું ધ્યાન ના આપતા હોય ને સાંસારિક સુધારણા ને પ્રવૃત્તિઓમાં જ રત રહેતા હોય તો પણ તે પેલા કાંઈ જ ના કરનારા ને પોતાને ને બીજાને ભારરૂપ થનારા કર્મસંન્યાસીથી ઉત્તમ છે એવો ભગવાનનો અભિપ્રાય છે. એટલે જ ભગવાન કહે છે કે સંન્યાસ ને કર્મયોગ બંને કલ્યાણકારક છે. તેમાં કોઈ ઉત્તમ કે અધમ નથી, પણ કર્મના સંન્યાસ કરતાં કર્મનો યોગ વધારે સારો ને ઉત્તમ છે. આ રીતે સમજવામાં આવે, તો ખોટી શંકા ને ખોટા વિવાદનો અંત આવે. માટે જ મેં કહ્યું છે કે ગીતાનો વિચાર ખૂબ ધ્યાન દઈને કરવાની જરૂર છે તે સંબંધી સાહસ કરવું નકામું છે. જ્યાં સમજ ના પડે, ને શંકા થાય, ત્યાં શાંતિ રાખીને ભગવાનને પ્રાર્થના કરજો. એટલે તમારા દિલમાં સત્યનો પ્રકાશ જરૂર પથરાશે. વિવેકની એવી અદ્ ભૂત શક્તિનું તમને દાન મળશે કે જેથી દૃષ્ટિ દૈવી બનશે. મૂંઝવણોનો અંત આવશે. ભગવાનને પ્રાર્થના કરવાથી આ બધું જરૂર શક્ય બનશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.