ત્યાગી અને સ્ત્રી

સંન્યાસી કે ત્યાગીની સાથે કોઈ સ્ત્રી રહેતી હોય તો ? તેવો માણસ ત્યાગી કે સંન્યાસી કહેવાય કે નહિ ? આ પ્રશ્ન ઘણા માણસોના મનમાં ઊઠે છે. કેટલાક માણસોની વૃત્તિ જ એવી હોય છે કે કોઈ ત્યાગી પુરૂષની સાથે સ્ત્રી જોઈને તેમનું દિલ શંકાશીલ બને છે, ને અનેક પ્રકારના તર્કવિતર્ક  કરવા માંડે છે. કેટલાક તો ત્યાગી પુરૂષનું પતન થયું એવો અભિપ્રાય પણ આપવા માંડે છે. તે સંબંધમાં આપણે એટલું જ કહીશું કે ત્યાગી પુરૂષની સાથે કોઈ કારણથી કોઈ સ્ત્રી રહેતી હોય, તેથી ત્યાગી પુરૂષનું પતન થઈ ગયું એમ માનવાનું સાહસ કરવાનું બરાબર નથી. ત્યાગી પુરૂષે બનતાં સુધી તો કોઈપણ પુરૂષ કે સ્ત્રીના સંગમાં ના રહેવું જોઈએ. પણ જુદાં જુદાં માણસો સાથેના સમાગમ ને સંબંધ આપસના ઋણાનુંબંધ ને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નક્કી થાય છે. તે પ્રમાણે કોઈ ત્યાગી પુરૂષને કોઈ એક કે વધારે પુરૂષ કે સ્ત્રી સાથે રહેવાનો યોગ થાય તો તેટલાથી જ તેનું પતન થયું એવો ઉતાવળિયો અભિપ્રાય આપવા માંડવું તે ઠીક નથી.

સ્ત્રીની સાથે રહેવાથી માણસનું પતન થાય છે જ એમ નથી. માણસ સ્ત્રીને કયી દૃષ્ટિથી ને કેવા રૂપમાં જુએ છે તેના પર તેના ઉત્થાન કે પતનનો આધાર રહે છે. સ્ત્રીની સાથે રહીને માણસ આગળ પણ વધી શકે છે, ને તેની અંદર માનું દર્શન કરી શકે છે. એથી ઉલટું, જો તેનું અંતર કામના વાસના કે વિકારથી ભર્યું હોય, ને સ્ત્રીને તે મલિન નજરે જોતો હોય તો તેનું પતન થાય છે. સ્ત્રી પોતે ખરાબ નથી પણ માણસની દૃષ્ટિ ખરાબ છે. તે દૃષ્ટિને સુધારીને સ્વચ્છ કરવાથી સ્ત્રીની હાજરી બાધક નહિ પણ સાધક બને છે. એટલે પ્રત્યેક પ્રસંગે પરિસ્થિતિનો પુરતો વિચાર કર્યા પછી જ અભિપ્રાય આપવો જોઈએ.

પણ રૂઢ વિચારવાળા કેટલાક માણસોમાં સહાનુભૂતિ, સમજ ને ઉદારતાનો અભાવ હોય છે, ને તેને લીધે તે લાંબો ને પુરો વિચાર કરવાની તસ્દી જ લેતા નથી. તેમના મનમાં રૂઢ થઈ ગયેલા સંસ્કારને તે કોઈપણ કાળે છોડવા માગતા નથી. તેવા માણસો તો કોઈ ત્યાગી કે સંન્યાસીને કોઈ સ્ત્રી સાથે જોશે એટલે મોઢું ચઢાવીને તરત બોલી ઊઠશે કે જોયું ? કેવી માયામાં સપડાયા છે ! પણ સ્ત્રી માયામાં સપડાવનારી છે તેમ માયાથી મુક્ત કરનારી પણ છે તે વાત તે ભાગ્યે જ જાણે છે.

હમણાં જ અહીં એક દંડી સંન્યાસી પધાર્યા હતા. સારા વિદ્વાન હતા. ભારતમાં અનેક ઠેકાણે ફર્યા હતા. તેમણે વાતવાતમાં એક વાર પોતાના શ્રોતાજનોને હિમાલયના મહાત્માઓ વિશે કહ્યું. તે દરમ્યાન ગંગોત્રીમાં રહેતા સ્વામી કૃષ્ણાશ્રમની વાત પણ કરી, ને અભિપ્રાય આપ્યો કે કૃષ્ણાશ્રમ પહેલાં તો સારા તપસ્વી હતા. પણ હવે તેમની સાથે એક પહાડી સ્ત્રી રહે છે ને તેને લીધે તેમનું પતન થયું છે. શ્રોતાજનો બધું રસપૂર્વક સાંભળ્યે જતા હતા. કૃષ્ણાશ્રમજી કેટલાય વરસથી ગંગોત્રીમાં રહે છે. ગંગોત્રીમાં સખત ઠંડી પડે છે છતાં તે નગ્ન રહે છે. કેટલાક વરસોથી ગંગોત્રીની પાસેના ગામની એક સ્ત્રી તેમની સેવામાં રહે છે. આ સ્ત્રી જ્યારે સૌથી પહેલાં તેમની સાથે રહેવા ગઈ, ત્યારે સાધુ સમાજમાં ભારે વિવાદ જાગ્યો હતો. એટલે સુધી કે તે વાત સાધુઓ તરફથી તે વખતના ટિહરી સ્ટેટના રાજાને પણ પહોંચાડવામાં આવી હતી. તે વિશે તપાસ પણ થઈ હતી. હિમાલયમાં સાધુઓ વધારે ભાગે આશ્રમોમાં રહે છે પણ તે આશ્રમોમાં કોઈ સ્ત્રી સભ્ય ભાગ્યે જ જોવા મળે છે. એટલે કૃષ્ણાશ્રમની સાથે જ્યારે પેલી પર્વતીય સ્ત્રીએ રહેવાનું શરૂ કર્યું, ત્યારે ભારે ચકચાર જાગી. છતાં જે થવાનું હતું તે તો થયા જ કર્યું.

આજે ગંગોત્રીમાં કૃષ્ણાશ્રમની સાથે તે સ્ત્રી રહે છે. કૃષ્ણાશ્રમે પોતાની મઢુલીની પાસે જ તે સ્ત્રીને માટે એક મઢુલી બનાવી છે. પણ એટલાથી જ કૃષ્ણાશ્રમનું પતન થયું એમ કેમ કહેવાય ? હા, તે સ્ત્રીના પરિચયમાં આવીને જો કૃષ્ણાશ્રમજી તપ કરવાનું ભૂલી ગયા હોય, ને બ્રહ્મચારી મટી ભોગી થયા હોય, તો તેમનું પતન થયું છે એમ કહી શકાય. પણ તે તો હજી પણ હિમાલયના એ ઠંડા સ્થાનમાં મૌનવ્રત રાખીને નિવાસ કરે છે ને એ જ રીતે પદ્માસન વાળીને શાંતિપૂર્વક બેસી રહે છે. વધારામાં તે સ્ત્રીનો વિકાસ થયો હોય તેમ દેખાય છે. જેઓ દર્શનાર્થે આવે છે તેમની સાથે તે વાત કરે છે ને તેમને સ્વામીજીનાં દર્શને લઈ જાય છે. તેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે, ને સ્વામીજીની સાથે રહીને તેમની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. બંનેમાંથી કોઈયે પથચ્યુત થયું હોય તેવું દેખાતું નથી.

તો પછી પતન કોનું થયું ? શું બીજાને માથે આળ ચઢાવનાર માણસનું જ પતન નથી થયું ? માણસ સ્ત્રીની સાથે રહે કે વાત કરે એટલે તેનું પતન જ થઈ જાય એવી ફિલસુફીમાં માનવાનું ને પૂરતી જાત તપાસ વિના ગમે તેવા માણસ વિશે ગમે તેવો અભિપ્રાય આપવાનું કામ આપણને પસંદ નથી; ને કોઈપણ ડાહ્યા માણસને પસંદ નહિ પડે તેની આપણને ખાત્રી છે. એમ તો મહાન યોગી શ્રી અરવિંદની પાસે શું એક વિદેશી સ્ત્રી નથી રહ્યાં ? શું રામના મહાન કૃપાપાત્ર ભક્ત ને સંત રામદાસની પાસે કૃષ્ણાબાઈ નથી રહ્યાં ? તેમનાં સંબંધમાં પણ મનગમતા અભિપ્રાય આપનારા કેટલાક માણસો હશે, પણ વધારે ભાગના માણસોને માટે તો તે માતા થઈ પડ્યાં છે. એટલે સંસારમાં કોઈ ઠેકાણે કોઈ પ્રસંગ એવો બને કે જે આપણી રૂચિની વિરૂદ્ધ હોય, તો તેથી મનગમતા અભિપ્રાય આપવાનું સાહસ કરવું બરાબર નથી. ખાસ કરીને મહાન પુરૂષોના સંબંધમાં કાંઈ પણ કહેતા પહેલાં વારંવાર વિચાર કરવો જોઈએ.

છતા એટલી વાત તો સાચી છે કે જેમ સાપની સાથે રહીને શાંત રહેવું કઠિન છે, તેમ વિકાર ઉત્પન્ન કરનારી વ્યક્તિ કે વસ્તુની સાથે રહીને નિર્વિકાર રહેવું પણ એવું જ કઠિન છે. એટલે માણસે પ્રત્યેક પગલે સાવધાન રહેવાની જરૂર છે. દિલમાં વધારે ને વધારે પવિત્રતા જન્માવવાની જરૂર છે. આ કામ કરોડોમાં કો'ક જ કરી શકે છે. એટલે વધારે ભાગના માણસોને તો શાસ્ત્રો ને સંતોએ બહારના વાતાવરણનું ખૂબ જ ધ્યાન રાખવાનું કહ્યું છે તે સારું જ છે.

કેટલાક વખત પહેલાં એક સાધારણ શંકરાચાર્ય ગુજરાતનાં ગામડાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે તેમની સ્ત્રી પણ હતી. તે ખુલાસો કરતાં કહેતા કે શું વશિષ્ઠ ને અરૂંધતિ ન હતી કે ? તેમની વાત સાચી હતી. પણ વશિષ્ઠ ને અરૂંધતિનું જીવન કેટલું સંયમી હતું તે ખબર છે ? વળી શંકરાચાર્યે પત્ની સાથે ના જ રહેવું જોઈએ એવી મર્યાદા છે તેનું પાલન જરૂરી છે. નહિ તો સમાજમાં અવ્યવસ્થા થાય. એટલે ત્યાગી કે સંન્યાસીએ સ્ત્રીની સાથે કોઈપણ સંજોગોમાં કામવાસના કે મલિન ભાવથી જ ના રહેવું જોઈએ, એ વાત સાથે આપણે સાચે જ સંમત થઈશું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.