Text Size

કર્મયોગીની દશા

ગીતા કહે છે કે કર્મના પ્રભાવથી જેનું હૃદય શુદ્ધ થઈ ગયું છે, તે માણસ જે કર્મ કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. ઈશ્વરનો અવાજ તે સાંભળી શકે છે, ને તે પ્રમાણે પગલા ભરે છે. તેવા પુરૂષની દશા બાળકના જેવી છે. જેમ માતાની હાજરીમાં બાળક નિશ્ચિંત થઈને ફરે છે, તેમ તે નિશ્ચિંત થઈ જાય છે. તેની પાસે પોતાનું કહી શકાય તેવું કાંઈ જ નથી. ઈશ્વરના હાથમાં પોતાની જાતનું સમર્પણ કરીને તે જીવે છે. એટલે ઈશ્વર તેની બધી સંભાળ રાખે છે. માતા બાળકને ખવડાવે છે, પીવડાવે છે, સુવાડે છે ને સંભાળે છે, તેમ ઈશ્વર તેની માવજત કરે છે. ઈશ્વર જેમ દોરે તેમ દોરાય છે, ને જેમ કરાવે તેમ કર્યે જાય છે. ઈશ્વરના સ્મરણમાં તે મસ્ત રહે છે, ને સંસારમાં બધે ઈશ્વરનું દર્શન કર્યા કરે છે. કર્મયોગની ઉચ્ચોચ્ચ કક્ષાએ જે પહોંચી જાય છે તેનું જીવન આમ પવિત્ર, ઈશ્વરપરાયણ ને ધન્ય બની જાય છે; તેના જીવનમાંથી ભય, કપટ ને અહંકાર તથા રાગદ્વેષનો અંત આવે છે, ને તે શાંતિમય બની જાય છે; પ્રેમ, મધુરતા ને આનંદની મૂર્તિ બની જાય છે. કર્મ તેને માટે સહજ થઈ જાય છે. જે કર્મ કરે છે તે તેને માટે ભારરૂપ નથી થતું. કર્મને ઈશ્વરનું ને ઈશ્વરની પ્રસાદી જેવું માનીને તે શાંત ચિત્તે કર્મ કર્યા કરે છે, ઈશ્વરની સૃષ્ટિને માટે કર્મ કર્યા કરે છે, ને એ રીતે કર્મ દ્વારા ઈશ્વરની સેવા ને પૂજા કરે છે. કર્મ તેને માટે આ રીતે જીવનની મહાન સાધનાનું એક ઉપયોગી અંગ થઈ રહે છે.

ત્યાગી થઈને માણસ એકાંતમાં જાય છે, ને ધ્યાન ધારણા કરી સમાધિનો આનંદ મેળવે છે. તે પ્રમાણે વ્યવહારની વચ્ચે રહીને કામ કરતાં કરતાં પણ ધ્યાન તથા સમાધિનો આનંદ મેળવી શકાય છે. તે કેવી રીતે તેની ખબર છે ? પરમાત્માના પ્રેમના પ્રભાવથી હૃદયને શુદ્ધ કરવાની સાથે સાથે ઈશ્વરના સ્મરણ ને પ્રેમનો આધાર લો, ને કર્મ કર્યા કરો. એ રીતે કર્મ કરવાથી મન ઈશ્વરનાં ચરણોમાં જ જોડાયેલું રહેશે. મન સદા ઈશ્વરનું ધ્યાન ધર્યા કરશે, ને એકાગ્રતામાં વધારો થતાં, ઈશ્વરપ્રેમની સમાધિનો આનંદ મળી રહેશે. સમાધિ એટલે શું ખબર છે ? પરમાત્મામાં મનને જોડી દેવું કે પરમાત્મા સાથે એકતાર થઈ જવું, કામ કરતાં કરતાં તે થઈ શકે છે.

ધર્મવ્યાધ મહાન ભક્ત હતા. તેની વાત સાંભળી છે ? તે માંસ વેચવાનો ધંધો કરતા, ને દુકાને બેસતા. પણ તેમનું મન ઈશ્વરમાં જોડાયેલું જ રહેતું. ઈશ્વરના ચરણો છોડીને તેમનું મન બીજે ક્યાંય પણ જવાનું પસંદ ન હતું કરતું. ગાંધીજી કેટલું બધું કર્મ કરતા ! તે કર્મ કેટલું વિવિધ હતું ! પણ કર્મને તે ઈશ્વરનું સમજતા, વળી કર્મ કરવા છતાં ઈશ્વરને ભૂલતા નહિ. જીવનના છેલ્લા દિવસે તેમને ગોળી વાગી, ત્યારે તેમના મુખમાંથી શું નીકળ્યું ? બીજો કોઈ માણસ હોત તો ગભરાઈ જાત પણ તે તો જરા પણ ગભરાયા નહિ. તે વખતે તેમણે ‘મારા દેશનું શું થશે.’ એમ પણ કહ્યું નહિ. તેમના મુખમાંથી તો ‘હે રામ’ એ જ શબ્દો નીકળ્યા. તેથી સાબિત થયું કે કર્મ કરતા રહ્યા તે છતાં પણ તેમનું મન ઈશ્વરમાં લાગ્યું હતું. તેમના હૃદયમાં રામનો અનુરાગ હતો, નહિ તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં આમ એકાએક ઈશ્વરની યાદ કેવી રીતે આવે ? કર્મ તેમને મન જીવનની સાધનાનું અંગ હતું. તે દ્વારા તે ઈશ્વરની સાથે એકતાનતા અનુભવવા માગતા હતા, ને તે કામમાં તે પોતાની પદ્ધતિ પ્રમાણે સફળ થયા હતા. તે પ્રમાણે તમે પણ કર્મ કરો, ને મનને ઈશ્વરમાં જોડી દો; તો એક પ્રકારની સમાધિદશાનો આનંદ મેળવી શકશો.

આ દશાની પ્રાપ્તિનું કામ શું વાતો કરવા જેટલું સહેલું છે કે ? અલબત્ત, તે અઘરૂં છે, પણ પ્રમાદ છોડીને પુરૂષાર્થ કરવા મંડી જાવ તો સહેલું બની શકે. એકાંતમાં રહીને ધ્યાનધારણા કરનારા યોગીનાં કામ કરતા વ્યવહારમાં પ્રભુપરાયણ થવાનો પ્રયાસ કરનારા કર્મયોગીનું કામ કંઈ ઓછું કપરૂં નથી. છતાં તે મહત્વનું છે. એટલે માણસે તે કરવું જ જોઈએ. જીવન મહામૂલ્યવાન ને શક્તિશાળી છે. ઝડપી પણ એવું જ છે. માટે વાતો કરીને ને સાંભળીને બેસી રહેવાને બદલે પુરૂષાર્થનો આશ્રય લો તો ધ્યેયસિદ્ધિની વધારે ને વધારે પાસે પહોંચી શકાશે, ને એક દિવસ સિદ્ધિ પણ મેળવાશે. સંસારમાં રહીને વ્યવહાર કરનારે ખૂબ વિવેકી થવું જોઈએ. જે વિવેકને ગિરો મૂકે છે, ને આંખ મીંચીને મરજી પડે તેવાં કર્મ કરે છે, તેનો ઉદ્ધાર અસંભવ છે. વિવેકી માણસ સારા ને નરસાનો સદા વિચાર કરે છે, સાચા ને ખોટાની સમજ કેળવે છે ને પછી જીવનના મંગલ માટે સારા ને સાચાને પકડી કે પસંદ કરી, ખરાબ ને ખોટાનો ત્યાગ કરે છે. કર્મ કરવા છતાં તેને અહંકાર થતો નથી. કર્મ તેને માટે બંધનકારક થતું નથી, પણ બંધનહારક થાય છે. કર્મના પ્રભાવથી જીવનની શુદ્ધિ કરીને તે શાંતિ મેળવી લે છે ને પરમાત્માના પ્રેમનો અનુભવ કરે છે. એમ કહો કે પરમાત્માની અનૂભૂતિ પણ કરી લે છે. વિવેકી ને વિચારવાન માણસને માટે કર્મ આ પ્રમાણે જીવનના પરમ મંગલની સાધના થઈ જાય છે; પરમાત્માની પાસે પહોંચાડનારા પાવનપંથની કેડી બની જાય છે; ને જીવનની સિદ્ધિ માટેની સ્વાભાવિક સામગ્રી બની રહે છે. કર્મયોગથી આ પ્રમાણે જીવનનું કલ્યાણ કરી શકાય છે. તે કરવાની પ્રેરણા ને કલા આપણને ગીતામાતા પૂરી પાડે છે. આળસ છોડીને આપણે તેનો લાભ લઈએ તો જીવનને ઉજ્જવળ કરી શકીએ.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok