Text Size

મોહનું કારણ અજ્ઞાન છે

પરંતુ આ શિક્ષાને યાદ રાખીને તે પ્રમાણે પ્રગતિ કરવાનો પ્રયાસ કરનારા પુરૂષો કેટલા ? વધારે ભાગે તો માણસ સાચી વાત વિસરી જઈ ખોટાની પાછળ પડીને બરબાદ થાય છે. જો કોઈ માણસ પોતાનો પડછાયો પકડવાની ઈચ્છા કરે તો શું તે પડછાયો પકડી શકવાનો છે ? આ માણસની જેમ કદાચ વરસો સુધી પડછાયાની ઈચ્છાથી કોઈ માણસ પરિશ્રમ કરે, તો પણ શું પડછાયો પકડી શકાય ખરો ? સંસારના વધારે ભાગનાં માણસો આવાં હોય છે. તેઓ મૂળ પદાર્થને ભૂલીને કે મૂકી દઈને પડછાયાની પાછળ પડે છે. શું છાયા જેવા સંસારના વિષયોની પાછળ પડ્યા પછી, ને વરસો સુધી પડ્યા પછી પણ સાચા ને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ શકે છે ? કેવી રીતે થઈ શકે ? પડછાયાની પાછળ પડવાથી કોઈ દિવસ પ્રકાશની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે પ્રમાણે પરમાત્માને મૂકી દઈને જે સંસારની પાછળ પડે છે તે સુખ ને શાંતિ તથા પ્રકાશને ખોઈ બેસે છે.

જીવનમાં જેને શાંતિ મેળવવાની ઈચ્છા છે, તેણે મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ કે ધૂળમાં મંથન કરવાથી જેમ તેલ નીકળી શકતું નથી, ને અંધકારને એકઠો કરવાથી પ્રકાશની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સંસારના સમસ્ત વિષયોને એક સાથે સેવવાથી પણ પરમ સુખ, શાંતિ, મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકતી નથી. ગમે તેટલા ઉપાય અજમાવવામાં આવે તો પણ પરમાત્માની પ્રાપ્તિ વિના પરમશાંતિની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. શાંતિ ને મુક્તિને માટે તો માણસે પોતાની અંદર ડૂબકી મારવી જોઈએ ને પોતાના દિલમાં બેઠેલા દેવનું દર્શન કરવું જોઈએ. માણસ આ વસ્તુને ભુલી જાય છે તેથી દુઃખી થાય છે ને અશાંતિનો ભોગ બને છે. એટલે કે અજ્ઞાનને લીધે તે મોહમાં પડે છે, ના કરવાનાં કામ કરે છે, ક્લેશ ઉઠાવે છે, ને જીવનને બરબાદ કરે છે.

મોહને દૂર કરવા માટે માણસે વિવેકનો આશ્રય લેવો જોઈએ ને પ્રભુપરાયણ બનીને પ્રભુની મદદ માગવી જોઈએ. કેટલીકવાર યોગ્ય સમજનો અભાવ હોવાથી તે ખોટો માર્ગ અખત્યાર કરે છે, ખોટા ઉપાય અજમાવે છે ને પોતાની શક્તિને બરબાદ કરે છે. માણસે સમજી લેવું જોઈએ કે મોહનો નિવાસ બહાર નહિ પણ પોતાની અંદર છે ને તેમ સમજીને તેને દૂર કરવા માટે પોતાની અંદર સુધારો કરવો જોઈએ.

ઋષિકેશમાં એક સારા વિદ્વાન સંન્યાસી હતા. તે કોઈ કોઈવાર મારી પાસે આવતા હતા. એકવાર તે કહેવા માંડ્યા, ‘પહેલા તો હું રમતારામની જેમ ફર્યા કરતો. બહુ આનંદ આવતો પણ હમણાંથી ઉપાધિમાં પડ્યો છું. એક મંદિર ને મકાન બાંધ્યું છે તેની વ્યવસ્થા કરવી પડે છે. તે માટે બહારગામ પણ જવું પડે છે, પણ મન બેચેન રહે છે. કોઈવાર તો એમ થાય છે કે મંદિર ને મકાન મૂકી દઈને પાછો પહેલાંની જેમ આમતેમ ફરતો ફરૂં. એ વિના જીવનમાં શાંતિ નહિ મળે. હવે તો આ જીવનથી કંટાળ્યો છું.’

મેં કહ્યું : વાત બરાબર છે પણ એમ કંટાળો લાવવાથી જ કાંઈ સમસ્યા ઉકલી જશે ખરી કે ? તમે મંદિર ને મકાન બાંધ્યું છે ને તમારે તેની વ્યવસ્થા કરવી પડે છે તેમાં શું થઈ ગયું ? તે કાંઈ ઉપાધિ નથી. ઉપાધિનું મૂળ કારણ તમારા મનમાં છે. તેને દૂર કરો એટલે શાંતિનો અનુભવ જરૂર થઈ જશે. બધું છોડીને ગામેગામ ફરવાથી શાંતિ મળશે એમ કોણ કહી શકે તેમ છે. ગામેગામ ફરીને રમતારામનું જીવન જીવવાથી માણસ કેટલીકવાર રખડું થઈ જાય છે. આજે આ ગામ તો કાલે પેલું ગામ–એમ ફરતા રહેવાથી શું જીવનની નિયમિતતા સચવાય છે કે ? વધારે ભાગના માણસોને રખડવાનો ચસ્કો લાગે છે. તે નિયમપૂર્વક સાધના કરી શકતા નથી. એટલું જ નહિ, પણ શાંતિથી એક ઠેકાણે બેસી શકતા પણ નથી. એટલે તે માર્ગનો આધાર લેવાની જરૂર નથી. મોહ કે ઉપાધિ મનમાં છે; કોઈ મંદિર કે મકાનમાં નથી. આ મન બધે જ છે. સંસાર પણ બધે ફેલાયેલો છે. તેની બહાર જવા માગો તો પણ ક્યાં જવાય છે ? એટલે ફરવાનું કે એક સ્થળે રહેવાનું તો ગૌણ છે. મુખ્ય વસ્તુ મનને પલટાવવાની, કેળવવાની ને પ્રભુમાં આસક્ત થવાની છે. આત્મિક જીવનનું સાચું રહસ્ય એમાં જ સમાયેલું છે. એ રહસ્યને સમજવાથી જ મોહ મટી શકશે, ને ઉપાધિ ટળી શકશે.

ગીતામાતાનો સંદેશ પણ આવો જ છે. તે કહે છે કે જેમનું અજ્ઞાન વિવેકના પરમ પ્રકાશથી દૂર થઈ ગયું છે, તેમનામાં જ જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય છે. તે જ્ઞાનની સરખામણી સંસારના કયા પદાર્થ સાથે થઈ શકે ? આપણને તે જ્ઞાનનો કાંઈક ખ્યાલ આપવા માટે ગીતામાતા સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. જ્ઞાનનો પ્રકાશ કેવો છે તેના ઉત્તરમાં ગીતા કહે છે કે તે સૂર્ય જેવો છે. સૂર્યમાં અંધકાર ક્યાં છે ? તેવી રીતે પરમાત્માના જ્ઞાનની અંદર લેશ પણ અંધકાર નથી. સૂર્ય જેમ પોતાની અંદર ને બહાર બધે જ પ્રકાશ પાથરી દે છે તેમ જ્ઞાન માણસની અંદર ને બહાર બધે અજવાળું કરી દે. જ્ઞાનના પ્રભાવથી માણસની બુદ્ધિ, નિષ્ઠા, સ્મૃતિ ને ધારણા બધું પ્રભુમય થઈ જાય છે. માણસનો પ્રાણ પ્રભુના પ્રેમપ્રકાશથી રંગાઈ જાય છે ને જીવન પ્રભુપરાયણ ને ધન્ય બની જઈ, દુઃખ દર્દ ને જન્મમરણથી મુક્તિ મેળવે છે. આવા જ્ઞાનનો પ્રકાશ જેના અંતરમાં પથરાઈ જાય છે, તેને મોહ થતો નથી, ને ઉપાધિ લાગતી નથી. એટલે માણસે જીવનની ધન્યતા માટે પ્રભુપરાયણ થઈને જ્ઞાનના પવિત્ર પ્રકાશથી તન, મન ને અંતરને અલૌકિક ને પવિત્ર કરવા પ્રયાસ કરવો જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok