Wednesday, October 28, 2020

સંન્યાસ ને યોગ એક છે

જીવનમાં જેને યોગી થવું છે, અથવા પરમાત્માના દર્શન દ્વારા જેને પરમશાંતિ મેળવવાની ઈચ્છા છે, તેણે સંસારની મમતા ને આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. બહારથી તજે ને અંદરથી તો તેને ભજે એવી ભયંકર દશાનો તેણે ત્યાગ કરવો જોઈએ. બહારથી તજે ને અંદરથી પણ તજે તેવી ઉત્તમ દશા માટે તો કાંઈ કહેવાનું જ નથી. તે દશા કલ્યાણકારક છે, પણ માણસ બહારથી જોતાં વિષયોની વચ્ચે રહેતો દેખાય, ને વિષયોને ભજતો જણાય,  છતાં અંદરથી તો તેણે વિષયરસનો ત્યાગ કરેલો હોવો જોઈએ. જુદાં જુદા કામ કરવા છતાં તે કામથી અલિપ્ત રહેવો જોઈએ. સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. તે સૌ સાથે મળીને પણ માણસને શાંતિ આપી શકે તેમ નથી. ને મુક્તિ ને પૂર્ણતાનું દાન દઈ શકે તેમ પણ નથી. પોતાના મનમાં એ ગાંઠ તેણે કાયમને માટે વાળી લેવી જોઈએ. પોતાની નબળાઈઓનો ત્યાગ કરવાની તમન્ના તેને લાગી જવી જોઈએ. જીવનમાં એકમાત્ર પરમાત્મા જ મેળવવા જેવા છે. તેમને મેળવ્યા વિના જીવનની સમસ્યા ઉકલે તેમ નથી. જીવનના દુઃખદર્દ દૂર થાય તેમ નથી, ને જીવન અમૃતમય થાય તેમ નથી એ વિચાર તેના દિલમાં દૃઢ થઈ જવો જોઈએ. તો જ તે યોગી બની શકે.

સંન્યાસ લઈને પણ માણસે શું કરવાનું છે ? બહારનો કે અંદરનો ત્યાગ કરીને પરમાત્માની પ્રાપ્તિ માટે જ પુરૂષાર્થ કરવાનો છે. પરમશાંતિ, મુક્તિ કે પૂર્ણતા પામવા પ્રયાસ કરવાનો છે ને બંધન, અલ્પતા ને દુઃખથી છૂટવાનું છે. એ રીતે સંન્યાસ એક સાધના છે. પરમાત્મા સાથેના યોગ અથવા મિલન માટેની સાધના છે.

આ પ્રમાણે યોગ ને સંન્યાસ એક છે, બંનેનું ધ્યેય એક જ છે, ને તે પરમાત્માનું દર્શન, સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા પૂર્ણતા, વાસના, વિકાર, મમતા, આસક્તિ, અહંકાર ને દુર્ગુણોનો ત્યાગ કર્યા વિના યોગ થાય નહિ, ને યોગ કે પરમાત્મદર્શનની સાધના વિના ત્યાગ કે સંન્યાસ શોભે નહિ. ત્યાગ કે સંન્યાસનો આનંદ મળે નહિ. યોગ વિના સંન્યાસ અધૂરો રહી જાય, ને સંન્યાસ કે ત્યાગના સંકલ્પ વિના, ત્યાગીની આધારભૂમિ વિના, યોગની ઈમારત થાય નહિ. આમ બંને પરસ્પર પૂરક છે, સંકળાયેલા છે, ને એક છે. તેમને અલગ ગણાવવાનો કે જુદાં પાડવાનો પ્રયાસ નિરર્થક છે. તેને અલગ કરવાનો પ્રયાસ કરવાથી જીવન બેડોળ બને છે, રસ વિનાનું થાય છે, ને સાધનાની જરૂરી શક્તિને ખોઈ બેસે છે. સંન્યાસ એટલે ત્યાગની ભાવના ને યોગ એટલે પરમાત્માના મિલનના વિચારનો વિવેકી માણસે એકીસાથે સ્વીકાર કરવો જોઈએ. પરમાત્માના દર્શન માટે સાધના કરનાર માણસે વિષયોની રસવૃત્તિનો ને દુર્ગુણોનો ત્યાગ કરી દેવો જોઈએ તો જ જીવન દીપી શકે.

પરંતુ યોગની સાધના કાંઈ એમનેમ થાય છે કે ? પરમાત્માનું દર્શન કરીને ધન્ય થવાની સાધના કાંઈ પ્રમાદી બનીને બેસી રહેવાથી અથવા એકાદ બે દિવસ થોડીગણી મહેનત કરવાથી જ પૂરી થાય છે કે ? તે માટે તો ભગીરથ પ્રયાસ જોઈએ. વિચાર તો કરો કે ભગીરથ રાજાને સ્વર્ગમાં વહેતી ગંગા પૃથ્વી પર લાવતાં કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે, કેટલું તપ ને કેટલું કર્મ કરવું પડ્યુ હશે ! એક કૂવો કે સાધારણ તળાવ તૈયાર કરતાં પણ કેટલી મહેનત કરવી પડે છે ? તો આ તો અમૃતનો કૂવો તૈયાર કરવાનો છે. અંતરના અંતરતમમાં વહેતી શાંતિ, સુખ ને પૂર્ણતાની પાવન ગંગા ને ભગીરથ બનીને તન, મન ને અંતર તથા રોમરોમમાં વહેતી રમતી કે વિહરતી કરવાની છે !

- શ્રી યોગેશ્વરજી

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok