Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગીતામાતા આ પછી એક બીજી પણ જરૂરી વાત તરફ આપણું ધ્યાન દોરે છે, તે કહે છે કે યોગની સાધના કરનારે આહારવિહારની નિયમિતતા પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. અકરાંતિયાંની જેમ ઘણું ખાનાર માણસને યોગસાધનાનો આનંદ મળી શકતો નથી. તથા જે તદ્દન ખાતા જ નથી કે ભૂખ્યા ને ઉપવાસી રહે છે, તે પણ યોગની સાધના કરી શકતા નથી. એદી બનીને ઊંઘ્યા કરનારા કુંભકર્ણના ભાઈ જેવા માણસો તથા ઉજાગરા કરનારા માણસો, એ બેમાંથી કોઈયે જાતના માણસો યોગ કરી શકતા નથી. યોગસાધના માટે માણસે સંયમી બનવાની જરૂર રહે છે. બોલવામાં, ચાલવામાં, ખાવામાં ને સુવામાં નિયમિત ને નિયમનમય બનવું પડે. ખૂબ ખાવાથી શરીર સુસ્ત થાય છે, સારી પેઠે ધ્યાનાદિ ક્રિયાઓ થઈ શકતી નથી, ને ધ્યાનાદિ કરતી વખતે ઉંઘ આવે છે. તદ્દન ના ખાવાથી કે ઉપરાઉપરી ઉપવાસ કરવાથી શરીર નબળું થઈ જાય છે, ને સાધના કરવાનું કામ પણ કઠિન થાય છે. એટલે શરીરનું સારી રીતે પોષણ થઈ શકે તેવો ને તેટલો ખોરાક લેવો જોઈએ તેમજ આરામ પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ.

ગયાના વૃક્ષ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા. તેમનું શરીર કૃશ થઈ ગયું હતું. જ્યાં સુધી શાંતિ ના મળે ત્યાં સુધી વૃક્ષ નીચેથી ઊઠવું નહિ એવી તેમની ઈચ્છા હતી. તે વખતે તેમની પાસેથી ગાયિકાઓનું ટોળું પસાર થયું. તે ગાતું હતું કે, હે વીણા વગાડનારા ! વીણાના તારને એટલા જોરથી બજાવશો નહિ કે તાર તૂટી જાય ને ગીત જ ના નીકળે, તેમજ એટલી ધીરેથી પણ તેના પર આંગળી મૂકશો નહિ કે તેમાંથી સૂર જ ના છૂટે. સુંદર ને મધુર સ્વર નીકળે એવી રીતે તેના પર હાથ ફેરવજો. ગાયિકાઓનું ટોળું તો પસાર થઈ ગયું પણ તેની સ્મૃતિરૂપે જે ગીત રહી ગયું તેમાંથી બુદ્ધ ભગવાનને ઘણી જરૂરી પ્રેરણા મળી. તે પ્રેરણા પછી તેમણે સહજ રૂપે મળેલી ખીરનું ભોજન કર્યું, ને તેમને શાંતિ મળી.

- શ્રી યોગેશ્વરજી