બે જરૂરી વાતો

નવમા અધ્યાયમાં ભગવાને કહી દીધું કે તમે જ મારું જ શરણ લો, મને ભજો, પ્રેમ કરો, ને મારામય બનીને મારી કૃપા મેળવવાનો પ્રયાસ કરો. આપણે એ વાંચી કે સાંભળી તો ગયા, વિચારી પણ ગયા, પણ તે પ્રમાણે કરવાની જરૂર છે. કરવાનું કામ કેટલું બધું કપરૂં છે ! છતાં પણ તેમાંથી પાર ઉતર્યા વિના છૂટકો નથી.

સંસારમાં જુઓ તો સહેજે જણાશે કે માણસો પેટ, પૈસા, પદ ને પ્રતિષ્ઠા જેવી વસ્તુને વધારે મહત્વ આપે છે ને તેને મેળવવા માટે મહેનત કર્યા કરે છે. એ વસ્તુઓ વધારે મહત્વની નથી એમ કહેવાનો મારો આશય નથી. તેમનું મહત્વ પણ જીવનમાં છે પણ તે મહત્વને વધારે પડતું માની લેવાય ને તેને સિદ્ધ કરવાની મહેનતમાં જીવનની બીજી વધારે મહત્વની વાતોને ભૂલી જવાય, તેની સામે મારે વાંધો છે. પદ, પૈસા, ને પ્રતિષ્ઠા કરતાં પણ વધારે જરૂરની વસ્તુ માણસાઈ છે. તેની જાળવણી માણસે બધા જ સંજોગોમાં કરવી જોઈએ. તેને મૂકી દેવાથી ગમે તેવા માણસની કિંમત ઘટે છે. તે ઉપરાંત બીજી જરૂરી વસ્તુ પરમાત્માના દર્શનની છે. જીવનની પૂર્ણતાને માટે તેની પણ જરૂર છે. તેથી જીવનમાં બળ મળે છે. છતાં દુઃખની વાત છે કે માણસો ધન, પદ કે પ્રતિષ્ઠાને જેટલું મહત્વ આપે છે, તેટલું મહત્વ આ બે કિંમતી વસ્તુઓને આપતા નથી.

સંસારનું જે ભેદભાવવાળું ને ભયંકર સ્વરૂપ જોવા મળે છે તેનું એક કારણ આ પણ છે, એટલે સંસારને સુખમય, શાંતિમય ને મંગલમય કરવો હોય, તો માનવતા કેળવવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. દુર્ગણ ને દુષ્ટ વાસના તથા વિકારોની દુર્ગંધને દૂર કરવાની જરૂર છે. તેમ થાય તો જીવન સુવાસિત બની જાય. તે સાથે પરમાત્માના પૂજારી થવાની જરૂર છે. પરમાત્માની પ્રસન્નતાને માટે કામ કરવાની જરૂર છે. એ બે વાતો જો જીવનમાં ઉતરે તો સ્વર્ગની કલ્પના દૂર રહે નહિ. સંસારનું સ્વરૂપ પણ ફરી જાય. માનવ જાતિનો પ્રત્યેક પ્રતિનિધિ એ માર્ગે ક્યારે વળશે ?

આજે તો માનવજાતિને માથે દુઃખ, દર્દ ને ભયનો ભાર વધી રહ્યો  છે. વાતો શાંતિની પણ તૈયારી કે સાધના અશાંતિની થઈ રહી છે. યુદ્ધ, ખુન ને યંત્રણાની ઘેલછા હજી ગઈ નથી. શોષણ ને રંગભેદની નીતિ હજી ચાલ્યા જ કરે છે, તેને પોષવામાં આવે છે. માનવને દબાવવાના, હડધૂત કરવાના, ગુલામીમાં સબડતો રાખવાના ને ભેદભાવથી જોઈને ઊંચો ને નીચો ગણવાના પ્રયાસ હજી ચાલ્યા જ કરે છે. એક બાજુ માણસ લ્હેર કરે છે, અમનચમનમાં ફરે છે, ને માલમલિદા ઉડાવે છે. બીજી બાજુ ભુખ, દુઃખ ને કંગાલિયતને લીધે માણસો મરે છે, ટળવળે છે, ને પરવશ બને છે. તેમને જોઈને કોઈને દયા પણ આવતી નથી, ને તેમનું દુઃખ દૂર કરવાના પ્રયાસ પણ કોઈ કરતું નથી. માનવજાતિનું આ કદરૂપું ચિત્ર દૂર કરવાના કેટલાય ઉપાય છે, ને બીજા પણ કેટલાક હશે. તેમાં ગીતાએ બતાવેલા બે ઉપાય ઘણા અસરકારક છે. એક તો ચારિત્ર્યની સુધારણા ને બીજો પરમાત્માની પ્રાપ્તિ. આ બન્ને ઉપાય કિંમતી ને કામના છે તેથી તેની ભલામણ આપણે સૌને કરીશું. સુખી ને દુઃખી બંને પ્રભુનું શરણ લે ને પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે એમ આપણે ઈચ્છીશું. સુખી માણસ પ્રભુનું શરણ લઈને પ્રભુકૃપા માટે પ્રાર્થના કરશે, તો પ્રભુની કૃપાથી તેને વિવેક મળશે. પ્રકાશ મળશે, તે છકી નહિ જાય, દુઃખી પ્રત્યેનું પોતાનું કર્તવ્ય સમજવાની તેને શક્તિ મળશે. પોતાની ફરજ અદા કરવાનું બળ પણ તે મેળવી શકશે, ને દુઃખી માણસ પ્રભુની કૃપાથી તે દુઃખને શાંતિ સાથે સહન કરવાની શક્તિ મેળવશે. પ્રભુની કૃપાથી તે દુઃખની પાર પણ પહોંચી જશે, ને પ્રભુની વધારે ને વધારે પાસે પહોંચશે. ગમે તે દશામાં માણસે પ્રભુને પ્રેમ કરતાં શીખવું જ જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.