Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કુરુક્ષેત્ર મહીં જ્યારે શંખનાદ થઈ રહ્યા,
વિરોધી યુદ્ધને માટે લાલાયિત દળો થયાં;
થયો અર્જુનને ત્યારે ઘોર વ્યામોહ, એહણે
છોડ્યું ગાંડીવ ને ઊભો ખિન્નશો કૃષ્ણની કને.

ગીતા તણો સુંદર સાર્થ ત્યારે,
સંદેશ આપ્યો પ્રભુએ અનેરો;
થા ક્લૈબ્યથી મુક્ત, તને થયો કાં
વિષાદ હે અર્જુન, આ ઘણેરો ?

દીક્ષા દઈ દિવ્ય સ્વધર્મ કેરી,
સંગ્રામ કાજે શુભ પ્રેરણા કરી;
વીતી ગયેલા ઇતિહાસની એ,
કથા મહાભારતમાં બધી ભરી.

ઘોર ઘર્ષણના આજે ઓળાઓ ઉતરી રહ્યા,
હિમાલયતણા સર્વે શિખરો સળગી ગયાં,
દેવકીનંદને દીધો મંત્ર ત્યારે યુગો તણાં,
ભેદી આવરણો આવે હણતાં તમ લોકનાં;

રાષ્ટ્રના કર્ણધરોએ ઝીલ્યો સંદેશ ભવ્ય એ,
જનતાએ વળી ઝીલ્યો, કવે છે કવિ એ જ કે-

અનીતિ સામે નતશીશ ના થા,
ઓ દેશ મારા, લલકારતાં ગા;
ગુલામ આવે કરવા તને જે,
પરાસ્ત તેને કરવા ખપી જા !

દબાવવા જે તુજને મથી રહે,
વિવેકની વાત અનેકધા કહે,
છતાં ન માને, તુજને ડરાવે,
તેના થકી ના ડર, દીન ના થા.
પરાસ્ત તેને કરવા ખપી જા !

અસત્ય ને દંભથકી ડર્યા વિના,
ને સત્યના પંથથકી ડગ્યા વિના,
ધપી રહે આગળ દેશ મારા !
અનીતિ સામે નત શીશ ના થા !

સંદેશ આપતાં ઊભો આજે યે એ જ પ્રેરણા,
સ્વાતંત્ર્ય સાચવે મોંઘુ પછીથી દેશ કેમ ના !

- શ્રી યોગેશ્વરજી