બધીયે બીક હવે તો ગઈ !
ચોર ડાકુ કે દુશ્મન સામે,
પ્રજા સુતેલી જે આરામે
જાગી આજે, હિંમતથી ને
લડવા એક થઈ ! ... બધીયે
હિમગિરિ કેરાં શ્રૃંગો પરથી,
દુશ્મનદળ આવેલાં ઉમટી;
મારી હઠાવવાને દોડ્યાં
સર્વે સાદ દઈ ! ... બધીયે
દેશપ્રેમથી પ્રાણ ભરીને,
ભ્રાંતિ બધીયે દૂર કરીને,
રક્ષા કાજે લડવા લાગી
જનતા શપથ લઈ ! ... બધીયે
ગુલામ કોઈ કરી ન શકશે,
આઝાદી ભારતની ટકશે;
પ્રતીતિ એવી દુશ્મનને પણ
લડતાંવેંત થઈ ! ... બધીયે
- શ્રી યોગેશ્વરજી

