કોઈ ગુલામ ના તને શકશે કરી ફરી,
ઓ દેશ ભારત, દુશ્મનોથી ના જતો ડરી.
હાંસલ છે આઝાદી કરી, ભોગો ધર્યા મોટા,
કોઈ કરી ના શકશે તારાં, સ્વપ્નને ખોટાં.
દૃઢતા ભરેલી કૂચ કરજે, કૂચ તું આગે,
સમૃદ્ધ થતાં વાર તને, વધુ નહીં લાગે.
કંટક ભલે હો પંથ એને, દૂર દે કરી,
ઓ દેશ ભારત, સંકટોથી ના જતો ડરી.
યાત્રા મુસીબતથી ભરેલી, એકલી જ છે,
કંપાવશે પણ કાળજાને, લેશ નહીં એ.
ઝેરી હો ઝંઝાવાત ભલે, નૃત્ય કરે કાળ,
તાંડવ કરી પ્રલયાગ્નિથી, ભરી દેજે ફાળ !
હિંમત થકી આગે બઢી લે, વિજયને વરી.
ઓ દેશ ભારત, વેદનાથી, ના જતો ડરી.
બંદી તને કરવા જતાં, બનશે સ્વયં બંદી,
સ્વાતંત્ર્ય તારું કાળ યે, શકશે નહીં નંદી;
ઓ સંસ્કૃતિના સૂત્રધાર, શાંતીના સ્વામી !
પુરુષાર્થ કરી લે શુભાશિષ ઈશની પામી.
લાખો ઉપાયે આત્મ તારો, ના શકે મરી,
ઓ દેશ ભારત, વાદળાંથી ના જતો ડરી.
- શ્રી યોગેશ્વરજી

