ધર્મનો સાર

વડોદરા.
તા ૪ જાન્યુ. ૧૯૪૧.

ભાઈ નારાયણ,

પત્ર વાંચીને આનંદ થયો. હજુ શ્રી અરવિંદનો પત્ર મળ્યો નથી. અધીરાઈ વધતી જાય છે. થાય છે કે જલદી ઉત્તર આવે તો સારું. પરીક્ષા પાસે હશે. અભ્યાસ કર્યો હશે. સફળતા ઈચ્છું છું. મિત્રોને વંદન કરું છું.

જ્યારે જ્યારે જગતમાં વેરઝેર વધ્યાં છે ને અધર્મને ઓથે અનેક જાતની જ્વાલાઓ ઉત્પન્ન થઈ છે ત્યારે ત્યારે ભારતના ભવ્ય ભાલમાંથી એકાદ કિરણ છૂટ્યું છે. જગતને જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતે તેને જીવન આપ્યું છે. જ્યારે માનવતાનો છેક જ ધ્વંસ થયો છે ત્યારે ત્યારે ભારતના તપસ્વીનાં પગલાંથી પુનિત થયેલા પ્રદેશમાંથી એકાદ ધર્મમૂર્તિનો સ્વર બહાર આવ્યો છે. છેલ્લાં સો વર્ષનો આપણો ઈતિહાસ જોતાં જણાશે કે દયાનંદ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રામતીર્થ ને તે પછી ગાંધીજી, અરવિંદ, ને ટાગોર-એ મહાપુરુષોએ હિંદને ઉન્નત રાખવામાં ફાળો આપ્યો છે. આ બધા પરથી જણાય છે કે ભારતનું ભાવિ ઉજ્જવલ છે ને તેના સુવર્ણકાળની ઉષા પ્રગટી ચૂકી છે. (ખરી રીતે જોતાં તો આજે જેટલી ધર્મની જરૂર છે તેટલી બીજા કોઈ કાળે ન હતી.) એ ધર્મમૂર્તિ તો છે, ને હશે, પણ એના ધર્મયુદ્ધમાં અનેક સૈનિકોની જરૂર પડશે, જેવી રીતે રામને વાનરોની જરૂર પડેલી. એવે વખતે સાગર પરનો પુલ બંધાતો હતો ત્યારે પેલી ખીસકોલીએ જેમ થોડીક રેતી મૂકીને જ કૃતકૃત્યતા માની હતી તેમ આપણે પણ એ વિરાટ કાર્યમાં થોડાક પણ મદદગાર થવા અત્યારથી જ ઉદ્યત થવું જોઈએ. આપણા આત્મબળને આપણે ખીલવવું જોઈએ અને આપણી સંસ્કૃતિને પૂરેપૂરી સમજી લેવી જોઈએ.

સર્વ ધર્મોનો સાર એ જ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, તિરસ્કાર, અશાંતિ, વાસના, ઈન્દ્રિયોની ગુલામી વગેરેમાંથી મુક્તિ મેળવવી ને પ્રેમ, શાંતિ, દયા, પરોપકાર, અહિંસા, અભય વગેરેને હૃદયમાં રંગી દેવાં. જેટલે અંશે આપણે એમ કરી શકીએ તેટલે અંશે આપણે જીવ્યું સાર્થક કહેવાય. એટલું આપણે કરી શકીએ, ને કોઈ પણ કરી શકે છે, તો આપણે મહાનમાં મહાન થઈ શકીએ, કેમકે મહાન પુરુષો બીજું કાંઈ નહિ પણ આમાંના એકાદ બે ગુણોના વિકસાવનારા જ હોય છે. દાખલા તરીકે ગાંધીજી સત્ય ને અહિંસાના પૂજારી છે. નેપોલિયન અભયનો પૂજારી હતો. સિકંદર સાહસનો હતો. ઈશુ એ પ્રેમ ને સ્વાર્પણની પ્રત્યક્ષ પ્રતિમા હતી, ને એવી જ રીતે બુદ્ધ એ ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અથવા અનુકંપાના અવતાર હતા. એક ગુણના બળથી બીજા ગુણો આપોઆપ આવે છે. આપણે શુદ્ધિનો યત્ન કર્યા જ કરીએ એ બહુ સારું છે. એ પ્રયાસ એવો છે કે જે એને આચરશે તે પોતાના હૃદયમાં સ્વર્ગ ઊતરેલું જોશે. સુખને માટે, પછી તે વ્યક્તિગત હોય, સામાજિક હોય, કે આખા જગતને લગતું હોય, આના વિના કોઈ પણ મહાન ઉપાય છે નહિ. હિટલર આટલો મહાન છે તેનું કારણ તેનામાં અવગુણ વધ્યો છે એ છે. એ દિશા અવળી છે. એટલે જીવનમાં આપણે ગમે તે કરતા હોઈએ, કુટુંબનું સુખ જોઈતું હોય તો પણ, આ ગુણો સાધવા તરફ આપણી દૃષ્ટિ રહેવી જોઈએ. જેને જેને સાચી શાંતિ જોઈતી હશે તેણે એક વાર તો તેમ કરવું પડશે.

પુસ્તકોમાંથી પૂજાલાલનો કાવ્યસંગ્રહ ‘પારિજાત’ સારો છે. ‘બુદ્ધ ને મહાવીર’, ‘જીવનશોધન’, ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ એ પુસ્તકો વાંચવા જેવાં છે. કંઈ નહિ તો વિવેકાનંદના વ્યાખ્યાનો ઉત્તમ છે. હમણાં મેં ‘સત્યાગ્રહ ને અસહયોગ’ વાંચ્યું છે. બહુ જ સુંદર છે. દરેકે વાંચવા જેવું છે. એમાં ભારતના પ્રાચીન ગૌરવનો ઈતિહાસ આલેખ્યો છે. ભારત કેટલું બધું ઉન્નત હતું ! ભારતનાં બાળકો કેવાં હતાં, જીવન કેવાં હતાં ! ભારતની શિક્ષણપ્રથા, લગ્ન સંસ્થા, સામાજિક વ્યવસ્થા, રાજકરણ પ્રથા, બધું ઉત્તમ હતું. શિલ્પ, સંગીત, ચિત્ર, જયોતિષ, બધામાં ભારત આગળ હતું. રસાયન, ઔષધિ, આધ્યાત્મિકતા, એમાં ભારતે ખૂબ જ પ્રગતિ સાધી હતી. ભારતમાં વીર હતા, સતીઓ હતી. ભારતનું ઋષિત્વ હવે રહ્યું નથી. જન્મભર બ્રહ્મચર્ય પાળનારા યુવાનોને બદલે હવે નપુંસક જેવો યુવાનો રહ્યા છે. લગ્નસંસ્થાની પવિત્રતા પણ ઓછી રહી છે. લગ્નસંસ્થાની પવિત્રતા પણ ઓછી રહી છે. સામાજિક સુધારો, કેળવણી, ચારિત્ર્ય, દરેક બાબતમાં આપણે પાશ્ચાત્ય પવનથી રંગાવા માંડ્યા છીએ. આના જેવું ખરાબ કંઈ નથી. આપણે સત્વર શરીરને સુધારવું જોઈએ, ઋષિનું જ્ઞાન લેવું જોઈએ, હૃદયના ગુણ ખીલવવા જોઈએ, તો જ આપણે સાચા સ્વદેશી કહેવાઈશું . હિંદની ભૂમિ પર જન્મ લઈને જે પોતાનું જીવન વ્યર્થ વિવાદ, ખાવું, પીવું ને મરવું તથા ઈન્દ્રિયોના વિલાસો પાછળ જ ગાળે છે, તેના જેવો અધમ બીજો કોઈ નથી. આ બઘું જલદી સમજાય તેમ સારું. હજી ઘણા આ સમજતા નથી. આપણે કયાં સુધી ઊંઘીશું ?

 

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.