માયા કઠિન છે

લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૨૨ જૂન, ૧૯૪૨

ભાઈ નારાયણ,

પ્રણામ. ત્યાથી (બ્રહ્મપુરીથી) છૂટા પડ્યા ત્યારે કહેલું કે દસમી પછી પત્ર લખીશ. દસમી તો ક્યાંય ગઈ ને આજે બાર દિવસ વધારે થયા. આટલો માડો પત્ર લખું છું તેનું કારણ ? કારણ જુદું જ છે. વહેલો પત્ર લખું એવી ઈચ્છા હતી પરંતુ કોઈક સ્થાયી પ્રવૃત્તિમાં પડું ને પછી લખું તો સારું એવી ઈચ્છાને લીધે તેમ થઈ શક્યું નહિ. પ્રવૃત્તિ હજી સુધી હાથ લાગી નથી. પરંતુ ક્યાં સુધી તેની રાહ જોતાં જોતાં પત્ર લખવાના દિવસને લંબાવવો ? હવે તો આજે જ લખું છું. મેં કહેલું કે આ વખતે કદાચ મારે મુંબઈ આવવાનું થશે. પરંતુ અમારાં ગામના બે ભાઈ કે જેમની સાથે હું ત્યાં આવવાનો હતો તે ઘેર માંદગી હોવાથી રોકાઈ ગયા. એટલે હું અહીં ગઈ તા. ૧૬ મીનો આવ્યો છું. આજે પાંચ દિવસ થયા પરંતુ કયી દિશામાં કામ કરવાનું થશે ને ક્યાં જવાનું થશે એ વિષે કશું જ નક્કી નથી. છેવટે કાંઈ નહિ બને તો ત્રણચાર દિવસમાં સરકારી નોકરી કરવા કોઈ બહારગામની નિશાળમાં જવું પડશે.

     યોગાશ્રમનું કાંઈ જ થઈ શક્યું નથી. શરૂઆતમાં કાંઈક સારી આર્થિક સ્થિતિ જોઈએ. એ વિના કશું બને નહિ. ને અત્યારના ‘વરસાદના વખતમાં’ યોગની પ્રવૃત્તિ કરવી એ એક સાહસ જ લેખાય. રોગોપચાર શીખવાનો મારો વિચાર હતો ને છે પરંતુ હમણાં તો કશું બની શકે તેમ નથી. એકલો હોત તો કશું ન હતું. ગામેગામ ફરીને ઉપદેશ તથા આચરણ વાટે પ્રચાર કરત કે કાંઈક પ્રાણાયામવિદ્ ને શોધી કાઢીને (હઠયોગ જાણવાની દૃષ્ટિએ) પ્રાણાયામમાં પારંગત થઈ જાત. એમાનું કશું જ બની શકે તેમ હમણાં તો લાગતું નથી. ઈશ્વરની ઈચ્છા જુદી જ છે. ભલે, તેણે જેમ ધાર્યું હશે તેમ થશે. અત્યાર સુધી તો મેં તેના ચરણમાં શિર રાખ્યું છે ને તેણે મને માર્ગ બતાવ્યો છે. બહારથી વિચિત્ર લાગવા છતાં પણ તે દરેક માર્ગ મારે માટે સારો ને ઉન્નતિપ્રેરક નીવડ્યો છે. એટલે મને તેમાં શ્રદ્ધા છે જ. એ જ બળને લીધે હું ફરી રહ્યો છું. તે જે બતાવશે તે સારું જ બતાવશે.

    તમારે કોલેજમાં જવાનું શરૂ થયું હશે. ત્યાં ઋતુ કેવી છે ? અહીં પરમ દિવસે રાતે વરસાદ ઠીક પ્રમાણમાં પડ્યો હતો. અત્યારે તો સૂરજ છે.

    તમારે ત્યાં આવવામાં મને બહુ આનંદ આવ્યો. પરંતુ વધારે વખત રહેવાયું નહિ. એ બાજુના લોકોનો ભાવ હૃદયને કબજે કરી લે તેવો છે. ભક્તિભાવમાં પણ લોકો ઠીક માનનારાં છે. જો કે તેમાંનાં કેટલાક વધારે પડતી શ્રદ્ધાવાળાં છે. પરંતુ સૌથી સુંદર મને લાગ્યું, તે તો તે તરફનો ડુંગરાળ પ્રદેશ જ. નારાયણેશ્વરની જગા તો ગમે તેવી જ છે. પરંતુ વીરેશ્વરનું સ્થાન બહુ સુંદર છે. એવાં તો કેટલાંય સ્થાનો એ ડુંગરોની ગોદમાં હશે. એ બધાને જોવાની ખરેખર મજા જ પડે. તમારાથી છૂટા પડ્યા પછી અમે માત્ર બે જ કલાકમાં ઈડર આવી પહોંચ્યા હતા. ત્યાં સ્વામીનારાયણના મંદિરમાં ઉતરેલા. તે મંદિરની આજુબાજુ જે ડુંગરોનું દૃશ્ય છે તે ખરેખર રમણીય છે. ત્યાં શિખરો ઉપર દહેરા જેવું કંઈક જણાય છે. તે જ તમે કહેતા હતા તે સ્થાનો હશે.

     પ્રવૃત્તિ શી ચાલે છે ? તમારે ત્યાં હું આવ્યો. જુવાનો પણ જોયા. તેઓ ખરેખર ભાવવાળા છે પરંતુ એમનું એકીકરણ કરીને કોઈક પ્રવૃત્તિ કરવાનું જરૂરી છે. એ દ્વારા એમનામાં સંયમ, સેવા, ત્યાગ, એવો ગુણો આવી શકે. ત્યાગ જેવો ગુણ અત્યારે બહુ આવશ્યક છે. યુવાનોમાં જો સ્વેચ્છાપૂર્વક ગરીબ થઈ જવાની લગની લાગી જાય તો તે અવશ્ય ઉત્તમ લેખાય. તે માટે દેશનાં ગરીબ ને દરિદ્ર તથા દીનદુ:ખી લોકોનો ચિતાર તેમની આગળ હોવો જોઈએ.

     અહીં એક યોગાશ્રમ હતો તેની ખબર છે ને ? ત્યાં કામ કરનારે હવે પોતાનું નામ, પોતાનો વેશ, સર્વ બદલી નાખ્યું છે. પહેલાં જે ભગવું ઓઢતા તેને બદલે હવે ખમીસ, ઝભ્ભો, પહેરવાનું શરૂ કર્યું છે. આ પલટાનું કારણ શું ? કારણ સ્પષ્ટ છે : માયા કઠિન છે....મમ માયા દુરત્યયા...અભ્યાસ ને વૈરાગ્યનું બળ હોય તો જ તેને જીતી શકાય. પણ તે ના જ હોય તો ? તેને માટે વિનાશ જ છે. ‘સ્વામી’ કાંઈ નામ માત્ર ધરવાથી થવાતું નથી. સ્વામી તો જે ઈન્દ્રિયોનો સ્વામી થયો છે તે જ થઈ શકે છે. જીવનને જ આત્મદેવનું તીર્થ માનીને જેણે પોતાની અખિલ આરાધનાને ફક્ત એ દેવને જ ચરણે ઢાળી છે, ને જીવનને શુદ્ધિની ભઠ્ઠીમાં હોમી દઈને જેણે પરમજ્ઞાનનું નવનીત ઉતારી લીધું છે તે જ જીવનતીર્થ થઈ શકે છે. એવો માણસ આખી સૃષ્ટિનો સ્વામી થઈ શકે છે. એવી ક્યી વસ્તુ છે કે જે તેને ચરણે ના નમે ? ભલભલા શહેનશાહોની પણ તેની આગળ કાંઈ વિસાત નથી. પણ લોકોનો બહુ જ ઓછો ભાગ આ સમજે છે. બીજા તો યોગની થોડીક ક્રિયાઓને જાણી એટલે વાળ વધારવાનું શરૂ કરીને એકાદ આશ્રમને ખોલી નાખે છે ને સ્વામી થઈ જાય છે. શું યોગ વાળમાં છે ? તેમજ શું તે કાંઈ યોગની નજીવી ક્રિયાઓમાં છે ? એમ હોત તો તો બધાય વાળ રાખવા ને નાકમાં દોરડાં ઘાલવા મંડી જાત. પણ તેવું નથી. યોગ તો આત્માની મૂંગી ભાષા છે. ને જેટલા પ્રમાણમાં જગતમાં વહેતા ચૈતન્ય સાથે તાદાત્મ્ય અનુભવાય તેટલા પ્રમાણમાં તે સધાયો છે એમ જણાય છે. ખરી રીતે દંભ, અભિમાન, અહંતા, કઠોરતા વગેરે આસુરી સંપત્તિના ગુણોને કાઢી નાખીએ ને તેને સ્થાને દયા, પ્રેમ, શાંતિ, જેવા દૈવી સંપત્તિના ગુણોને લાવીને આખા વિશ્વ સાથે આપણે એક થઈ જઈએ કે આખી પૃથ્વીમાં આપણો પ્રેમ પ્રકટાવીએ ત્યારે જ યોગ શરૂ થાય છે. એ પછીની સ્થિતિમાં તો માણસ ગમે તેવાં દુન્યવી પ્રલોભનોથી પણ ચલિત થતો નથી. માન-અપમાન, સુખદુ:ખ, વગેરે દ્વંદ્વોમાં સમ રહે છે, તો પછી આવા વેશપલટા ને નામ પલટાનું તો સ્થાન જ કયાં છે ?

     અત્યારે હું ગીતા પરનું શંકર ભાષ્ય વાંચું છું. ગીતાનો સંદેશ પણ આ જ છે : યોગી બનો. આત્માની આગળ જે અશુદ્ધિનું પડળ છે તેને હરરોજની સાધના કરીને કાઢી નાખો ને સર્વ ઠેકાણે રહેલા ચૈતન્યનો અનુભવ કરો. એ વિના કોઈને શાંતિ પ્રાપ્ત થતી નથી કે કોઈને સુખ મળતું નથી. અત્યારે આપણા જીવનમાં જે પોકળતા, નિર્બળતા ને શિથિલતા લાગે છે તેનું કારણ આપણું અજ્ઞાન જ છે. જો આપણી રગેરગમાં આપણે આત્મા છીએ એ ધ્વનિ ઊતરી જાય તો આપણામાં નવીન જ બળનો સંચાર થાય.

 

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.