Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા,
તા. ૨૨ ડીસે. ૧૯૪૪

પ્રિય ભાઈ,

તારો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો.

તું પણ ખરો લાગે છે ! તને પત્ર ના લખાય એટલે એમ નહિ માનવાનું કે તારા પર આ શરીરની દૃષ્ટિ નથી. ઘણી વાર એવું પણ બને છે કે ખૂબ પ્રેમ હોય છે છતાં પત્ર લખી શકાતો નથી. કેમ કે કાંઈ લખવાની ઈચ્છા જ થતી નથી. તેનો અર્થ પ્રેમ નથી. એમ થાય ખરો કે ?

આધ્યાત્મિક વિકાસ કરવા માટે નિયમ (વહેલા ઉઠવાનો વગેરે) બનાવ્યો તે આનંદની વાત છે. પણ તેને વળગી રહેવું જોઈએ. નિયમો બનાવીને તે પ્રમાણે થોડાક સમય ચાલીએ ને પછી તેને મૂકી દઈએ તો તેનો કાંઈ અર્થ નથી. નિયમો હંમેશાં સાચવી રાખવા જોઈએ. નિયમ પ્રમાણે કરેલી સાધનાનું ફળ લાંબે વખતે જણાય છે. શરૂઆતમાં તો કાંઈ જ ફળ જણાતું નથી. ઘણી વાર કંટાળો પણ આવે છે. તે છતાં તેને છોડી દેવા નહિ.

ઊંઘને ઓછી કરવા માટે ખોરાક રાતે ના લેવાનું વિચાર્યું તે ઠીક છે. તારો પ્રયત્ન જ તને તેની સત્યાસત્યતા બતાવી આપશે. આ શરીરનો અનુભવ એવો છે કે ખોરાક બે વાર લેવાય તોય કાંઈ વાંધો નથી. અલબત્ત એક વાર લેવાથી વધારે ફાયદો છે. પણ તારા જેવા વિદ્યાર્થીએ રાતે થોડોક પણ આહાર લેવો જોઈએ. તેથી ઊંઘને કાંઈ બળ નહિ મળે. કેમ કે આવી વસ્તુઓને વશ કરવા માટે દૃઢ નિશ્ચયબળની જ ખાસ જરૂર હોય છે. રાતે નિશ્ચય કર્યો હોય કે વહેલા ઊઠવું છે તો ઊંઘની શી શક્તિ છે કે તે વધારે વખત સુધી ટકી શકે ? અને રાતે તદ્દન ના ખાવા કરતાં થોડું ખાવામાં વધારે શક્તિ જોઈએ છે એ પણ સાચું છે.

ઈશ્વરપ્રાર્થના, જપ, ગીતાવાચન ચાલુ રાખવું. પ્રાર્થનામાં ખૂબ બળ છે. વ્યાયામની જરૂર ખૂબ છે. તેથી બ્રહ્મચર્ય સચવાય છે. બ્રહ્મચર્ય નહિ સચવાય તો બધાયે વિચારો હવાના મકાનની જેમ એકીસાથે ઊડી જશે. તારો વિકાસ જાણી ખૂબ જ આનંદ થાય છે.