ચિત્તશુદ્ધિ

દેવપ્રયાગ
તા. ૧૭ જુલાઈ, ૧૯૪૫

મારા વ્હાલા આત્મા,

પત્ર તા. ૧૪ જુલાઈને રોજ મળ્યો. વાંચી ખૂબખૂબ આનંદ થયો. આર્થિક પ્રતિકૂળતા નોકરી ના કરવાને લીધે ભોગવવી પડે એ દેખીતું જ છે. મારી આંતરિક માન્યતા ને ઈચ્છા પ્રમાણે તો શિક્ષકના કામ જેવી નોકરી તારે માટે વધારે બાધક ના થઈ પડે. પરંતુ તે છોડી દીધી તો પણ કોઈ બીજું કામ મળી રહે તો લઈ લેવામાં વાંધો નથી. આર્થિક સ્થિતિ તેથી સબળ રહે છે. નોકરીને નોકરી સમજીને કરવામાં આવે તો જ બાધક છે. જીવનની પૂર્ણતાની જે મહાન સાધના છે ને જેને માટે જ વાસ્તવિક રીતે આ જીવન છે, તેના એક અંગ તરીકે તેને સ્વીકારવામાં આવે તો જરાય ખોટું નથી. ગમે તેવા સાધનસંપન્ન સાધકને પણ શરીરનિર્વાહની તો જરૂર રહેવાની જ. ને તે માટે તેણે જ્યાં સુધી સંસારમાં છે-ગૃહસ્થરૂપે છે, ત્યાં સુધી તો કોઈને કોઈ પ્રવૃત્તિ ચલાવવી જ પડવાની. કબીર, રૈદાસ, જેવા મહાન સંતપુરુષો પણ જીવનનિર્વાહ માટે ભક્તિની સાથે સાથે સામાન્ય કામકાજ પણ કરતા. ફક્ત તેમનાં ચિત્ત આઠે પહોર ઈશ્વરના ચરણોમાં આસક્ત હતા, તેમનાં હૃદય ઈશ્વરનુરાગનો ઉચ્ચોચ્ચ આસ્વાદ લેવામાં અનુરક્ત હતાં, ને તેથી જ બાહ્યવૃત્તિ તેમને માટે બાધક નહોતી થતી, કિન્તુ તે કામકાજની સામાન્ય વૃત્તિ મટીને કાર્ય થઈ જતી. હા, જીવનનિર્વાહના એક જરૂરી અંગ તરીકે એવા કારણને સ્વીકારવું જોઈએ. એવું કાર્ય લેવું જોઈએ જે કેવલ આર્થિક લાભવાળું જ નહિ, મન તથા આત્માના વિકાસમાં પણ મદદ કરનારું હોય. દુનિયાનાં અનેક કાર્યોમાંથી શિક્ષકનું કાર્ય આને માટે સારું છે પણ બીજાં કાર્યો પણ હોઈ શકે છે. હું માનું છું કે શિક્ષકનું કાર્ય કેવલ અક્ષરજ્ઞાન આપવાનું કે કાંઈક કરીને પૈસા પ્રાપ્ત કરવાનું કાર્ય નથી. તેની પાછળ મહાન ઉદ્દેશ છે. ને તેથી જ જે શિક્ષક છે તેને માથે ભારે જવાબદારી છે. તે સારાયે રાષ્ટ્રનો-રાષ્ટ્રીય જીવનનો રચયિતા છે. ને જ્યાં આને માટે અવકાશ નથી ત્યાંથી પૈસાના લોભને ત્યાગીને ખસી જવાથી શિક્ષક પોતા પર ને દેશ પર ભારે ઉપકાર કરે છે. તું લખે છે કે ‘કેટલીક વાર માત્ર ઈશ્વરની સેવામાં જ રહેવાનો વિચાર આવે છે.’ ખરું છે. પણ તે માટેનો સમય આ નથી. અત્યારે તો જે ચાલે છે તે જ બરાબર છે. ઈશ્વર જેના પર દયા કરે છે તેના હૃદયમાં પરમ પ્રેમ, અપાર કરુણા ને પવિત્રતા રૂપે પ્રકટ થાય છે. ગૃહસ્થજીવનના આવશ્યક કાર્યની સાથે સાથે ઈશ્વરારાધન કરતાં કરતાં આ સહજ રીતે પ્રાપ્ત થઈ જશે. તેને માટે બાહ્ય કર્મનો સંન્યાસ કરવાની હમણાં જરૂર નથી. દરેકને માટે વિકાસના રાહ વિવિધ હોય છે. તારો વિકાસ કોઈ પણ પરિસ્થિતિમાં થવા સર્જાયલો છે. કેમ કે પૂર્ણ વિકાસને માટે જ તારું જીવન છે. એટલે નોકરી જેવી બાહ્ય પ્રવૃત્તિને એક આવશ્યકતા માનીને સ્વીકારી લેવી.

*

બીજી વાત પ્રેમ વિશે છે. તેના ઉત્તરમાં લખવાનું કે પ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા છે. તે તો બંધનથી ઉન્મુકત કરનાર છે. માટે ઈન્દ્રિય તૃપ્તિનો પ્રેમ જે પૂર્ણ પવિત્ર પ્રેમ નથી, તેને સુસંસ્કૃત કરી આત્માના સીધા વ્યવહારમાં માણસે આવવું જોઈએ. પ્રેમમાં પણ વિકારનું તત્વ કો'કવાર (શરૂઆતમાં) આવે છે. પણ તેમાં ને મોહમાં મુખ્ય અંતર એ જ છે કે પ્રેમ મુખ્યત્વે ઈન્દ્રિયો, મન ને શરીરથી પર કોઈ તત્વના આકર્ષણરૂપે પ્રકટ થયેલી વસ્તુ છે, જ્યારે મોહ કેવલ શરીર ને ઈન્દ્રિયો પર જ મુખ્યત્વે રચાયેલી વૃત્તિ છે. એટલે પ્રેમના મૂળ સ્વરૂપને ઓળખવાથી પણ ખૂબ લાભ થાય છે. પ્રેમ એ ઈશ્વરનું જ સ્વરૂપ છે એમ માનવામાં આવે તો પ્રેમ (ભલે સ્ત્રીનો, માતાનો કે કોઈનો પણ) કદી બંધનકારક થઈ શકતો નથી. એમ જ માનવું કે દિવ્ય અનુભૂતિ વાટે પ્રકટ થતો પ્રેમ જે દેવી જગદંબા સારીયે સૃષ્ટિમાં અનેકાનેક રૂપે વ્યાપી રહી છે તે જ પ્રેમનો-તે જ દેવીનો એક પ્રવાહ છે ને દિવ્ય અનુભૂતિ પણ તે જ મહાદેવીનું જીવંત પ્રતિરૂપ છે. આવી દૃઢ  અનુભૂતિ આગળ વિકાર એક તિલમાત્ર પણ રહી શકતો નથી ને પ્રેમનો પવિત્ર સ્વાદ મળે છે. બસ. આ જ તો ઈશ્વર છે. આ જ તો ઈશ્વરનો પ્રવાહી પ્રેમોદ્વેક -અવતાર ! ધન્ય હો આવી અનુભૂતિ કરનારને ! ગૃહસ્થજીવનમાં રહીને પણ આ ઉચ્ચોચ્ચ પ્રેમરૂપી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરનારને !

*

સંધ્યા પૂજાની જરૂર હરેકને છે જ એમ નથી. તે તો એક વિધિ છે. મુખ્ય વાત તો એ છે કે તે દ્વારા ચિત્તશુદ્ધિ કરીને માણસે પોતાના પ્રેમના વર્તુલને વિશાળ બનાવવું જોઈએ, રાગ-દ્વેષથી પર થવું જોઈએ, ને ટૂંકમાં દૈવી સંપત્તિના અવતાર જેવું થઈ રહેવું જોઈએ. આ સ્થિતિ પછી સંધ્યા-પૂજા જેવી ક્રિયાઓ આપોઆપ ખરી પડે છે. પણ ઘણા પુરુષો તેવી ઉચ્ચોચ્ચ અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ તેને સાચવી રાખે છે. જેમ કે તોતાપુરી. તારી પણ આ સ્થિતિ થાય એ સ્વાભાવિક છે. તેને માટે સંધ્યા ભલે ના કરે. પરંતુ રાતે અથવા સ્નાનાદિ કર્યા પછી વહેલી સવારે પૂજાને નામે પણ એક સ્થાને બેસવું તો જોઈએ જ. તે સમયે જપ કરવા બહુ ઉપયોગી છે. ૦॥-૦॥। કલાક જપ કરવા જોઈએ. તેની શરૂમાં ને અંતમાં પ્રાર્થના કરવી જોઈએ. ઉપરાંત દિવસના સારાયે ભાગમાં કોઈ પણ કામ કરતાં માનસિક રીતે જપ કરવાનો અભ્યાસ રાખવો જોઈએ. સંસારનો, કામિની-કાંચનનો ને માન પ્રતિષ્ઠાનો મોહ છોડીને જેમણે પોતાનું જીવન ઈશ્વરપરાયણ કર્યું છે ને તે વાટે પરમ શાંતિ મેળવી છે એવા મહાપુરુષોના જીવનનું પણ વારંવાર મનન કરવું જોઈએ. આથી પરાભક્તિ (જેમાં પ્રેમ ને આંસુનો સમાવેશ છે તે) નો વિકાસ થાય છે. આંસુને તથા પોકારોને જ સર્વસ્વ માની લેવાની જરૂર નથી. વિરહને ને વ્યાકુળતાને જ આખરી સ્થિતિ સમજી બેસી રહેવાનું નથી. પરાભક્તિની સાથે સાથે દિવ્ય દૃષ્ટિ પણ પ્રકટવી જોઈએ, જેમ ગોપીઓ શ્યામને માટે રોતી ને કકળતી હતી. સારાયે જગતને તેનું પ્રકટ રૂપ પણ સમજતી હતી. આવી દિવ્યાનુભૂતિ પવિત્ર હૃદય વિના શક્ય નથી ને તે જ સાધનાનું સર્વસ્વ છે. વિધિ ને ક્રિયાઓ સર્વ બહિરંગ છે. આ પરમપાવની સ્થિતિ પ્રાપ્ત થયા પછી પરમ શાંતિ પણ પ્રાપ્ત થાય છે. આંસુ ને વ્યાકુળતા ભલે થાય પણ હૃદયમાં એક પ્રકારનો આનંદ હમેશાં રહે છે. કેમ કે પ્રીતમના મિલનનો નશો સારાયે જીવનમાં વ્યાપ્ત થઈ તેને કૃતકૃત્ય કરી દે છે.

*

વાસનાઓની પૂર્ણ નિવૃત્તિ વિના શાંતિ નથી. પણ નિવૃત્તિ સાચા અર્થમાં શક્ય નથી. વાસના મનુષ્ય વિકાસમાં બાધક પણ નથી. ફકત તેનું રૂપાંતર કરવું ઘટે છે. જે જાગ્યા છે ને જેના હૃદયમાં દૈવી ને આસુરી સંપતિનો સંઘર્ષ થયો છે તે બડભાગી છે. કેમ કે આજે નહિ તો કાલે પણ વાસનાને પૂર્ણ પવિત્ર કરી તે કૃતકૃત્ય બનશે. પણ કમભાગી તો તે છે જેને જાગૃતિ નથી, ને સાંપ્રત સ્થિતિને જ જે સર્વસ્વ માને છે. આ લોકોને શાંતિનો સાચો ખ્યાલ જ નથી.

*

પ્રિય ભાઈ ! ઈશ્વરને સર્વસમર્પણ કરવાનો આનંદ કેટલો બધો છે ! તે જ બઘું સંભાળે ! આપણે કાંઈ પરવા નહિ. દુનિયામાં કદાચ આવા સંપૂર્ણ સત્યની અનુભૂતિ સ્વાભાવિક ના ગણાય. કિન્તુ અમારા એકાન્તિક કુદરતમય જીવનને માટે તો આ શ્વાસ લેવા જેટલી જ સાચી વાત છે. કેમ કે આ કુદરતી પહાડી પ્રદેશમાં વિના યાચના અમે સાનંદ રહીએ છીએ, કેવલ એના પ્રેમ મદિરાની પ્યાલીને અધરે લગાવતાં જીવીએ છીએ. તેવી સ્થિતિમાં યોગક્ષેમની ચિંતા જે કાળજીથી તે વહન કરે છે તે વિચારતાં તો હૃદય ગદગદ્ થઈ જાય છે. ને તેના પ્રેમ માટે આંસુમાં આભાર માન્યા વિના નથી રહેવાતું. ખરેખર, જેણે આ પરમ પ્રેમનો-પ્રેમ સાગરનો જરાય વિશ્વાસ પ્રાપ્ત કર્યો નથી, તે જ સંસારની અનેકાનેક વસ્તુઓમાં ભટકે છે, નાહકની ચિંતા લઈને ફરે છે.

પ્યારા ! પ્રેમ મદિરાની પ્યાલીને હાથમાં લઈ લો. તેને અધર પર ચઢાવી દો. જુઓ કેવો નશો ચઢે છે ! કેવો આનંદ આવે છે ! જીવનનું સાર્થક્ય આ એક પ્રેમ જ છે. તે પ્રેમની મદિરાના પ્રેમી થઈ જાઓ.

*

હરિશ્ચંદ્ર તથા બાબુભાઈ બંને નપાસ થયા તે જાણ્યું. કાંઈ નહિ. હિંમત તથા ધીરજ રાખી અભ્યાસ કર્યા વિના છૂટકો નથી જ.

અહીં વાતાવરણ ઘણું જ સુંદર છે. હમણાં હમણાં તો રાતે જ્યારે આકાશમાં ચંદ્રમા ખીલે છે ત્યારે આ શાંત એકાન્ત વનની કુટિયા અજબ શોભા ધારણ કરે છે. વરસાદ શરૂ થાય છે ત્યારે પણ અજબ શોભા લાગે છે.

અહીં આશ્રમાદિ પ્રવૃત્તિ જેવું કંઈ જ નથી. ખાલી એક સ્વતંત્ર કુટી જ છે. સ્થાન સુંદર છે. પોલી વાંસળીની જેવી અમારી સ્થિતિ છે. અમે તો પ્રેમની મદિરા પીને પાગલ થયેલા પ્રેમી છીએ ! જેમ ફૂંકવામાં આવે છે તેમ સૂર રેલીએ છીએ ! હા, સારાયે વિશ્વમાં એક જ તત્વની અનુભૂતિ થવાથી ને શાંતિ તથા આનંદને હૃદયમાં જ લઈને ફરતા હોવાથી હરેક કાળ ને દેશમાં અમને આરામ રહે છે.

 

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.