Wednesday, October 21, 2020

યોગનું સાચું રહસ્ય

દેવપ્રયાગ
તા. ૩૦ નવે. ૧૯૪૫

પ્રિય નારાયણ,

તારો પ્રેમપૂર્ણ પત્ર મળ્યો. વાંચી આનંદ થયો.

સૌથી સુંદર વાત તો યોગાશ્રમમાં જવાનું શરૂ કર્યું તે લાગી. જે ભાઈ અહીં આવવા ઈચ્છા કરતા હતા તે પણ યોગાશ્રમમાં જાય છે તે જાણી આનંદ થયો. બસ આવા જ રચનાત્મક નક્કર કાર્યની જરૂર છે. કેવલ ઈશ્વર ઈશ્વર કરવાથી ને ત્યાગી જીવનનાં સ્વપ્ન સેવવાથી કશું વળવાનું નથી. જો કે યોગની જે પ્રણાલિ આજકાલના યોગાશ્રમોમાં પ્રચલિત છે તે ઉપલકિયા જ છે. યોગનું સાચું રહસ્ય તેનાથી ઘણું દૂર છે, છતાં તેથી શરીર ખૂબ કેળવાય છે ને શુદ્ધ તથા સમૃદ્ધ બને છે એમાં શંકા નથી. તેની આજે ખૂબ જરૂર છે. વાસ્તવિક રીતે જોઈએ તો પૂર્ણ યોગમાં શરીરશુદ્ધિ એ પ્રાથમિક સોપાન જ છે. છતાં તે એક ખૂબ મહત્વનું સોપાન છે. કેમ કે તે દ્વારા માનસિક શુદ્ધિ તેમજ એકાગ્રતા જળવાય છે. યોગની જે પ્રણાલિમાં શરીર તરફ દુર્લક્ષ રાખવામાં આવે છે ને તેને મલિન, નિર્બલ તેમ જ જલદી ખતમ થાય તેમ રાખવામાં મહાત્માપન માનવામાં આવે છે તે કાંઈ સાચો યોગ નથી. તે તો કહેવાતા યોગમાર્ગીઓએ  ઊભી કરેલી વિકૃતિ છે. આપણા દૃષ્ટિબિંદુ પ્રમાણે તો યોગી જેમ સારાયે વિશ્વને તેમ શરીરને પણ ઈશ્વરનું મંદિર માને છે, ને એ મંગલ મંદિરને હરહંમેશ પવિત્ર રાખી તે દ્વારા પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. તથા સમય પર શરીરને પણ ચૈતન્યમય અથવા અમર બનાવી દે છે. આવું શરીર એ અવગણવાનો વિષય નથી જ.

સ્વતંત્ર વિચારની જરૂર છે ને તેવો વિચાર વિશુદ્ધ હૃદય વિના આવી શકતો નથી. અત્યાર સુધી સામાન્ય લોકોમાં યોગ તથા યોગીઓ વિશે વિચિત્ર વિચિત્ર ખ્યાલો પ્રચલિત થતા આવ્યા છે. ને તેવી જ રીતે યોગી કે મુક્ત મહાપુરુષોનો એક વર્ગ પણ તેને પુષ્ટિ આપતો આવ્યો છે. આવા પુરુષો જનસેવાને અજ્ઞાન માને છે, લોકકલ્યાણને ભ્રમ કહે છે, તથા કેવલ ત્યાગ પર જ જોર દે છે. લોકોનાં દુ:ખની વાત જોઈને કરુણા ઉત્પન્ન થવી તેને તેઓ ચંચલતા તથા હૃદયની દુર્બળતા કહે છે. જગત-કલ્યાણના પ્રશ્નોથી તેઓ અલગ રહે છે. આ કંઈક અંશે ઠીક પણ છે, કેમ કે નિતાન્ત એકાંત ને પૂર્ણ આંતરબાહ્ય ત્યાગ તેમજ કેવલ આત્મતલ્લીનતા વિના પરમ શાંતિનું મંદિર ઊઘડી શકતું નથી. જે બધુંયે ભૂલી જઈને કેવલ તેના જ ચરણે સમર્પિત થઈ જાય છે તેનું જ આલિંગન વહાલા પ્રભુ કરે છે ને તે જ પૂર્ણ પ્રિયતમનો પ્યાર પામી શકે છે. તે વિના બધું અશક્ય છે. પણ આ તો એક સાધના રહી. તેનો અર્થ એવો નથી કે જગત પર યા તો તેને લગતા પ્રશ્નો પર તિરસ્કાર કે ઘૃણા ઊપજે. જો વાસ્તવિક યોગીને માટે સર્વ કાંઈ ઈશ્વર જ હોય-ને છે જ, તો જગતને પણ તે શા માટે અવગણે ? આ બાબતમાં આજે આપણા ગુરુ ભગવાન બુદ્ધ થઈ શકે છે જેમણે દુનિયાનાં દુ:ખ દેખી, અનુકંપિત થઈ, તેને દૂર કરવા સ્વયં સાધના કરી. આ જ માર્ગ આજે હિતાવહ છે. જે દિવસે ભારતની એકાંતિક આધ્યાત્મિકતા ને તપસ્યા, જીવનની સાથે હસ્તમેળાપ કરશે ને જગતની વાસ્તવિકતા પર પ્રકાશ ફેંકશે તે જ દિવસે ભારત ખરેખર જાગશે, જગદગુરુ બનશે, ને જગતને તારશે.

કેવલ ભક્તિ કે ભાવાવેશ ને જ્ઞાનથી આજે કાંઈ જ વળશે નહીં. મનુષ્યે અવરિત પ્રયાસ કરી પોતાની આત્મતૃષાને વિરાટ બનાવવાની જરૂર છે. તે જ દ્વારા તે પ્રબળ શક્તિ પ્રાપ્ત કરશે. આવી શક્તિની ને તેથી વિભૂષિત યોગીવરોની ભારતને અને તે દ્વારા સારાયે જગતને જરૂર છે ને તે કાર્ય જરૂર થશે. એમાં લવલેશ સંદેહ નથી.

ભારતનાં દુ:ખ જોઈને કોનું કલેજું કંપી નહિ જાય ? પરંતુ દુનિયાની સ્થિતિ પણ તેવી જ દુ:ખદ છે. સાથે સાથે એ એટલું જ સત્ય છે કે ભારત એ જ જગતની ચાવી છે ને તે વિના જગતની શાંતિનું દ્વાર ઊઘડી શકવાનું નથી. ઈશ્વરની લીલાને કોણ જાણી શકે છે ? પણ જે ન જાણતા હોય ત્યારે તેના પર અવિશ્વાસ કરી નિરાશ થવું જોઈએ નહિ, ફક્ત તેને જોઈ રહેવું જોઈએ. પાછલા યુદ્ધમાં જે થયું તે પણ સહેતુક જ છે. નહિ તો કદાય ભારત તેમજ સારાયે જગત પર વધારે મોટું દુ:ખનું વાદળ આવત. આજની સ્થિતિ કરૂણ છે પરંતુ ભારતના ભાગ્ય વિશે જરાય સંદેહ નથી. ભારતની સ્વતંત્રતાનો પ્રશ્ન ઈશ્વરે પોતે હાથમાં લીધો છે. એમાં જરાય મીનમેખ થવાનો સંબંધ નથી. સુભાષચંદ્રનો પ્રયાસ ભારે પ્રશંસા માગી લે છે. એક વીર-આઝાદીનો ઈચ્છુક જે કરી શકે તે જ તેમણે કર્યું છે. પરંતુ અહિંસાનો માર્ગ જ ભારતનો મહામાર્ગ છે એ પણ સમજી લેવાની જરૂર છે.

*

ચોક્કસ કાર્યદિશા માટે પ્રેરણા થાય એ સમય હજી દૂર છે. હમણાં તો યોગ સાધના કરી શરીર મનને સુંદર બનાવવાની જરૂર છે. બ્રહ્મચર્ય સાથે જ્ઞાનભંડોળ અને હૃદયની દિવ્યતા સાચવવાની છે. તે જ મુખ્ય વસ્તુ છે. હમેશાં જીવનનું ધ્યેય ઉચ્ચોચ્ચ રાખવું જોઈએ. યાદ રાખો કે તમારા કરતાં ને તમારા સંકલ્પ કરતાં વધારે મહાન જીવન તમને કોઈ પ્રદાન કરી નહિ શકે. દરેક મનુષ્યનું જીવનનું લક્ષ્ય અલગ અલગ હોય છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય છે. ગાંધીજી જે કાર્ય કરવા આવ્યા છે તે કાર્ય તે કરશે જ, પણ અરવિંદને તે કાર્ય માટે ફરજ પાડી શકાય નહિ તેમજ તે ન કરવા બદલ દોષ પણ દેવાય નહિ. જે કામ અરવિંદનું છે ત્યાં ગાંધીજી ચંચુપાત પણ કરવાની જરૂર નહિ જુએ. મુખ્ય વસ્તુ એ છે કે નાનાં નાનાં કાર્યોમાં ને નજીવી ચળવળોમાં ક્ષણિક આવેશને લઈને તારા જેવા આત્માએ બલિ થવાની જરૂર નથી. તારું જીવન ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ માટે છે. ઈશ્વરપ્રાપ્તિ એ જ તારા જીવનનો મહિમા છે, એ ભૂલવું જોઈએ નહિ. હરેક ક્ષણ આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખીને જ મુંબઈની નાની-મોટી સડકોમાં ફરવાની જરૂર છે. ત્યારે તે સડકો મુક્તિના મહાન માર્ગ થઈ જશે. આત્માની પ્રાપ્તિ થાય નહિ ત્યાં લગી જીવનનો ચરમ આદર્શ સમજી શકાતો નથી. ભગવાનની દયાથી પૂર્વજન્મનું પણ સ્મરણ થાય છે એમ મેં તને એક વાર કહ્યું હતું, ને તે વખતે આ જીવનનું કાર્ય પણ સ્પષ્ટ સમજાય છે. આ વાત કેવલ અનુભવની ને ઈશ્વરની કૃપાની છે.

ઈશ્વરની કૃપા વિના જીવનની યથાર્થતા પ્રાપ્ત થતી નથી. ધન, સંપત્તિ ને ભોગ જેવી બાહ્ય વસ્તુઓમાં રહેતી આજની દુનિયા જીવનના પરમ સત્યથી તેમજ તેની યથાર્થતાથી ખૂબ જ દૂર છે. અમારી આગળ તો તે એક વામન જેવી છે. સાચું સુખ ને શાંતિ તેનાથી કેટલે દૂર-આકાશના ચંદ્ર જેટલી દૂર છે ! ને આકાશ એટલે અવકાશ, જે કદી પ્રાપ્ત થાય જ નહિ. પણ જીવનની યથાર્થતાનો મહિમા ને ઈશ્વરની શ્રદ્ધાભક્તિ-દિવ્ય જીવનની રૂચિ જગતમાં ફરી પ્રકટ થશે. વારંવાર સંહાર એ તો તેને માટેની થપ્પડો છે.

ભાઈનો પત્ર તો અહીં આવ્યા પછી આ વરસે એક પણ મળ્યો નથી. રામદાસે કુશળ સમાચાર મળ્યા છે એમ લખ્યું હતું.

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok