ધરમપુર
તા. ૨૬ મે, ૧૯૪૬
પ્રિય નારાયણ,
ઘણા દિવસ થયા તારો પત્ર નથી. કારણમાં શું સમજવું ? આળસ, અનિશ્ચિતતા કે પછી સ્વાસ્થ્યની ખરાબી ? જે હોય તે, પરંતુ આ પત્ર મળે એટલે તરત પત્ર લખજે.
ઉપર ધરમપુર વાંચીને તને લાગશે કે દેવપ્રયાગથી ધરમપુર કયારે આવવાનું થયું. તને ખબર નહિ હોય કે પંચગિનીથી મનુભાઈ અહીં આવ્યા છે. તેમની પાસે થોડા દિવસ રહેવા હું અહીં આવ્યો છું. આ સ્થળ પંજાબમાં છે ને સીમલા હીલ્સમાં ગણાય છે. કુદરતી સૌન્દર્યની દૃષ્ટિએ સુંદર છે.
તે દેશમાં જવા લખેલું તો કદાચ તું અત્યારે દેશમાં હશે. યાદ તારી વારંવાર આવતી, પરંતુ તારા પત્રની રાહ જોવી ઠીક લાગવાથી ઠેઠ આજે જ્યારે તારો પત્ર નથી જ તો લખું છું.
હમણાં શું ચાલે છે ? જીવનનું લક્ષ ઈશ્વરદર્શન છે એ કદીયે ભૂલવું જોઈએ નહીં. તારા પ્રાથમિક જીવનના સંસ્કારો ખૂબ ઊંચા છે, ને તારા હૃદયમાં આધ્યાત્મિકતાનું ચિંરજીવ ઝરણું વહે છે, જે પરિસ્થિતિ ને સ્થળ કે સમય કશાના પ્રભાવમાં આવી જઈને લુપ્ત થઈ શકે તેમ નથી. કેમ કે પૂર્વજન્મમાં તેં આ માર્ગે પ્રયાણ કર્યું છે, ને આ જીવનમાં પણ તારું અંતિમ લક્ષ તે જ છે. ઈશ્વર પોતે જ તને છોડે તેમ નથી. ને હરેક પરિસ્થિતિમાંથી બહાર સુરક્ષિત રીતે ખેંચી લાવીને તે તને પોતાને જ માટે તૈયાર રાખશે. તારો ધર્મ એટલો જ છે કે જે પ્રવૃત્તિ ચાલે છે તેને ઈશ્વરની ઈચ્છા સમજવી, ને તેનો સર્વ ભાર તેના હાથમાં સોંપીને જીવનની જે જે આરામની ક્ષણો મળે છે તેમાં તેના પવિત્ર પ્રેમથી ઓતપ્રોત થવા ઉત્કટ પ્રયાસ કરવો.
ઉત્કટ પ્રયાસ હું નિરંતર સાધના અથવા તો લગનને કહું છું. ઈશ્વરી પ્રેમને માટે સાચા હૃદયથી તલસવું જોઈએ. તેની મહાન કૃપાને માટે બને તેટલા વ્યાકુળ થઈને પ્રાર્થતા રહેવું જોઈએ. હરેક ક્ષણ તેના સ્મરણમાં પસાર કરવી જોઈએ ને પ્રત્યેક વસ્તુમાં, પ્રત્યેક વ્યક્તિને રૂપે તે છે, એમ સમજી તેનું દર્શન કરવું જોઈએ. વાસનાના થર જ્યાં લગી દૂર થયા નથી ત્યાં લગી આવો અલૌકિક અનુભવ સ્વભાવ સિદ્ધ થતો નથી. માટે વાસનાની વિશુદ્ધિ માટે હરસમય આત્મપરીક્ષણ ચાલુ રહેવું જોઈએ. પરંતુ એક વાત એવી પણ છે કે ઈશ્વરી પ્રેમનો પ્રકાશ જેટલા વધારે પ્રમાણમાં હૃદયનાં પ્રાંગણમાં પડશે તેટલા જ વધારે પ્રમાણમાં અજ્ઞાન અથવા તો વાસનાનો અંધકાર દૂર થશે. તેથી ઈશ્વરના પ્રેમને બને તેટલો વધારવા પ્રયાસ કરવો જોઈએ. આને વધારવાનો એક જ માર્ગ ઈશ્વરી કૃપાની યાચના ને નામસ્મરણ-જપનો છે.
જીવન ખૂબ જ ચંચલ છે. વૃત્તિઓ પણ ખૂબ પ્રબલ છે. તેમજ આ આંખ બંધ થાય તે પહેલાં જ જીવનના લક્ષને પ્રાપ્ત કરી લેવાનું છે. જેથી એકાદ રામકૃષ્ણદેવ જેમ આપણે પણ કહી શકીએ કે હા, મેં ઈશ્વરને જોયો છે, ને તને પણ બતાવી શકું તેમ છું. ઓછામાં ઓછી ‘ઈશ્વરને જોયો છે’ એ સ્થિતિ તો આવવી જ જોઈએ. નહિ તો આ મહામોંઘા જીવનને બીજી વસ્તુઓમાં વેડફી નાખવાનો શો અર્થ છે ?
ખૂબ પ્રેમ ને શ્રદ્ધાથી ઈશ્વરના જપધ્યાનમાં નિરંતર લાગી રહેવું જોઈએ. સાધન હંમેશ નિયમિત ને અતૂટ રહેવું જોઈએ. દર્શનની એટલી ચિંતા ના કરવી જોઈએ જેટલી પ્રેમની પ્રાપ્તિની ને હંમેશના ભજનની. જેમ શરાબીને શરાબનો નશો લાગી જાય છે, ચાહે તે બેહાલ પણ થઈ જાય છતાં તેનો ચસકો છૂટે નહિ, ભજનનો તેવો જ રસ લાગી જવો જોઈએ. ઊઠતાં, બેસતાં, હરેક કામ કરતાં નામસ્મરણ ચાલુ રહેવું જોઈએ. દર્શન થાય કે ના થાય, વહેલું થાય કે મોડું થાય. કાંઈ જ ચિંતા નથી. એ બધું ભગવાનના હાથમાં છે. તેની વાત તે જાણે. પણ આપણો ધર્મ-આપણો પોકાર કદી છૂટવો ના જોઈએ.
*
અત્યારે ઈશ્વરની ઈચ્છાથી મારા હૃદયમાં એક મહાન માર્ગની ઝાંખી થઈ છે, ને મને ચોક્કસપણે લાગી રહ્યું છે કે મારું જીવનકાર્ય આ જ છે. જો હું તને તેનું સવિસ્તાર વર્ણન કરું તો તે શક્ય નથી-દક્ષિણેશ્વર જતાં જે પત્ર તને લખેલો તેમાં તેની ઝલક હતી જ, પરંતુ એટલું તો ચોક્કસ છે કે તે એક ઈશ્વરનો નિશ્ચય છે. ને ઈશ્વરી નિશ્ચય હોવાથી તેમાં મીનમેખ કરી શકે એવી તાકાત કોઈ જ નથી. મારા હૃદયમાં જે જે પ્રેરણા આજ લગી ઉત્પન્ન થઈ છે, તેનો માર્ગ ને તેની પૂર્તિ ઈશ્વરે કર્યા જ કરી છે. એટલે થોડા જ સમયમાં આ વસ્તુ પણ થઈ જશે.....ત્યારે તે મારે માટે ને માનવતાને માટે એક મહાન આશીર્વાદ થશે.
આપણી ગાડીને નાનાં નાનાં સ્ટેશનોએ ભૂલથી પણ રોકવી જોઈએ નહીં. ગંતવ્યસ્થાન સુધી તેને ચલાવ્યે જ રાખવી જોઈએ. કોઈ પણ ભાવના, લાગણી કે બુદ્ધિના પ્રસંગથી પ્રભાવિત થઈને તેને રોકી રાખવાની નથી, પરંતુ કોમલમાં કોમલ ફૂલ જેવા છતાંયે એક જડ પત્થર જેવા-સતત મનોબળવાન થઈને-આગળ ને આગળ વધ્યે જવું જોઈએ. આ સંસારમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે. માનવની સામાન્ય વાસનાઓથી પર ને પ્રકૃતિવિજયી એવા અનેક મૃત્યુંજય યોગીઓ થઈ ગયા છે, તેવા જ યોગી થવું જોઈએ. યોગીનો અર્થ જંગલમાં જવાનો કે બધું છોડી દેવાનો નથી, પરંતુ હરરોજના જીવનમાં સાવધ રહીને દૈવી સંપત્તિમાં જવાનો, કામ ને ક્રોધમાંથી, પ્રેમ ને કરુણામાં જવાનો ને શરીરની અંદર ચેતના છે, તે આપણા સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર-આત્મદર્શન કરવાનો છે. આજે જગતની અનેકવિધ પ્રવૃત્તિ વચ્ચે આ વધારે સંભવિત નથી, પરંતુ આ દૃષ્ટિને પણ જરીયે વિસારે પાડવાની નથી....કેમ કે આના વિના જીવનની કીંમત એક કોડીનીયે નથી.
અત્યારે તો ખૂબ જ અનેરી રીતે દિવસો પસાર થાય છે. ગયા વર્ષે દેવપ્રયાગ આવવાનું થયું ત્યારથી એક નવી દિશા સૂઝી છે. તે પ્રમાણે આઠે પહોર તેમાં જ-ધ્યાનમાં પસાર થાય છે. આ વસ્તુની સિદ્ધિ સત્વર થતાં તારા જેવા બીજા અનેક આધ્યાત્મિક વિકાસ ઈચ્છતા સાધકોને ખૂબ જ ઓછા પ્રયાસે કેવલ શ્રદ્ધા ને પ્રેમ રાખવાથી જ જીવનનું અભિસ્થિત પ્રાપ્ત થઈ જશે. મારું શરીર આટલા જ માટે જન્મેલું છે કે માનવ જાતિની આગળ આધ્યાત્મિક ને યૌગિક પરિપૂર્ણતાનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દાખલો એક વાર ફરી મૂકીને તેમજ તે શક્તિનો ઉપયોગ જીવનના ને માનવજાતિના હિતમાં કરીને લુપ્તપ્રાય આધ્યાત્મિક માનસને જાગૃત કરી યોગ અથવા ઈશ્વરની અશ્રદ્ધાને ફરી વાર નિર્મૂલ કરી દેવી. જડવાદની આજની ભયંકર તાકાત સામે નાનીસૂની આત્મિક શક્તિથી ચાલે તેમ નથી, ને તેથી જ ઈશ્વરે પોતાના સમસ્ત મહિમા સાથે મારામાં પ્રકટવાનું પસંદ કર્યું છે. મને શા માટે પસંદગી આપી છે તે તે જ જાણે છે. પરંતુ આ બાબત માટે મને જરીયે શંકા નથી રહી, ને દિવસે દિવસે હું તેનો સ્વર વધારે ને વધારે સ્પષ્ટ ને તીવ્ર રૂપમાં સાંભળી રહ્યો છું. જે તેની પ્રેરણા છે તેની પૂર્તિ માટેનાં ઉપકરણ પણ તે જ તૈયાર કરે છે.... પણ આજે મારા આનંદનો પાર નથી કેમ કે પોતાનું આવું હથિયાર બનાવીને મારા જેવા દરિદ્ર પ્રેમીને ઈશ્વરે મહાન ભાગ્ય આપવા ધાર્યું છે એમ હું સમજું છું.

