દેવપ્રયાગ
તા. ૨૧ નવે. ૧૯૪૭
પ્રિય નારાયણ,
તારો નૂતન વર્ષાભિનંદનનો પત્ર મળ્યો. નવા વર્ષે તમે બધાં સુખી બનો, તેમજ પ્રેમ, દયા, સચ્ચાઈ વગેરે માનવ જીવનને દેવથી પણ ઉજ્જવળ ને મહાન કરનારા દૈવી ગુણોના શણગાર બનો, એ શુભેચ્છા.
ઈશ્વરની વધારે ને વધારે પાસે જવું એ જ જીવનનું એકમાત્ર મૂળ ધ્યેય છે, ને જીવનની બધી જ પ્રવૃત્તિ તેમજ સઘળીયે શક્તિનો ઉપયોગ એ મહાન ધ્યેયને માટે જ થવો જોઈએ. આજે પરિસ્થિતિવશ સંસારમાં આ વસ્તુ વિસરાઈ ગઈ છે.
સંસારમાં ઘણા એમ માને છે કે ઈશ્વર ને ઈશ્વરમય જીવન સુખશાંતિ ને રાષ્ટ્રીય કે સામાજિક તેમજ વ્યક્તિગત જીવનના અભ્યુદય માટે રુકાવટરૂપ છે, પણ તે તદ્દન અજ્ઞાન જ છે. મૂળ વાત તો એ છે કે દુ:ખ, અશાંતિ, પાપ, લાલસા, સર્વનું અસ્તિત્વ ત્યાં જ સંભવિત છે જ્યાં ઈશ્વરમય જીવન નથી. ઈશ્વર તો તદ્દન પવિત્ર, જ્ઞાનમય, શક્તિમય છે, તેની ઉપાસના જે કરે છે તેનું જીવન પણ તેવું જ બને છે. તેમાં અશાંતિ સ્વપ્ને પણ થઈ શકે નહિ. જે દિવસે સંસાર આ સમજી જશે તે દિવસે નવજીવનની ઉષા ઊગશે. ભારતનો આદર્શ આ પરમ જ્ઞાનની પ્રાપ્તિ ને તે જ્ઞાનની જીવનમાં સર્વ અંગોમાં પ્રતિષ્ઠા, એ જ છે. અનંતકાલથી આ આદર્શને માટે ભારત વર્ષે જીવવું પસંદ કર્યું છે, ને આને જ લીધે ગ્રીસ, રોમ જેવાં સમર્થ રાષ્ટ્રો મૃત્યુને શરણ થયાં છતાંયે તે અજર-અમર ઊભો છે. ભારતવર્ષ એટલે જ ઈશ્વર, ધર્મ, આધ્યાત્મિકતા. આ વિના ભારતનું કાંઈ સ્વતંત્ર બલ કે અસ્તિત્વ નથી. રાજકીય સ્વતંત્રતા, સામાજિક કે આર્થિક અભ્યુદય ને જીવનના બીજા સર્વ પ્રકારના પુનરૂત્થાનમાં ભારતીય આદર્શની પૂર્ણાહુતિ નથી; તેની પૂર્ણાહુતિ તો તેથીયે આગળ તે સર્વના શક્તિપ્રદાયક ઈશ્વરને પહોંચવામાં છે. ને જગતને પણ ભારતે આ જ શીખવ્યું છે. જ્યારે જ્યારે ભારત આ મહાન સત્યને ભૂલ્યું છે અથવા તો તેને ગૌણ ગણી ઉપેક્ષા કરી ચાલ્યું છે, ત્યારે ત્યારે તેને સહેવું પડયું છે, ને તેની ધરતી પર આ આદર્શનો ઉદ્દઘોષ કરતું એકાદ પ્રચંડ મહાવ્યક્તિત્વ પ્રકટ્યું છે. છેક ભગવાન કૃષ્ણ કે રામના સમયથી ઈતિહાસ આ સત્યની સાક્ષી પૂરે છે. એવો જ સમય આજે પણ ઉપસ્થિત છે. ને ઘણા જ સ્વલ્પ માણસો સમજતા હશે કે આજે થઈ રહેલા ભારતીય પુનરૂત્થાનની પાછળ કેવલ રાજનૈતિક નહિ, સામાજિક નહિ, પરંતુ આ મહાન દિવ્ય આધ્યાત્મિક, ઈશ્વરીય માર્ગનું પુનરૂત્થાન આદર્શ બની રહેલું છે. ને સન્નિકટ ભાવિમાં જ તે પૂર્ણરૂપે પ્રકાશ બની પ્રકટી ઊઠશે એ તદ્દન નિર્વિવાદ છે. ત્યારે જ ભારતની રાજકીય મડાગાંઠ પણ ઊકેલી શકશે, ને જગતમાંથી પણ હિંસા ધર્મનો લોપ થશે. ત્યારે જ જગતને નૂતન શાંતિ સંદેશ ને નવજીવનનો, શાંતિનો માર્ગ મળશે. ને ભારતમાં પ્રકટેલો આ આધ્યાત્મિક પ્રકાશ વિશ્વના સમસ્ત નાના-મોટા દેશોમાં ફરી વળશે; સર્વ દેશો તેની આગળ નતમસ્તક થશે, તેને સ્વીકારશે, તેથી પ્રેરણા પીશે, શાંતિ પામશે ને તેને પૂજશે; ને આ રીતે આવતીકાલનું ભારત પહેલાં કદીયે ન હતું તેવું સારીયે સૃષ્ટિનું સાચું ગુરુપદ પ્રાપ્ત કરશે. ભારત વિશ્વનું સંજીવન સ્થળ બનશે. આજે ભારત ને સમગ્ર વિશ્વમાં જે પરિવર્તન થઈ રહ્યાં છે, ને જે અણધાર્યા પરિસ્થિતિના સંદેશ મળી રહ્યા છે, તે આમ તદ્દન સહેતુક, ઈશ્વરના પૂર્વ નિયોજિત, તેમજ આવા મહાન મંગલને માટે જ છે. આ સત્ય હું વરસોથી જોઈ રહ્યો છું, ને હવે તો તે પ્રત્યક્ષ થવાનો સમય પણ સન્નિકટ આવી પહોંચ્યો છે. વાતાવરણ તીવ્ર ઝડપે તે તરફ જતું જાય છે. આ વખતે વૈયક્તિક રીતે જીવનને ખૂબ પવિત્ર, દૈવી ગુણસંપન્ન, આશાભર, જ્ઞાનસમૃદ્ધ તેમજ ઈશ્વરમય ને પરપીડાથી ભરેલ તેમજ પરકલ્યાણપરાયણ બનાવવાની જરૂર છે. હિમાલયના પવિત્ર સૌન્દર્યમય ને નિર્જન પ્રદેશમાંથી સમસ્ત વિશ્વ માટે મારો આ જ પ્રેમસંદેશ છે. રાતનો સમય છે. કલમ ચાલ્યે જાય છે. આ નાનકડા હૃદયમાં દુ:ખી ભારત પ્રત્યે કેવો પ્રેમ, સારી માનવ જાતિ પ્રત્યે કેવી કરૂણા ને આશા ભરી છે તે બતાવી શકાય તેમ નથી. પરમ કૃપાળુ 'મા'ને એ જ પ્રાર્થના છે કે તે ભારતને ને સૃષ્ટિને ફરી એક અખંડ, કુટુંબવત, નંદનવન કરે.

