if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૧૪ જુલાઈ, ૧૯૪૭

પ્રિય ભાઈ,

કેટલાય દિવસ પછી પત્ર લખી રહ્યો છું. બદરીનાથ જઈને આવ્યા પછી એક પત્ર અહીંથી મેં લખ્યો હતો. પણ તે મુંબઈના સરનામે લખેલો. તેથી દેશમાં કદાચ મળ્યો ના હોય એ સ્વાભાવિક છે. હવે તો મુંબઈ હોઈશ એમ માનીને આ પત્ર લખું છું.

આ વરસે ફરીથી બદરીનાથ જવાનો સુયોગ મળ્યો. હિમાલયના પ્રદેશમાં શ્રી બદરીનાથ એક મહાન સુંદર તીર્થસ્થાન છે. ઊંચા ઊંચા પહાડ ને હિમાચ્છાદિત પર્વત શિખરોથી આ પ્રદેશ અજબ રીતે સુશોભિત લાગે છે. પુરાતન સમયમાં તો ત્યાં ઘોર જંગલ હશે, પરંતુ આજે તો એક સુંદર ગામ થઈ ગયું છે, તેમ જ બધી જ વસ્તુ ત્યાં પ્રાપ્ત થઈ શકે છે. દર વરસે લાખો માણસો આ ભૂમિમાં આવે છે, ને કુદરત તેમજ ઈશ્વરીય લીલાનો આનંદ લઈ પાછા વળે છે. ખરેખર બદરીનાથ યાત્રા એ જીવનનો એક લ્હાવો છે.

અત્યારે શું ચાલે છે ? ભારતીય પરિસ્થિતિ હજી વિકટ જ બનતી જાય છે. ઈશ્વરના પ્યારા આ દેશમાં ફરી ક્યારે શાંતિ સ્થપાશે ને સુખ ફેલાશે એ જ હવે તો ઈચ્છા છે. ભારતને માથે બહુ વિપત્તિ પડી. પણ એય એક સત્ય છે કે જેની વધારે ઉન્નતિ થવાની હોય તેને ભયંકર સંઘર્ષ ને આપત્તિમાંથી પણ પસાર થવું પડે છે. ભારતને માથે આજે જે અગ્નિપરીક્ષા છે તે તેને સુવર્ણમય કરી દેશે. તેમ જ તેના સત્વને પૂરી રીતે બહાર લાવવામાં મદદ કરશે એ ચોક્કસ છે. ભાવિમાં શું છે તે ઈશ્વર જ જાણે છે. આપણે તો એક તટસ્થની જેમ તેને નિહાળ્યા કરીએ એ જ સંભવ છે.

જીવનના આજના દુષ્પરિણામોમાંથી બચવું હોય તો આપણા પોતાના વૈયક્તિક જીવનને ઉપર ઊઠાવવાની જરૂર છે. આજે માણસમાં આત્મવિકાસ, આત્મબલ કે નીતિપરાયણતા ખૂબ ઓછાં છે, તેને લીધે જ તે આજની આપત્તિમાં વધારે દુ:ખી થઈ જાય છે. જે દિવસે માણસ પોતાની અંદરના દેવને ઓળખવાની સાધના તરફ દૃષ્ટિ માંડશે, તે દિવસે જીવનની ઘણીયે યાતનાઓ અડધી થઈ જશે, ને હરેક પરિસ્થિતિ તેને માટે સુખદાયક થશે.

મારું શરીર હવે બરાબર છે. બનતો પ્રયાસ કર્યા કરું છું. ઈશ્વરની પાસે મારી જે માગણી છે તે ક્યારે પૂરી કરશે તે ઈશ્વર જ જાણે છે. એટલું નક્કી છે કે તે પૂરી થઈ જાય તો અનેક લોકોને લાભ થાય. પરંતુ આજે તો છેક અસહાય છું. હજુ શક્તિની દૃષ્ટિએ કંઈ જ નથી. આશ્વાસન કેવલ એટલું જ છે કે એ સમર્થ ઈશ્વરની ઈચ્છા વિના કોઈ સંકલ્પ કે વિચાર આપણા હૃદયમાં ઊઠી શકતો નથી, ને પ્રત્યેક વિચાર જે ઊઠે છે તે સત્ય છે, સત્ય થવા માટે જ છે; એટલે સમય પર ઈશ્વર આપણી ઈચ્છાની પૂર્તિ જરૂર કરશે; કેવલ આપણે પ્રયાસમાં લાગ્યા રહેવું જોઈએ. તેની ઈચ્છા થશે તો કંઈ જ વાર નહિ લાગે, ને તે દિવસે પંગુ પણ પર્વત ઓળંગી જશે એ નિર્વિવાદ છે. બાકી અત્યારે તો હજી શ્રીગણેશ પણ મંડાયા નથી એમ તટસ્થરૂપે આત્મપરીક્ષણ કરવાથી લાગે છે.

મનુભાઈ ધરમપુર છે. ત્યાં હમણાં ૧૦-૧૨ દિવસથી તાવ આવે છે. તેથી ચિંતામાં છે. માણસની મતિ એવી છીછરી છે કે લાભ થાય તો ઈશ્વરની કૃપા ને કંઈક અમંગલ થતું લાગે તો તેમાં ઈશ્વરની અવકૃપાને જુએ છે. પણ હરેક વસ્તુ ઈશ્વરની ઈચ્છાથી થાય છે તેમ જાણનાર કોઈ સ્થિતિમાં ધીરજ કે શ્રદ્ધા ખોઈ બેસતો નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.