if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વઢવાણ કેમ્પ
તા. ૧ ફેબ્રુઆરી, ૧૯૪૮

પરમપ્રિય નારાયણ,

તારો પત્ર તા. ૨૮ નો મળ્યો છે. વાંચી ખૂબ ખૂબ આનંદ થયો છે. તને પત્ર લખ્યો ત્યારે બેન સરસ્વતીને પણ એક પત્ર ખૂબ ખૂબ ઉતાવળમાં મેં લખ્યો હતો, જે તેને તે જ સમયે મળી ગયો હશે. ભાઈ, આ ચંચલ ને પાર્થિવ સંસારમાં પ્રેમ ને ઈશ્વરી પ્રેમ એ જ એકમાત્ર શાંતિનું ધામ છે. પ્રેમ જ એક એવી વસ્તુ છે જેનાથી જીવન સ્વર્ગસુખદ લાગે છે, અને આ પ્રેમની પરિતૃપ્તિ પાસે માણસ વેદના, દુ:ખ, યાતના, તાપ, મંથન ને બીજું બધું જ ભૂલી જાય છે. જીવન પ્રેમની પૂજા કે ઉપાસના છે, ને જે આના તરફ મોં મચકોડી ચાલે છે, તે વ્યક્તિ, સમાજ, દેશ, સિદ્ધાંત, નિયમ, પ્રણાલી, ધર્મ કે સાધના ગમે તે હો, કોઈ પણ દિવસ ઉપકારક થઈ શકતી નથી.

તારા પ્રેમને જોઈને અમે ગદગદ્ થઈ જઈએ છીએ. તું તેમ જ સરસ્વતી બંને કાંઈ કાચી માટીમાંથી બનેલાં નથી. તમે પ્રેમનાં પવિત્ર પુષ્પો છો, ને તેથી જ બંને એકઠાં મળી, હાથમાં હાથ મિલાવી, આજે જીવનમાં સુખ પામો છો. તમારું એ સુખ અક્ષય રહે, એ મારી કામના છે. સરસ્વતીનો પત્ર મારા પર કોઈ કોઈ વાર આવે છે. તેમાં કાંઈ જ પાંડિત્ય, ભાષાવિહાર કે શબ્દજાળ હોતી નથી. પણ મને તે એકથી વધારે વાર વાંચવો ગમે છે. કેમ કે તેમાં જે સ્વચ્છતા, સચોટતા ને ભાવમયતા હોય છે, તે મને ખૂબ પ્રિય છે. પાંડિત્ય, ભાષાવિલાસ ને દંભ ઘણાં જાણે છે. એવા માણસો દુનિયામાં ડગલે ને પગલે મળશે, પણ હૃદયની આવી ભાવમયતા, પવિત્રતા ને સ્વચ્છતા દેવદુર્લભ વસ્તુઓ છે, ને ઈશ્વરના અનેક આશીર્વાદ વિના તે મળી શકતી નથી. જ્યાં આ દેખાય છે ત્યાં મારું હૃદય પ્રેમને દોરે બંધાઈ જાય છે.

ઈડર જવા વિશે તારી વિગત જાણી છે. મારું માનવુ એમ છે કે હવે તો પંચમી તદ્દન નજીક છે. તો તેટલા દિવસ ઈશ્વરેચ્છા છે તો અહીં જ કાઢી નાખું. તારે તારી પ્રવૃત્તિને તોડી મરોડી નાખવી પડે, ને આર્થિક ફટકો પણ સહેવો રહે, આ વાત કાંઈ ઉપેક્ષા કરવા જેવી નથી જ. વળી પંચમી પછી મારે કોઈ કઠિન સાધનમાં પડવું પડે, તો તારે તો મુંબઈ તરત જ ફરવું પડે, ને તે પરિસ્થિતિમાં મને તારા વિનાનું ઈડર ન જ ગમે. એટલે પંચમી ને તે પછીનો થોડો સમય અહીં જ વીતાવું તો કંઈ ખોટું નથી. તે છતાં જો ઈશ્વરની ઈચ્છા જ હોય, ને તેવી વ્યવસ્થા સુખપૂર્વક થઈ રહે, તો તું મને ત્યાં લગીમાં અહીં જ લખજે. આપણે આનંદપૂર્વક સાથે સાથે ઈડર જઈશું, ને પંચમી પછી પણ થોડા દિવસ ત્યાં રહીશું. પણ તેવો નિર્ણય કાંઈ પણ મુશ્કેલી સહ્યા વિના ને આપોઆપ ઈશ્વરી પ્રેરણા કે ઈચ્છા પ્રમાણે થતો હોય તો જ બરાબર છે.

*

ભારતમાંથી ગાંધીજી ચાલ્યા ગયા, એ કાંઈ હવે કહેવાનું રહ્યું છે ? આ સમાચાર કેટલા કરુણ અને આકસ્મિક તેમ જ અકલ્પ્ય હતા ? મેં તે રાતે સાંભળ્યા પછી તો નજીકમાં રેડિયો પર ગયા. ત્યાં બધી વિગત સાંભળી ને સાંભળતાં સાંભળતાં મારી આંખમાંથી આંસુની ધારા નીકળી પડી ! ઊર્મિને સંયમિત કરવી પડી. ઘેર આવ્યા; પણ કાલનો આખોયે દિવસ મારું માથું ખૂબ ભારે રહ્યું. આખરે જેની કલ્પનાય ન હતી તે વાત બની ગઈ ને ભારતમાતા એક વાર ફરી અનાથ બની.

આજે આવી ચર્ચા નહિ કરીએ. ફરી ફરી કાગળમાં ને આંખમાં વેદના, દુ:ખ કે કરુણાનાં આંસુ નહિ વહાવીએ. ફક્ત એટલું જ કહીશું કે આ મહાન પુરુષે જે કર્યું છે, ભારત માટે જે સહ્યું છે, તેની જોડ ઈતિહાસમાં જડે તેમ નથી. હજારો કે લાખો વરસ પછી એક ગાંધી પાક્યા, ને હવે ક્યારે પાકશે એ પ્રશ્ન જ છે, જેનો સમ્યક ઉત્તર ભાવિ બતાવશે.

*

ગાંધીજી તો ગયા પણ ભારતની એવી કટોકટીની પળે ગયા છે કે જેની ભયંકરતાની કલ્પના પણ અસહ્ય છે. ને એટલા જ માટે વીત્યા પર દિનરાત આંસુ સારવાને બદલે, હૃદયના ઘાને કરૂણાની મલમપટ્ટી કરી, ‘હવે શું’ એ ભારતના ભાવિનો ધીરજ ને શાંતિથી વિચાર કરવાનો રહે છે. ભારતને માટે જેને દુ:ખ છે, વેદના છે, ને ભારતની અશાંતિ અને અવદશાથી જે ખરેખર અશાંત છે, તેની જવાબદારી હવે ખૂબ જ વધી છે. ને મારું મન ઈશ્વરે તે જ સ્થાનમાં મૂક્યું હોઈ, મારું હૃદય ખૂબ જ કરૂણ બની પ્રબળરૂપે હવે જાગી ઊઠ્યું છે, વેદનાનું ગીત ગાઈ રહ્યું છે. આપણી આશા ફળશે એ મારી નિશ્ચિત શ્રદ્ધા છે. જો ભારતે બચવું હોય, ને દુનિયાએ પ્રકાશ પામીને જીવવું હોય, તો મારા માર્ગ વિના આજે કોઈ જ ઠીક ઉપાય નથી, ને તે ઈશ્વરની જ પ્રેરણા છે, એટલે ઈશ્વર તરફથી જ સત્ય ને વાસ્તવિક થનાર છે, એ મારી આજની દૃઢ શ્રદ્ધા છે. સદભાગ્યે દિવસ હવે થોડા જ છે, જ્યારે મારા કાર્યની પૂર્ણાહુતિનો નિકાલ થઈ જશે, ને તેમાં લેશ પણ ગડબડ લાગશે તો હવે મને આ શરીરનો મારે માટે ને મારા સુખ માટે લેશ પણ મોહ નથી. આ દુનિયામાં મારે બીજો કોઈ જ શોખ ભોગવવાનો નથી. દુઃખથી દબાયેલાં ને તાપથી તપેલાં લોકોના તાપની આત્યંતિક નિવૃત્તિ કે શાંતિ ને ઈશ્વરી મહિમાનો સાર્વત્રિક પ્રસાર, આ જ મારું કલ્યાણકાર્ય છે. ને તે માટેની વિરાટ યોગ્યતાને પરિપૂર્ણ કરવા, શરીરને હોમી દેવાનો પણ મારો નિર્ણય છે. જગતને જે અમૃત જડ્યું છે તે એકાદ-બે વિરલ કલ્યાણકારી વિભૂતિઓના જલવાથી, તપવાથી કે વેદનામાં મરવાથી જ મળ્યું છે. ને મારે માટે પણ જો તે જ ધાર્યું હશે તો ઈશ્વરને હું તે પણ લેણું ચુકવી દઈશ. પરંતુ હું જીવતો હોઈશ ત્યાં લગી ભારતને અશાંત, દુ:ખી, દલિત કે હડધૂત થવા દઈશ નહીં, કે ઈશ્વરને કદીયે ને કોઈયે કારણથી વધારે ઉપેક્ષણીય કે વિસ્મૃત, કોઈનેય હાથે, થવા દઈશ નહીં. એ માટે જ મારું શરીર છે. એ પ્રતીતિભાવના આજે મારી રગેરગમાં રમે છે, ને લોહી કે શ્વાસના ધડકારમાં સદા ધડકે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.