if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૧-૫-૧૯૪૮

પ્રિય નારાયણ,

પત્ર મળ્યો. આનંદ થયો.

આર્થિક વ્યવસ્થા સંબંધી જાણ્યું. પણ મને આ રીતે પૈસા માટે તું પ્રયાસ કરે એ રૂચતું નથી. પરંતુ આજે કોઈ ઉપાય નથી. છતાં સહેલાઈથી મળી જાય તો જ પૈસા મોકલવા. નહિ તો કોઈની આગળ વ્યર્થ હાથ ધરવો નહીં. ઈશ્વર અમારું અહીં બરાબર ચલાવશે. માતાજીનું જવાનું હજી બરાબર નક્કી નથી. છતાં ૧૫-૨૦ દિવસમાં મોકલી દેવા વિચાર છે. ઘેર પણ તેમણે વ્યવસ્થા કરવી જોઈએ. તેથી જ તેમને મોકલવાની જરૂર છે. ઘરનો પ્રશ્ન છે ત્યાં લગી તો તેમણે તે સંભાળવો જ બરાબર છે.

આ વખતે હજી મારું મન આ પ્રદેશ ને સ્થળમાં બરાબર ગોઠતું નથી. એમ લાગે છે કે અહીંના સંસ્કાર હવે જલદી પૂરા થાય છે. જો મારે સાધનાનું કોઈ કાર્ય બાકી ના હોત તો અહીં એક દિવસ પણ રહેત નહિ. પરંતુ ઈશ્વરની ઈચ્છાનુસાર અહીં રહેવું પડશે. મારા અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરી લેવા માટે ટૂંક સમયમાં જ પ્રયાસ કરવાનો મારો વિચાર છે, ને તે રીતે મારી બધી જ મનીષા પૂર્ણ થતાં આ સ્થળને પકડી રાખવાની જરૂર રહેશે નહીં. પણ આ બધાનો મૂળ આધાર મારા કાર્યની પરિપૂર્ણતા છે, ને તે માટે આજે તો હું સતત ચિંતા ને પ્રાર્થના કરું છું.

ઈશ્વર પર શ્રદ્ધા રાખી બધું કરજે. તે ખૂબ દયાળુ છે, ને તેની દયાથી સર્વ માર્ગ સાફ થઈ શકે છે. તું જે આદર્શમય જીવનને ઝંખે છે તે જીવન ઈશ્વરકૃપાથી તને જરૂર મળશે. આત્માની શાંત આરાધનામાં, પ્રેમના વિવિધ સંબધોની પૂજા કરતાં, બીજાને મદદરૂપ થઈ રહેતાં જીવવું એ જ આપણો ભાવિ આદર્શ હશે. ઈશ્વર એ દિવસ પણ જરૂર લાવશે. આજે તેવી પરિસ્થિતિ ના હોય તેથી શું ? આ તો સંક્રમણકાળ છે ને તે તરત જ પસાર થઈ જશે.

ભારતમાં હજી અશાંતિનાં વાદળ ઊભા છે. ક્યારે આગ સળગી ઊઠશે તે કહેવું કઠિન છે. જો કે આખરે તો આ દેશને અપાર સુખ શાંતિની પ્રાપ્તિ થશે, પણ આજે તો એટલા જ અપાર અશાંતિના કાળમાંથી તે પસાર થઈ રહ્યો છે. દેશ ને માનવ-જાતના આ કષ્ટકાળમાં ઊપયોગી થઈ પડવાની આપણી મહેચ્છા છે, ને તેને જ માટે આ સાધના છે. તે જેટલી સત્વર પૂરી થશે તેટલી જ કલ્યાણપ્રદ છે એમાં શંકા નથી. પ્રયાસ કરું છું, સફળતા જરૂર મળશે, કેમ કે આ તો તે જ ઈશ્વરની ઈચ્છા ને વિધિના લખેલા લેખ છે. આ વખતે તો પૂરું કર્યે જ અટકવું છે.

અહીં માતાજી કુશળ છે. તથા તમને બધાંને વારંવાર યાદ કરે છે. માતાજી પણ હમણાં તો અહીં આનંદમાં રહે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.