Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મદ્રાસ
તા. ૧ જાન્યુ. ૧૯૪૯

પ્રિય નારાયણ,

તા. ૨૭નો પત્ર મળ્યો છે. આનંદ થયો. પત્રની રાહ જ જોતો હતો. ઉપરાંત ભાઈ વિઠ્ઠલ પણ કાંઈક લખે તેવી ઈચ્છા હતી. એ ઈચ્છા પૂર્ણ કરતા અક્ષરો આજે જોયા. તેથી આનંદમાં વધારો થયો છે.

અમારો અહીંનો નિવાસ હજી થોડા દિવસ લંબાશે એમ લાગે છે, વસંતપંચમી તો અહીં જશે જ એ નક્કી છે. પણ તે પછીયે થોડા દિવસ અહીં રહેવાનું થાય તેવો સંભવ છે. પત્ર અહીં જ લખવો.

આવતી કાલે તો ગાંધીજીની સંવત્સરી છે. એક સાંજ એવી હતી જ્યારે ભારત ને વિશ્વના એ મહાપુરુષને એક ઉદ્ધત આદમીની ગોળીના ભોગ બનવું પડ્યું. આ જ દેશના એક સ્વાર્થસાધુ ને સંકુચિત દૃષ્ટિના માનવે તેમના દેહને દૂર કરી દીધો. કેવી આકસ્મિક ને કરુણ હતી એ સાંજ ! એ સાંજ તે મહાપુરુષને જે મૃત્યુ મળ્યું તે ખરેખર અતિ કરુણ હતું. આપણાં દિલ તે સાંભળીને ઘવાયા. અને આપણી આંખનાં આંસુ પણ છૂટી પડ્યાં. કેવો માણસ ને કેવું મૃત્યું ?

ખરાબને ખરાબ કહી દે, ને કરાલને વિકરાળ કહેતાં જરાય અચકાય નહિ, એવા પુરુષો પણ આ મૃત્યુ પ્રસંગથી હાલી ઊઠ્યા. ને આ મૃત્યુને તેમણે મંગલ જોયું. ને તેનાં ગુણગાન કર્યાં. સોક્રેટિસ, ઈશુ ને ભગવાન કૃષ્ણની સાથે આ મૃત્યુને સરખાવીને આપણામાંના કેટલાયે તેને શોભા માની, ને કહ્યું કે આવું મૃત્યું કોઈકનું જ હોય. ને ગાંધીજીને માટે તો આ મૃત્યુ મંદિરના ઘુમ્મટ પરના સુવર્ણ કળશ જેવું થઈ ગયું. મૃત્યુ ગાંધીજીના જીવન જેવું જ મહાન બની ગયું.

મનુષ્યનો આ સ્વભાવ જ છે. પોતે જેને પ્રિય માને છે, તેનાં મૂલ્યાંકન કરવા બેસે, ત્યારે તે તેની મહત્તાને ગમે તેવા પ્રસંગોમાંથીયે આગળ કરવાનું નહિ ચૂકવાનો. આ વ્યક્તિ પૂજાની વાત છે. ને તે માનવસ્વભાવમાં રહેલી ખૂબી છે. આવી બાબતોમાં ઉલટો અભિપ્રાય કેટલીયે વાર આપે એવા નેહરુ ને સરદારે પણ આ પ્રસંગ વિશે આવું જ કહ્યું છે, ને વ્યક્તિપૂજાના પ્રભાવે દબાઈને આવા મૃત્યુને તેમણે મહાન ને બિલકુલ છાજે તેવું ગણ્યું છે.

પણ આ બધા પ્રવાહમાં વહેનાર વ્યક્તિ છે. આપણે તેથી બહાર છીએ. ને બહાર રહીને હું જ્યારે ગાંધીજીના મૃત્યુ વિશે વિચાર કરું છું ત્યારે મારો અભિપ્રાય જુદો પડે છે. ગાંધીજીની માનસિક ભૂમિકા એવી અનાસક્ત હતી કે કોઈયે સ્થિતિનું મૃત્યુ તેમના મનને મારી શક્યું ના હોત, તેમ જ તેમના પવિત્ર મુખમાંથી રામનામને દૂર કરી કે ભૂલવી દેવા શક્ત ના બનત. આ બરાબર છે. પણ જ્યારે ગાંધીજીના વ્યક્તિત્વનો વિચાર કરું છું, તેમની મહાનતા ને મહત્તાને સંભારું છું, ત્યારે તેમની પ્રત્યેના અપાર ને ઊંડા પ્રેમને લીધે, લાગ્યા વિના રહેતું નથી કે તેમને આવું મૃત્યુ બરાબર ન હતું. એકાદ પટુ ને રાગદ્વેષભર્યા રાજનીતિજ્ઞનું આવું મૃત્યુ થાત (ને તેવાં ખૂન અનેક થાય છે.) તો ઠીક કહેવાત. પણ ગાંધીજી.....તેમને માટે આવું મૃત્યુ બંધબેસતું, મંગલ ને જીવનને ઉજ્જવલ કરનારું માની લેવામાં મને તો લાગે છે કે ગાંધીજીની મહત્તાને ભૂલી જવામાં આવે છે. પણ કર્મ ને સંજોગ જીવનના ધ્રુવ નિયમો છે, ને તે છોડી શકાતા નથી જ. તે મંગલ જ હોઈ શકે એ હમેશાં બનતું નથી. મૃત્યુએ તેમને ન્યાય કર્યો છે એમ માની શકાતું નથી જ.

ઈશુ ને સોક્રેટિસ તેમ જ કૃષ્ણના મૃત્યુના પ્રસંગમાં ને ગાંધીજીના પ્રસંગમાં મૌલિક ફેર રહેલો છે. બાહ્ય રીતે આ ફેર જણાવો મુશ્કેલ છે. પણ ઝીણવટથી જોતાં નજરે પડ્યા વિના રહેતો નથી. તે કહું છું. ઈશુ ને સોક્રેટિસ જેવાને પોતાના મૃત્યુ વિશેની ખબર હતી. સમાજે કે રાજસત્તાએ તેમને મૃત્યુ પાસે પહોંચાડવાની ક્રૂરતા દર્શાવી હતી. તે છૂટવા ધારત તો છૂટી શકત કે કેમ એ પ્રશ્ન તેમને માટે રહી શકે છે. અલબત્ત, મૃત્યુ અવશ્યં-ભાવિ છે, પણ તે પહેલાં તેને અન્યથા કરવા જે થઈ શકે તેવા પ્રયાસો કરવાની આ મહાપુરુષોને તક હતી. તેમણે તેનો ઉપયોગ કર્યો નથી. કેમ કે જીવન-મરણ તેમને બરાબર હતાં. આ રીતે તેમણે મરણને સ્વેચ્છાએ સ્વીકાર્યું છે, એટલે કે દેહનું બલિદાન આપ્યું છે. જ્યારે ગાંધીજીનું તેવું નથી. ગાંધીજીનું મૃત્યુ એક અકસ્માત છે ને ખૂનની શ્રેણીમાં (કેવલ એક વ્યક્તિની ઈચ્છાથી અજાણમાં થયેલા ખૂનની શ્રેણીમાં) આવી જાય છે. ને તેથી જ મારું હૃદય રોઈ ઊઠે છે ને કહે છે કે ના, ગાંધીજીને માટે આવા મૃત્યુ કરતાં વધારે ઉજ્જવલ મૃત્યુ હોઈ શકત. તેમના સિદ્ધાંત પ્રમાણે યુદ્ધનો વિરોધ કરવા પોતાના દેહને ગોળીથી વીંધાવી દેવામાં કે એકતા માટેના ઉપવાસમાં અથવા વધારે સારી તો જીવનનું કાર્ય કરી નિવૃત્ત થયેલા એક મહાપુરુષની જેમ આગળથી જાણ્યે અજાણ્યે પણ, શાંતિથી શ્વાસ છોડી દેવામાં, તેમનું મૃત્યુ વધારે યશસ્વી બની રહેત એમાં સંદેહ નથી. આ મૃત્યુ યાદ કરવું ગમે તેવું નથી. પેલું મૃત્યુ યાદ કરવું, ગાવું ને ગવરાવવું ગમત.

પણ......એ વાત આટલે જ મૂકી દઈએ. વિધિ પોતાનું કામ કર્યે જાય છે. કાલે તો મૃત્યુના એ દિવસને એક વર્ષ થશે. એક વર્ષ ? હા, એક વર્ષ ! વર્ષ ઘણું ઝડપથી ચાલ્યું ગયું છે, ને તે દરમ્યાન ભારત તેમ જ જગતે કેટલુંય નવું નવું જોયું છે. હરેક વખતે આપણા હજી હમણાં જ આઝાદ બનેલા દેશને તે મહાન આત્માની ખોટ સાલી છે. સારે નસીબે આજે દેશનું સુકાન જેના હાથમાં છે તે ઘણા જ નિ:સ્વાર્થ ને સેવાભાવી ને વજ્જર છાતીના મહાપુરુષો છે. તે છે ને દોરે છે ત્યાં લગી દેશને ભય નથી. મુશ્કેલીઓ છે પણ તેમનો માર્ગ તે કરશે એ નક્કી છે. ગાંધીજીને તે બરાબર સમજેલા છે. ને પોતાના વિરાટ અનુભવથી તેમણે એ શક્તિ મેળવી છે જે દેશને કોઈ પણ સંજોગોમાં ઉજ્જવલ કરવામાં સહાયભૂત બની રહેશે. નહેરૂ ને સરદાર બે ભારતના હૃદય ને મન છે, ને તેમના હાથમાં દેશ બિલકુલ સલામત છે. આ બે પુરુષો એવા છે જે જીવશે ત્યાં સુધી દેશને માટે જીવશે, ને આખો દેશ ભૂલશે તોય દેશને માટે શ્રેયસ્કર શું છે તે નહિ ભૂલે.

પણ મારે બીજી વાત કરવાની છે. તે એ કે જે આદર્શો લઈને ગાંધીજી આપણી પાસે આવ્યા હતા, ને જે આદર્શોના સૂત્રધારરૂપે ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે આદર્શ હજી પૂરા થયા નથી. જે કાર્યક્રમ તે આદર્શોને પહોંચી વળવા ગાંધીજીએ આપણી સામે મૂક્યો હતો, તે પણ આપણે વ્યાપક રીતે હજી ખીલવી શક્યા નથી. ગાંધીજીની ઈચ્છા રામરાજ્યની હતી. રામરાજ્ય એટલે સુખ, સમૃદ્ધિ ને શાંતિ તેમ જ એકતાનું રાજ. આ કરવાનું આપણે હજી શેષ રહે છે. ને દુનિયાએ પણ તે આદર્શ પર પહોંચવા ઘણું ઘણું કરવાનું બાકી છે. એકલા રાજપુરુષો, નેતાઓ કે પ્રજાના પ્રતિનિધિઓથી આ થવાનું નથી. પ્રત્યેક પુરુષ ને સ્ત્રીની જવાબદારી છે. ને સર્વના પ્રયાસો પર આ આદર્શની પરિપૂર્ણતાનો આધાર રહે છે. આ એક ઈશ્વરનિર્મિત વસ્તુ છે, ને તે થવાની જ છે એ નક્કી છે. પણ હરેકે તેમાં સેતુબંધ વખતની ખીસકોલીનું કે તેથી વધારે ગજા પ્રમાણેનું કામ કરવું પડશે. આપણા જીવનમાં આ માટે ગાંધીજીના સિદ્ધાંતોને જાણી લેવાની જરૂર છે. તે મહાપુરુષના રચનાત્મક કાર્યક્રમના અંગમાંથી બને તેટલાંને જીવનમાં ઉતારવાની જરૂર છે. ને તેમની પાછળ સેવાની એક ભાવનાથી લાગવાની જરૂર છે. આ જ રીતે તેમના પ્રત્યેક ઋણ આપણે અદા કરી શકીએ, ને તેમના પ્રશંસક બનીએ. તે વખતની સંવત્સરીની ઉજવણી ઓર હશે, કેમ કે તે જીવનનું એક અવિભાજ્ય અંગ હશે. તેમાં પ્રાણ હશે, ઉમળકો હશે, આદર્શ હશે, સાચી પૂજા હશે. તે કેવલ આજના રામનવમી કે જન્માષ્ટમી જેવો આનંદનો જડ દિવસ જ નહીં બની રહે.

ભાઈ, ગાંધીજીનું જીવન એક દિશાસૂચન છે. જેમનામાં માનસિક, શારીરિક, નૈતિક કે આત્મિક કોઈયે શક્તિ છે, તેમને ગાંધીજી જનતા જનાર્દનની વ્યાપક સેવા કરવાનો રાહ બતાવે છે. દેશ ને વિશ્વને માટે પોતાની જાતની કુરબાની કરી દેવા ચાહનારને ગાંધીજી માર્ગ ચીંધે છે. જેનામાં વિશેષ શક્તિ છે તેમણે કયે માર્ગે ચાલવાની ને શું કરવાની જરૂર છે તે ગાંધીજી પોતાના મહાન જીવન દ્વારા બતાવી જાય છે. ખરેખર, સેવા એ જ જીવનનો ઉજ્જવલ ઉપયોગ છે.

આપણી આકાંક્ષાઓ અપાર છે. ને જીવનને બીજાના કલ્યાણમાં લગાવી દેવાની નેમ છે. મારા હૃદયમાં એક ઈશ્વર ને તેના વિરાટ પ્રતીકરૂપ જગત એ બેની સેવાનો ઉમંગ છે. ઈશ્વરનો આશીર્વાદ, તેની શક્તિ ને તેનો સાથ મેળવીને શેષ જીવનને સેવાના માર્ગ પર લગાડી દેવાનો મારો મનોરથ છે. કેમ કે તે વિના બધું ધૂળ છે. માટે હું ગાંધીજીને વારંવાર યાદ કરું છું, આદરથી વિચારું છું, ને માનું છું કે તેમનો માર્ગ એક આવશ્યક માર્ગ છે. આ દિવસે ઈશ્વરને શક્તિ ને યોગ્યતાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતાં કરતાં આ પત્ર બંધ કરું છું.

જીવનાં વિકાર, વાસના, ક્ષુદ્ર દુર્ગુણો જીતજો. ઈશ્વરને માર્ગે ચાલજો. દીન, દુ:ખી, દરિદ્ર ને સમસ્ત સૃષ્ટિને માટે કંઈક કરવાનું વ્રત લેજો. કંઈક પણ કરજો.