Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મસુરી
તા. ૧૧ ઓગ. ૧૯૫૮

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમ પત્ર મળ્યો. તમારો પ્રેમ જોઈને આનંદ થાય છે. અહીંનું વાતાવરણ હવે ફાવી ગયું છે. માતાજીની તબિયત જરા નરમ થઈ ગઈ હતી પણ હવે સારું છે. ઠંડી અહીં વધારે છે. વરસાદ પણ લગભગ રોજ પડે છે. પર્વતો ધુમ્મસથી ઘેરાયેલા રહ્યાં કરે છે ને કોઈ નવા ને સુંદર સ્વર્ગીય પ્રદેશમાં રહેતા હોઈયે તેવું લાગે છે. વાતાવરણ એકંદરે ઘણું સારું ને સ્થળ પણ નવું છે એટલે સમય સારી રીતે પસાર થઈ જાય છે ને આનંદ આવે છે. હજી અનુકૂળતા પ્રમાણે થોડા દિવસ અહીં જ રહીશું.

સાચું છે કે છેલ્લા ૬-૭ માસનાં પ્રસંગો સાધારણ માણસની શ્રદ્ધા, ધીરજ ને હિંમત ને હલાવી નાખે તેવા હતા. પરતું મારું હૃદય આ બાબત જુદી જ જાતનું બનેલું છે. સાધનાનો માર્ગ અત્યંત શ્રદ્ધા, ધીરજ, સ્નેહ ને સમર્પણનો છે. ને સારા કે નરસા, પ્રતિકૂળ કે અનુકૂળ કોઈયે પ્રસંગે આપણે મદોન્મત્ત થઈ કે હતોત્સાહ બનીને તેનો ત્યાગ ના કરવો જોઈએ. આપણી શ્રદ્ધા, આપણી જાતમાં કે ઈશ્વરી શક્તિમાં અત્યંત દૃઢ, અચળ ને અણનમ હોવી જોઈએ, ને બધાં જ સંજોગોમાં કોઈયે જાતની વિશેષ શંકા સિવાય આપણે તેને વળગી રહેવું જોઈએ. મતલબ કે આપણું સમર્પણ સાચું, સમજપૂર્વકનું, નિઃસ્વાર્થ ને સંપૂર્ણ સ્નેહવાળું હોવું જોઈએ. આ વસ્તુ સિદ્ધ થઈ જાય તો આપણું જીવન સદાય સલામત છે. તે ઈશ્વરી શક્તિના હાથમાં આપણે નિરંતર નિર્ભય બની જઈએ છીએ. તેની અંદરથી આપણો વિશ્વાસ કદી પણ ખૂટતો નથી. આ દશા કેળવવાની જરૂર છે.

માતાજી કુશળ છે ને યાદ કરે છે. તમે પણ આ વરસે ઘણાં કપરા પ્રસંગોમાં મને સાથ આપ્યો, ને ઘણું નવું નવું જોયું. તમારો પ્રેમ ને વિશ્વાસ ખૂબ અનેરો છે. તે માટે ધન્યવાદ. બહુ જ થોડા માણસો આ વખતે અણીશુદ્ધ પાર ઉતરી શક્યા. તમે પણ તેમાંના એક.