Text Size

અમૃતપદ

સાબરમતી
તા. ૧૯ એપ્રિલ, ૧૯૫૧

પ્રિય વિઠ્ઠલભાઈ,

તમારો પ્રેમપત્ર મળ્યે લાંબો વખત થઈ ગયો. છેક આજે ઉત્તર લખી શકું છું. વચ્ચે દ્વારિકાથી પત્ર લખવાનો વિચાર હતો. પરંતુ અહીં આવ્યા બાદ જ લખવાનું ઠીક રહેશે એમ માની મુલતવી રાખ્યું હતું.

છેલ્લા પંદરેક દિવસમાં નારાયણભાઈના કંઈ જ સમાચાર નથી. તેમણે રજા લીધી કે નહિ, અહીં આવવાનું નક્કી કર્યું છે કે નહીં તે જાણવા મળ્યું નથી. મારા લખ્યા પ્રમાણે તેમણે અહીં આવતી કાલે પહોંચી જવું જોઈએ. તો રવિ કે સોમવારે અમે અહીંથી ઈડર તરફ જવા નીકળી શકીએ. ને જો કોઈ કારણથી તેમણે રજા લીધી ના હોય તો હાલ બે-ચાર દિવસમાં હું મુંબઈનો કાર્યક્રમ રાખું. આ વિશે સાચી હકીકત શું છે તે તો તમારા કે નારાયણભાઈ સમાચાર દ્વારા જ જાણી શકાય. છતાં તમે આ વિશે નારાયણભાઈને ત્યાં તપાસ કરીને તેમણે શું કર્યું તે મને તરત લખી જણાવશો, જેથી મારે નકામી પ્રતીક્ષામાં અહીં લાંબો વખત ગાળવો ના પડે. તે દરમ્યાન નારાયણભાઈની રાહ પણ હું જોઈ રહ્યો છું. હવે અહીંથી બીજે સ્થળે જવા મારી ઈચ્છા થઈ રહી છે.

તમારા પત્રમાં વ્યક્ત થતી ભાવના ને લાગણી અતિ બળવાન, પવિત્ર ને અમૂલ્ય છે. આ સંસારમાં માણસો ચંચળતા, અસ્વસ્થતા ને લોભની વચ્ચે જીવન પસાર કરે છે. મનુષ્ય જીવનમાં જે મહાન શક્યતાઓ રહેલી છે તેનો ખ્યાલ વધારે ભાગનાં માણસોને નથી. પરિણામે જીવનનું કોઈ ઉજ્જવલ ભાવિ તેમનાથી નિર્મિત થઈ શકતું નથી. આ જીવન ખૂબ અમૂલ્ય છે. માણસ ધારે તો એવી કોઈ વસ્તુ નથી જે આ જીવનમાં ના થઈ શકે. પણ તે માટે ખૂબ ધીરજ જોઈએ. સંકલ્પોને વળગી રહેવાનું ને તેને માટે આવી પડે તે સહન કરવાનું બળ જોઈએ. ઉત્સાહ, ખંત ને હિંમત જોઈએ. આ બધાનો અભાવ હોવાને લીધે જ સંસારમાં જવાંમર્દો ઓછા પાકે છે, ને ઉત્તમ કામો પણ ઓછાં થાય છે. તમારામાં આ નબળાઈઓ નથી. કોઈક વાર ઊઠે તો તેને ખંખેરી કાઢવાની શક્તિ ને હિંમત છે. એટલે જ તમારે માટે ભાવિ ઉજ્જવળ છે.

જીવન કેટલું મહાન છે ? પણ માણસ એટલો પામર છે કે જીવનનો ઉપયોગ તે કરી શકતો નથી. ઉપયોગ એટલે ઉત્તમ ને યોગ્ય એવો ઉપયોગ. માણસ જીવનભર સુખને માટે વલખાં મારે છે, શાંતિને માટે ધમપછાડા કરે છે, પણ આ માટેના તેના પ્રયોગો ખોટા હોય છે. જે વિનાશી છે, સ્વલ્પ સુખ આપી શકે તેવું છે, તેની જ પાછળ માણસ બરબાદ થઈ જાય છે, જીવનને વેડફી નાખે છે. પણ જે અવિનાશી છે, નજીકમાં નજીક ને હૃદયમાં બેઠેલો રામ છે, તેને માટે કોઈ પરિશ્રમ કરતું નથી, આંસુ સારતું નથી, કે કૃતનિશ્ચય પણ બનતું નથી. આ કેવું મોટું આશ્ચર્ય છે ! પરિણામે બધી વસ્તુઓ એક વાર બરબાદ થઈ જાય છે, માણસ પોતે બરબાદ થઈ જાય છે, ને જીવનનું સનાતન સુખ, અમૃતપદ દૂર ને દૂર રહી જાય છે. માણસે સંસારમાં કદાચ બધું જ મેળવ્યું, પણ જો આ અમૃતપદ ના મેળવ્યું તો કશું જ નથી મેળવ્યું. અને આ પરમપદ મેળવ્યું તો બધું જ મેળવી લીધું એ નક્કી છે. માણસની મહત્તા બાહ્ય મૂલ્યોથી અંકાતી નથી, પણ તેના આંતરિક ઘટકોથી નક્કી થાય છે. માણસ જેટલો નીતિમાન, જેટલો સાત્વિક ને સ્વચ્છ તેટલો જ તે મહાન.

સંસારની આપણી ઘટમાળમાં આ ઉત્તમ ફિલસુફી આપણે ભૂલ્યા છીએ. એટલે જ અનેક પ્રકારનાં દુ:ખ બિલાડીના ટોપની જેમ આપણી આસપાસ ઊગી નીકળ્યાં છે. માનવ જાતિને આજે હાશ કે શાંતિ નથી. તે મેળવવા માટે મનુષ્ય ને સમાજે, દેશ ને દુનિયાએ, ઈશ્વરપરાયણ બનવું પડશે, આત્મિક વિકાસની મહત્તા માનવી પડશે, ને જીવનમાંથી આસુરી તત્વોને નિર્મૂલ કરી સત્ય ધર્મનાં દૈવી તત્વોના પાયા પર જીવનની ઈમારત ઊભી કરવી પડશે. આવી વ્યાપક નવરચના વિના આપણાં અંદરનાં ને બહારનાં અનેકરંગી દુઃખો શમવાનાં નથી. ને તે શમી જાય તો પણ શું ? માનવની અંદર રહેલા દેવતાને જ્યાં લગી સાદ કરી જગાડવામાં નહિ આવે, અસત્યમાંથી સત્યમાં, ભયમાંથી અભયમાં, વેરમાંથી પ્રેમમાં ને સ્વાર્થમાંથી પરમાર્થમાં કે સેવામાં જ્યાં લગી પ્રવેશ કરવામાં નહિ આવે, ત્યાં લગી માનવનું મુખ ઉજ્જવળ નહીં બની શકે.

હે પ્રેમ ને કરુણાના સાગર ! હે જ્યોતિર્મય પ્રભુ ! માનવને, દેશને ને દુનિયાને તું એ માર્ગે દોર ! ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા, કાવેરી, નર્મદા ને સાબરમતીથી વીંટળાયલા ને હિમાચ્છાદિત એવા આ પ્રદેશને તારી નિર્મળ ઈશ્વરી ભાવનાથી તું એક વાર ફરી ભરી દે. સારાય સંસારને નવજીવન દે.

હિંમત ને શ્રદ્ધાથી કામમાં લાગ્યા રહેજો. ઈશ્વર તમને જરૂર ન્યાય કરશે ને સફળતા આપશે. તમારો માર્ગ એવો છે, જેમાં માણસને લપસી પડવાનાં ભયસ્થાન ઘણાં છે, છતાં તમે તેમાં સાવધ રહીને આજ લગી બચી રહ્યા છો, તેમ સદા બચીને અણીશુદ્ધ રહેજો. એટલી સફળતા કાંઈ નાનીસૂની નથી. માણસનું હીર ખોવાયા બાદ જે લૌકિક સફળતા મળે છે તે કાંઈ જ વિસાતમાં નથી. માનવતા ને બાહ્ય સફળતાનો સુમેળ જ આપણે તો જોઈએ છે.

લગ્નના સંજોગ ઊભા થાય તો જરૂર લગ્નજીવન શરૂ કરજો એવી મારી ઈચ્છા છે. તમને તે બાધક નહિ બને. આ બાબતમાં વધારે સંભ્રમ રાખશો નહીં. ઈશ્વર જો સંજોગો આપે તો લાભ લઈ લેજો. તેમાં ઢીલ થાય તો શોક કરશો નહીં. કેમ કે જીવનનો આદર્શ ખૂબ મહાન છે. લગ્ન તો સાધન છે. સાધ્ય નથી.

આ વિશે વધારે વાત પ્રત્યક્ષ મળ્યે કરીશું.

માતાજી કુશળ છે. ખૂબ યાદ કરે છે. તમારા સમાચાર અહીં જ લખશો. નારાયણભાઈએ શું કર્યું તે જણાવશો. ઈડર જવાનું થાય તો તમે પણ અનુકૂળતા મેળવી સાથે જ આવવાનું રાખો તો આનંદ આવે. ઈચ્છા થાય તો રવિ કે સોમવારે સવાર સુધીમાં આવી જશો.

તા.ક. : આજે નારાયણભાઈનો બ્રહ્મપુરીથી પત્ર છે. તે આજે જ રાતે અહીં આવવાનું લખે છે. તે આજે આવશે તો અમે અહીંથી રવિ કે સોમવારે ઈડર જવા નીકળીશું. તમારી ઈચ્છા શું છે ? સાથે થવું હોય તો અહીં આવી જશો.

 

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok