Text Size

જીવનનો આદર્શ

ઋષિકેશ
તા. ૩૦ સપ્ટે. ૧૯૫૧

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર જગન્નાથપુરીમાં મળ્યો હતો. તે પછી તરત અમે ત્યાંથી પ્રસ્થાન કર્યું ને હવે ઈશ્વરી પ્રેરણા પ્રમાણે દેવપ્રયાગ જઈએ છીએ. જગન્નાથપુરીમાં કુલ પંદર દિવસ રહ્યા. દરમ્યાન ખૂબ આનંદ રહ્યો. સમુદ્ર કિનારે હંમેશાં ફરવા જવાનો આનંદ અજબ હતો. જો કે મોંઘવારી ને ગંદકી ત્યાં ખૂબ હતી, પરંતુ રહેવાની ધર્મશાળા ને મંદિર સુંદર હતાં. તેથી બધો સમય આનંદમાં વીતી ગયો.

ત્યાંથી મુંબઈ આવવા વિચાર હતો. તે માટે મેં નારાયણભાઈને સૂચના પણ લખી હતી. પણ કોણ જાણે કેમ, તેમનો ઉત્તર હજી સુધી મળ્યો નથી. મહુવાથી પણ નિમંત્રિત કરતો તાર આવ્યો હતો. પરંતુ 'મા'ની ઈચ્છા જુદી જ હતી. ને તેની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે એ નક્કી છે. માણસ તો હથિયાર માત્ર છે. તે ઈચ્છાને માન આપીને આવતીકાલે દેવપ્રયાગ પહોંચીશું. હવે વરસાદ નથી. એટલે ખાસ મુશ્કેલી નહીં પડે. વળી ઠંડી પણ હજી શરૂ થઈ નથી. આબોહવા એકંદરે ખૂબ સારી છે. વળી ત્યાં રહેવાનો વિચાર પણ વધારેમાં વધારે દિવાળી સુધીનો જ છે. તે પહેલાં નીકળાય તો ઠીક, નહિ તો દિવાળી બાદ ગુજરાત તરફ આવવા નીકળીશું. ઈશ્વરની લીલામાં કંઈ ને કંઈ રહસ્ય જરૂર હોય છે. તે પ્રમાણે આ વખતે ફરી દેવપ્રયાગ લઈ જવામાં 'મા'ની કંઈ દૈવી ઈચ્છા જરૂર હોવી જોઈએ. 'મા'ની કૃપા થઈ જાય તેને માટેના મારા પ્રયાસ લાંબા વખતથી ચાલુ છે. તેની પૂર્ણાહુતિ માટે આ પ્રસંગ 'મા'એ છેલ્લે છેલ્લે યોજ્યો છે એમ મને લાગે છે. સાધનાને સફલ કરવા દેવપ્રયાગ નિવાસ દરમ્યાન મારાથી બને તેટલા પ્રયાસ હું જરૂર કરીશ, ને શ્રદ્ધા છે કે 'મા'ની પૂર્ણ કૃપા મેળવી શકીશ. દિવાળી પહેલાં આ વસ્તુ સાધી શકું તો મારું જીવન સફળ થઈ જાય ને, દેવપ્રયાગ અમરધામ બની જાય. તેમ જ ગુજરાત યાત્રા મારે માટે મંગલ નીવડે. શ્રદ્ધા ને આશા તો પૂરી છે. બાકી કામ 'મા'ના હાથમાં છે. શું થાય છે તેની ખબર હવે પછીના દિવસોમાં પડશે. ને તે પ્રમાણે સમાચાર આપી શકીશ હાલ તો આટલું જ બસ છે.

સંસારનાં અનેકવિધ આવરણો વચ્ચે રહીને પણ સમજુ માણસે કદી ભૂલવું ના જોઈએ કે માનવજીવનનો આદર્શ ઈશ્વરપ્રાપ્તિ છે. આ આદર્શ પ્રત્યે સદા જાગ્રત રહી તેને પોષક જીવન બનાવવા માણસે સદા પ્રયાસ કરવો જોઈએ. જીવન અત્યંત કીમતી છે. તે કેવલ ભોગવિલાસ માટે કે જેમતેમ જીવી જવા માટે મળેલું નથી. તે તો મુક્તિનું દ્વાર છે. મનુષ્યત્વમાંથી દેવત્વ ને છેવટે ઈશ્વરત્વ મેળવવાનું તે તો મહાન સોપાન છે. ક્ષુદ્ર વૃત્તિ ને વિકારોને વશ કરી, મનને સ્થિર કરી, અહંતા ને મમતા તેમજ આસક્તિને હઠાવી દઈ પરમાત્માની આરાધના કરવાનું તે ક્ષેત્ર છે. તે ક્ષેત્રનો ઉપયોગ કરી કેટલાય બડભાગી માનવો વીતરાગ, પૂર્ણ ને મુક્ત બની ગયા. જીવનની કીમત તે સમજી ગયા, ને તેથી ક્ષણેક્ષણ તેમણે એવી રીતે ખરચી જેથી આત્મસુધારણા દ્વારા તે પરમપદની પ્રાપ્તિ કરી શકયા. જે એક માણસે કર્યું છે તે કોઈ પણ કરી શકે છે. દરેકની પાસે વિવેક છે ને પોતાની શક્તિનો ઉપયોગ કરવા સૌ કોઈ સ્વતંત્ર છે. પણ વધારે ભાગના માણસો ધૂળ જેવા સંસારના પદાર્થો પાછળ જ શક્તિ વેડફી છે, ને જીવનનો પૂર્ણતા માટે ઉપયોગ કરી શકતા નથી એ ખૂબ દયાજનક છે.

તમારા જીવનમાં છેલ્લે છેલ્લે જે પ્રસંગ બની ગયો તે પરથી તમે હવે મન હઠાવી લીધું છે તે જાણી મને આનંદ થયો છે. આ જીવનને ઉજ્જવળ બનાવવું હોય, ને કોઈ મહાન આદર્શ માટે તેને ફના કરવું હોય તો લાગણીને ઉશ્કેરી મૂકી બેચેન બનવાને બદલે પ્રત્યેક પ્રસંગનો સ્થિરતાથી ને નિષ્પક્ષપાત રીતે વિચાર કરીને કોઈપણ વ્યક્તિ કે વસ્તુમાં બંધાયા વિના જ જીવવું જોઈએ. મમતા ને આસક્તિ સદાયે દુ:ખદાયક હોય છે. તેનાથી પર થઈને સંસારમાં અનાસક્ત બની જીવવું કપરું છે. પણ જીવનનો સાચો સ્વાદ અનાસક્ત થવામાં જ રહેલો છે. તે પછી જે જાગે છે તે નિ:સ્વાર્થ, વિષયસુખની ઈચ્છા વિનાનો, ને તેથી સુખદ હોય છે. આજે સંસારમાં વિદ્વાન ને મોટા કહેવાતા ઘણા લોકો વિષયી પ્રેમસંબંધમાં જ પડેલા છે. માનવતાની તે શરમ છે. મમતા કેવળ ઈશ્વરમાં જ હોવી જોઈએ. હૃદયનું સમર્પણ કેવળ ઈશ્વરને જ થવું જોઈએ. ને સ્વાર્થસંબંધ પણ તેની સાથે જ થવો જોઈએ. પણ આ જ્ઞાન માણસને ક્વચિત જ થાય છે, ને થાય છે ત્યારે કેટલીક વાર ઘણું મોડું થઈ ગયું હોય છે. સંસારની પાછળ તેની શક્તિ એટલી વેડફાઈ ગઈ હોય છે કે ઈશ્વર-સાધનના કામમાં તે ભાગ્યે જ વળી શકે છે. મમતા ને લાગણીના ભાવને તમે જે હિંમતથી ખાળી દીધો છે તે માટે તમને ધન્યવાદ ઘટે છે. તે વર્તન ‘વીર ક્ષત્રિયને’ છાજે તેવું જ છે.

કામકાજ સારી પેઠે ચાલતું હશે. રામુભાઈ સાથે મનમુટાવ ચાલે છે પણ બીજું ચોક્કસ કામ મળે નહીં ત્યાં લગી તેમની સાથે નિભાવવું સારું જ છે. તમે ઘણાં કષ્ટ સહ્યાં છે. પ્રભુ તમને બદલો જરૂર આપશે. ફક્ત હિંમત ના હારતા. આશા ને ઉત્સાહથી કામ કર્યે જજો.

દેશમાં જવાનું થયું તે જાણ્યું. માતાપિતા કુશળ હશે. અનુકૂળતા હોય તો યોગ્ય લાગે તો સંબંધ કરી લેજો. તમારા જીવનમાં તે પણ જરૂરી છે.

માતાજી કુશળ છે. યાદ કરે છે.

 

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok