કુંડલિનીની જાગૃતિ

પ્રશ્ન : જેની અંદર કુંડલિનીની જાગૃતિ થઈ હોય તેને સંસારની વસ્તુઓનો મોહ રહી શકે ખરો ?
ઉત્તર : કુંડલિનીની જાગૃતિ એક વસ્તુ છે અને સંસારની વસ્તુઓનો કે વિષયોનો મોહ એ જુદી જ વસ્તુ છે. જેવી રીતે આસન અને પ્રાણાયામની પ્રક્રિયા છે તેવી રીતે તેથી વધારે મહત્વવાળી કુંડલિની જાગરણની પણ પ્રક્રિયા છે. તે પ્રક્રિયાઓની અસર શરીર પર સદાયે પડતી હોય છે. પરંતુ મન પર પડે જ છે એવું ચોક્કસપણે નથી કહી શકાતું. મન પર તેમની અસર પડે પણ ખરી, અને ના પણ પડે. તેનો આધાર અભ્યાસી પર રહે છે. તમે જે સાંસારિક મોહની વાત કરો છો તેનું મૂળ મનમાં છે. એટલે જ્યાં સુધી મનને પલટાવવામાં કે મનની શુદ્ધિ સાધવામાં નહિ આવે ત્યાં સુધી એ મોહ નહિ મટી શકે. ક્રિયાઓ ને પ્રક્રિયાઓ એક યા બીજી રીતે આગળ વધવામાં મદદરૂપ થશે ખરી, પરંતુ મોહની નિવૃત્તિ માટે તો મનની સુધારણા કે ઉદાત્તતા તરફ ધ્યાન આપવું પડશે ને જ્ઞાનની મદદ લેવી પડશે.

પ્રશ્ન : સંસારની વસ્તુઓનો મોહ સંપૂર્ણપણે ક્યારે મટી શકે ?
ઉત્તર : જ્યારે સદ્ બુદ્ધિનો સૂર્યોદય થાય ત્યારે. સંસારના કે એના પદાર્થોના સત્ય સ્વરૂપનો વિચાર કરવાથી, અને એમની અસારતા અથવા ક્ષણભંગુરતા તેમજ અસ્થાયી રસવૃત્તિને બરાબર સમજી લેવાથી એમના તરફ ઉપરામતા, ઉદાસીનતા કે વૈરાગ્ય થશે. એ વૈરાગ્યની મદદથી મોહ આપોઆપ ઓછો થશે. જે થોડીઘણી મોહવૃત્તિ બાકી રહેશે તે પણ પરમાત્મા પ્રત્યે ઉત્કટ પ્રેમ થતાં અને એને પરિણામે પરમાત્માનો સાક્ષાત્કાર થતાં સંપૂર્ણપણે શાંત થશે. પરમાત્માને માટેના પ્રેમનું પ્રાકટ્ય થતાં સંસારનો મોહ સ્વાભાવિક રીતે જ દૂર થશે.

પ્રશ્ન : એને માટે કોઈ બીજા ઉપાયનો આધાર લઈ શકાય ખરો ?
ઉત્તર : પ્રાર્થનાનો આધાર લઈ શકો છો. પ્રાર્થનામાં ઘણી શક્તિ છે, પરંતુ તે પ્રાર્થના હોઠ પરથી જ નહિ પણ હૃદયના ઊંડાણમાંથી નીકળવી જોઈએ. તો જ તે ધારી અસર પહોંચાડી શકે. પ્રાર્થનાથી ઈશ્વરી કૃપા મેળવવામાં અને અશુદ્ધિઓનો અંત આણવામાં મદદ મળે છે.

પ્રશ્ન : કુંડલિનીની જાગૃતિ માટે યોગસાધનામાં કયાં કયાં સાધનો છે ?
ઉત્તર : શિર્ષાસન, સર્વાંગાસન ને પશ્ચિમોત્તાનાસન જેવાં આસન, ભસ્ત્રિકા પ્રાણાયામ તથા ષણ્મુખી મુદ્રા કુંડલિનીની જાગૃતિમાં મદદ કરે છે. તે ઉપરાંત, નિરંતર નામજપથી પણ તેની જાગૃતિ થઈ શકે છે. એ સાધનોનો અભ્યાસ પ્રમાદનો પરિત્યાગ કરીને નિયમિત રીતે કરવો જોઈએ.

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.