ઈશ્વરની કૃપા અને ઈશ્વરપ્રેમ

પ્રશ્ન : ઈશ્વરની કૃપા કેવી રીતે થાય ? એના અનુભવને માટે શું કરવું જોઈએ ?
ઉત્તર : ઈશ્વરની કૃપા તો સૌ કોઈના પર સર્વ કાળે થઈ જ રહી છે. એનો અનુભવ ના થતો હોય તો એના અનુભવને માટે પ્રામાણિક રીતે પ્રયાસ કરવો જોઈએ. આકાશમાં સૂર્યનો ઉદય થયો છે અને એનાં કિરણો પણ વાતાવરણમાં બધે ફરી વળ્યાં છે, પરંતુ જો કોઈ માનવ ઘરનાં બધાં જ બારીબારણાં બંધ કરીને એની અંદર કેદ થઈ જાય તો એને એ કિરણનો લાભ કેવી રીતે મળી શકે ? એ કિરણોથી એ આપોઆપ અને હાથે કરીને વંચિત થઈ જાય. કિરણોનો લાભ લેવા માટે ઘરનાં બંધ બારીબારણાંને ઉઘાડી દઈને બહાર નીકળવું જોઈએ. એ જ એકમાત્ર ઉપાય છે. એવી રીતે ઈશ્વરની કૃપાની કામનાવાળા પુરૂષે પણ પોતાના હૃદયનાં બારીબારણાં ઈશ્વર તરફ ઉઘાડી દેવાં જોઈએ.

પ્રશ્ન : હૃદયના બારીબારણાં ઈશ્વર તરફ ઉઘાડી દેવાં એટલે ?
ઉત્તર : એટલે શું તે તમે ના સમજ્યા ? હૃદયને ઈશ્વરાભિમુખ કરવું. સાંસારિક વિષયોની મમતા, આસક્તિ તથા રસવૃત્તિ હૃદયમાંથી ઓછી કરી, ઈશ્વરના પવિત્ર પ્રેમને એમાં જગાવવાનો પ્રયાસ કરવો. જે હૃદય સંસારના વિષયો તરફ વહ્યા કરે છે એને ઈશ્વરના સ્મરણ-મનન દ્વારા ઈશ્વર તરફ વહેતું કરવું, તથા ઈશ્વરની નિયમિત પ્રાર્થનાનો આધાર લેવો. આટલું થાય તો ઈશ્વરની કૃપાનો અનુભવ થતાં વાર નહિ લાગે.

પ્રશ્ન : સંત પુરૂષો તરફથી વારંવાર ઉપદેશ આપવામાં આવે છે કે ઈશ્વરને પ્રેમ કરો. તો ઈશ્વરને પ્રેમ કરવાનો અર્થ કેવો સમજવો તે કહી શકશો ?
ઉત્તર : ઈશ્વરને પ્રેમ કરવાનો જે ઉપદેશ આપવામાં આવે છે એમાં બેવડો અર્થ સમાયેલો છે. એનો અર્થ તો એ છે કે ઈશ્વરનું બને તેટલું સ્મરણ કરવું, ધ્યાન કરવું તથા મનની જે વૃત્તિઓ બાહ્ય જગતમાં દોડે છે તેમને અંતર્મુખ કરવાનો કે પરમાત્મામાં જોડવાનો પ્રયાસ કરવો. સંસારના ક્ષણિક વિષયોને માટે જે રસ છે, આકર્ષણ છે, પ્રીતિ તથા તાલાવેલી છે, તેથીયે વધારે રસ, આકર્ષણ, પ્રીતિ તથા તાલાવેલી ઈશ્વરને માટે ઉત્પન્ન કરી, ઈશ્વરના સાક્ષાત્કારને માટે તૈયાર થવું, પ્રાર્થવું, અને એવી રીતે સમસ્ત જીવનને ઈશ્વરમય બનાવી દેવું.

પ્રશ્ન : ઈશ્વરને પ્રેમ કરવાનો બીજો અર્થ કેવો થાય છે ?
ઉત્તર : બીજો અર્થ જરા જુદી જાતનો છે. સંસાર ઈશ્વરનું સાકાર સ્વરૂપ છે, એના જુદા જુદા પદાર્થોના રૂપમાં ઈશ્વર પોતે જ વ્યક્ત થઈને રહેલા છે, એવું સમજી, સૌમાં ઈશ્વરની ઝાંખી કરવાના પ્રયત્ન કરતા રહી, સૌને મનોમન ચાહતા શીખવું, ને જીવનને બીજાની સેવાના સર્વોત્તમ કામમાં લગાડી દેવું, એ એનો બીજો અર્થ છે. બીજામાં ઈશ્વરી પ્રકાશનું દર્શન કરી જે બીજાને મદદરૂપ થાય છે તે ઈશ્વરની ભક્તિ જ કરે છે, ને તેવી પ્રેમભક્તિના પ્રભાવથી મન નિર્મળ બનતાં, ઈશ્વરની કૃપાનો લાભ પણ સહેજે મળી રહે છે.

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.