Sunday, September 27, 2020

જ્યોતિષ શાસ્ત્ર વિશે

પ્રશ્ન : જ્યોતિષ શાસ્ત્ર વિશે આપનો શો અભિપ્રાય છે ?
ઉત્તર : અભિપ્રાય એટલે તમે શું કહેવા માગો છો ?

પ્રશ્ન : જ્યોતિષ શાસ્ત્ર સાચું છે ?
ઉત્તર : મૂળભૂત રીતે બધાં શાસ્ત્રો સાચાં છે, અથવા તો અમુક વાસ્તવિક નિયમો અથવા તો સિદ્ધાંતોના આધાર પર તૈયાર થયેલાં છે. તેવું જ જ્યોતિષ શાસ્ત્ર વિશે સમજી લેવાનું છે. તે ખોટું નથી, પરંતુ સાચું છે. તેની પાછળ ચોક્કસ ધારાધોરણ છે, બંધારણ છે, ને ગણિત છે. તેના પર જેનો જેટલો કાબૂ હોય તેટલા પ્રમાણમાં તે તેમાં સિદ્ધહસ્ત બની શકે છે. માણસની પોતાની જ અંદર ત્રૂટિ હોય તો તે જ્યોતિષ શાસ્ત્રને મૂલવવામાં ભૂલ પણ કરે, તેથી આખું યે જ્યોતિષ શાસ્ત્ર કાંઈ ખોટું નથી બની જતું.

પ્રશ્ન : જ્યોતિષ શાસ્ત્રની જરૂર છે ખરી ?
ઉત્તર : તમારા માટે તેની જરૂર છે કે નહીં, અને છે તો કેટલા પ્રમાણમાં અથવા ક્યારે, તે તમારે નક્કી કરવાનું છે. તેનો આધાર તમારી રુચિ કે પ્રકૃતિ પર રહેશે. જો તમારી પ્રકૃતિ કુતૂહલપ્રધાન હોય, અને ભૂતભાવિના ગર્ભમાં ડોકિયું કરવાનું તમને ગમતું હોય, એ માટેની તમને વિશેષ અભિરુચિ હોય, તો જ્યોતિષ શાસ્ત્રની જરૂર તમારા જીવનમાં સદાને માટે રહેવાની, તમે એના તરફ ખેંચાવાના જ. તમને એને માટે મીઠી મમતા કે લાગણી રહેવાની જ. પરંતુ જો તમને એવી સ્પૃહા કે લાલસા નહીં હોય અને જે થઈ ગયું છે, થાય છે, કે જે થવાનું છે, તેથી તમે સંતુષ્ટ હશો, તો તેની આવશ્યકતા તમારા જીવનમાં ભાગ્યે જ પડવાની. મતલબ કે જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી જ્યોતિષ પણ તમારે ને બીજાને માટે જીવતું જ રહેવાનું. જો ભૂતભાવિને જાણવાની જિજ્ઞાસા કે અગમ ઘટનાઓના ભેદ ઉકેલવા માટેનું કુતૂહલ ના હોય, તો તો કોઈ પ્રશ્ન જ નથી. તો તો પછી કશું કહેવાનું જ નથી રહેતું. જ્યોતિષ સાચું છે કે ખોટું એ પ્રશ્ન જ તમારા માટે નહીં રહે. એ સાચું હશે તો પણ શું ને સાચું નહીં હોય તો પણ શું ? તમારે માટે એ હકીકત ગૌણ બની જશે.

પ્રશ્ન : યોગીને સાધનાની મદદથી ભૂતભાવિનું જ્ઞાન થાય છે ખરું ?
ઉત્તર : સાધના કરનાર યોગીની ઈચ્છા હોય તો જરૂર થઈ શકે છે. એ વાત અક્ષરશઃ સાચી છે, અને શંકારહિત છે. સ્વાનુભવ વિના એ નથી સમજાય તેમ.

પ્રશ્ન : એવું જ્ઞાન કેવી રીતે થતું હશે ?
ઉત્તર : યોગની સાધનામાં વિકાસ કરનારો યોગી જ્યારે સમાધિ અવસ્થામાં પ્રવેશ કરે છે ને સમાધિ પર કાબૂ મેળવે છે, ત્યારે તેની અંદર અલૌકિક શક્તિનો ઉદય થાય છે, જે શક્તિ દ્વારા સમાધિની દશા દરમિયાન એ ઈચ્છાનુસાર જ્ઞાનની ઉપલબ્ધિ કરી શકે છે. એવો યોગી સત્ય સંકલ્પ બની જાય છે. એટલે પોતાના જ સંકલ્પની પ્રતિક્રિયારૂપે ભૂત, ભાવિ કે વર્તમાનકાળના અથવા કોઈયે વ્યક્તિ કે વસ્તુના જ્ઞાનને મેળવી શકે છે. પછી તો જાગૃતિ દરમિયાન પણ એને માટે એવું જ્ઞાન સહજ બને છે.

પ્રશ્ન : એવા યોગી પુરૂષો અત્યારે છે ખરા ? તેમનું દર્શન થઈ શકે ?
ઉત્તર : કેમ નથી ? અવશ્ય છે. તેમની કૃપાથી તેમનું દર્શન જરૂર થઈ શકે. ફક્ત તેને માટે પ્રામાણિક ઈચ્છા કે લગન જોઈએ. એ ઉપરાંત, તમે ધારો તો તમે પણ તેવા લોકોત્તર યોગી બની શકો. તમારી પોતાની અંદર પણ એવી શક્તિ છે. ફક્ત તે સુષુપ્ત અવસ્થામાં પડેલી છે અને તમને તેની માહિતી નથી, એટલું જ. તેને જગાડો ને વિકસાવો તો જે ધારશો તે બધું જ કરી શકશો. આત્મિક વિકાસને માર્ગ સૌ કોઈને માટે ઊઘાડો છે. સૌ તેનો લાભ નથી લેતાં એટલું જ.

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok