Friday, September 25, 2020

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો

પ્રશ્ન : સ્થિતપ્રજ્ઞ પુરૂષને ઓળખવાના એક અગત્યના સાધન કે લક્ષણ- શાંતિનો ઉલ્લેખ તમે કરી બતાવ્યો. એ સિવાય એવા પુરૂષને ઓળખવાનું કોઈ બીજું લક્ષણ છે ખરું ?
ઉત્તર : જરૂર છે. બીજું એક લક્ષણ નથી પરંતુ બીજા કેટલાંય લક્ષણ છે. શાંતિનું લક્ષણ તો એમાંનું સૌથી આગળ પડતું લક્ષણ છે એટલું જ.

પ્રશ્ન : બીજા કયાં લક્ષણ છે ?
ઉત્તર : સ્થિતપ્રજ્ઞ પુરૂષનું બીજું કિંમતી કે મહત્વનું લક્ષણ પરમાત્માનો સાક્ષાત્કાર અથવા પરમાત્માને માટેનો અનંત પ્રેમ, અને પરમાત્માની સાથેનું સતત અનુસંધાન છે. પરમાત્માના અનન્ય અને અનંત પ્રેમ વિના, પરમાત્માના સાક્ષાત્કાર વિના, પરમાત્માની સાથેનું સતત અનુસંધાન પણ શક્ય નથી બનતું. એટલે પરમાત્માનો પ્રેમ સૌનાં મૂળમાં છે. એને સ્થિતપ્રજ્ઞના જીવનનું કરોડરજ્જુ કહીએ તો પણ ચાલે. એ પ્રેમની પ્રબળતાથી પ્રેરાઈને જ એ પરમાત્માના સાક્ષાત્કારની સાધના કરે છે, ને છેવટે પરમાત્માને ઓળખી લે છે. પરમાત્માનો સાક્ષાત્કાર માણસે પોતાની અંદર અને બહાર બંને ઠેકાણે કરવાનો છે. અંદર એટલે પોતાના શરીરની અંદર અને બહાર એટલે સંસારના બધા પદાર્થોમાં. એ બંને પ્રકારના સાક્ષાત્કારને જ સંપૂર્ણ સાક્ષાત્કાર કહી શકાય છે, ને ધન્યતા પણ એથી જ મળે છે. સ્થિતપ્રજ્ઞ પુરૂષને માટે એવો સાક્ષાત્કાર સ્વાભાવિક કે સહજ થઈ જાય છે. એવા સાક્ષાત્કારને પરિણામે એનું મન હંમેશાં પરમાત્મામાં જ લાગેલું રહેતું હોય છે. પરમાત્મા સિવાય એના મનમાં, હૃદયમાં, પ્રાણમાં કે રોમરોમમાં બીજું કશું જ નથી રહેતું.

પ્રશ્ન : એનો અર્થ એવો ખરો કે, એવા પુરૂષને સંસારના પદાર્થો પ્રત્યેનો પ્રેમ નથી હોતો ? અથવા તો શાસ્ત્રોમાં જેને વૈરાગ્ય કહે છે તેવા વૈરાગ્યની તે મૂર્તિરૂપ હોય છે ?
ઉત્તર : વૈરાગ્ય વગર તો એવી અસાધારણ અવસ્થાની પ્રાપ્તિ થાય જ નહીં. એટલે એવો પુરૂષ વૈરાગ્યની મૂર્તિરૂપે તો હોય જ છે. પરંતુ લોકોમાં વૈરાગ્યનો જે રૂઢ છે તે અર્થ નથી લેવાનો. વૈરાગ્ય એટલે સંસારના વિષયોમાં રાગ ના હોવો અને પરમાત્મામાં વિશેષ પ્રેમ હોવો. એ અર્થને નજર સામે રાખીને કહી શકાય કે સ્થિતપ્રજ્ઞ પુરૂષ એ અર્થના જીવંત અનુવાદરૂપ હોય છે. સંસારના પદાર્થોમાં એને પ્રેમ હોય છે એમ કહીએ તો પણ રાગ કે મોહ તો હોતો જ નથી. પ્રેમ અને રાગ અથવા તો પ્રેમ અને મોહની વચ્ચેના તફાવતને તમે સમજી શકો છો ? તો પછી આ કથનને પણ સહેલાઈથી સમજી શકશો.

પ્રશ્ન : સ્થિતપ્રજ્ઞ પુરૂષ કાર્ય કરે કે ના કરે ?
ઉત્તર : કર્મ કર્યા વિના તો કોઈ રહી શકતું જ નથી. દરેક દેહધારીને કર્મ તો કરવાનું જ હોય છે. એક યા બીજા જાતનાં કર્મો તેનાથી થયા જ કરે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞ પુરૂષ તથા બીજા સાધારણ પુરૂષના કર્મોમાં આભજમીનનું અંતર હોય છે. સ્થિતપ્રજ્ઞ પુરૂષ જે કર્મો કરે છે, તે કોઈ પણ પ્રકારના અહંભાવ વગર, પરમાત્માની પ્રેરણાથી પ્રેરાઈને કરે છે. એ કર્મોમાં અને એ કર્મોના ફળમાં એને આસક્તિ નથી થતી. એ કર્મો બીજાને માટે લાભકારક થાય છે. એ કર્મોની પાછળ પરહિતની ભાવના રહેલી હોય છે. બીજાના હિતયજ્ઞની વેદીમાં અમૂલખ આહુતિરૂપે થનારાં એ કર્મો સંસારને માટે કલ્યાણકારક થઈ પડે છે. એ કર્મો ભૂલેચૂકે પણ બંધન કરતાં નથી હોતા. સામાન્ય માણસનાં કર્મો એવી જાતનાં ના કહી શકાય. તે તો વિવેક વગરના અહંભાવથી યુક્ત, રાગદ્વેષ તથા આસક્તિની અસરવાળાં, શુભાશુભ અસરથી ભરેલાં, અને બંધનકારક હોય છે. એટલે સ્થિતપ્રજ્ઞ પુરૂષ કાર્ય કરવાં છતાં પણ કર્મની અસરથી અલિપ્ત રહે છે. આ અલિપ્તતા અથવા તો અનાસક્તિ અને પરિહત પરાયણતા પણ સ્થિતપ્રજ્ઞ પુરૂષનું મહત્વનું લક્ષણ છે.
 
પ્રશ્ન : જે મહાત્માઓ કાંઈ સક્રિય કાર્ય કે સેવા કરતાં નથી. ભાષણ-પ્રવચન કે પ્રચાર કરતા નથી, પરંતુ એકાંત સ્થળોમાં જીવન ગાળે છે, તેમનાથી શો લાભ ? તે મહાત્માઓએ એકાંત છોડીને સંસારમાં પ્રચાર કરવા નીકળવું જોઈએ એમ તમે નથી માનતા ?
ઉત્તર : તમારો પ્રશ્ન બે ભાગમાં વહેંચાયેલો છે. બંનેનો વિચાર કરવો જોઈશે. તમે જો એમ માનતા હો કે ભાષણ કે પ્રવચન કરવામાં અથવા પ્રચાર માટે દોડધામ કરવામાં જ સેવા સમાઈ જાય છે તો તે બરાબર નથી. સેવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. સ્થૂલ રીત કરતાં બીજી કેટલીય રીતે સેવા થઈ શકે છે. ગીતા કહે છે કે, 'યોગીઓ શરીર, મન, બુદ્ધિ ને કેવળ ઈન્દ્રિયોથી પણ કર્મ કરે છે.’
બીજો મુદ્દો એ છે કે તમારા ને મહાત્માઓના દ્રષ્ટિકોણમાં જમીન ને આસમાનનો તફાવત હોઈ શકે છે. મહાત્માઓને મન તમારા પ્રિય ઈન્દ્રિયના પદાર્થો ને સંસારના વિષયો ક્ષુદ્ર હોય છે. જીવનની સમગ્ર શક્તિનો ઉપયોગ ઈશ્વરપ્રાપ્તિ કે મુક્તિ માટે જ કરવામાં તે મહાન સેવા માને છે. તેઓ કહે છે કે તમે કોની સેવા કરવા દોડો છો ? બીજાની સેવા કરો તે ભલે. પણ એટલું સમજી લેજો કે તમારે તમારી સેવા પણ કરવાની છે. બંધનમાંથી મુક્ત થઈને તમારે મુક્તિનો આનંદ માણવાનો છે ને આત્માની સાધના દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને અલ્પ મટીને વિરાટ બનવાનું છે. માનવજીવનનો સૌથી શ્રેષ્ઠ પુરૂષાર્થ આ જ છે. આ પુરૂષાર્થની ઉત્કટ ભૂખ જાગવાને લીધે જ મહાત્માઓ એકાંતવાસી બનીને તપ કરે છે. એટલે તે સેવા નથી કરતા એમ કહેવાય ? તેમનું દર્શન, વચન ને જીવન સંસારને માટે પ્રેરણારૂપ છે. એમાં સંદેહ નથી. આવી ઉત્કટ ભૂખ જેમનામાં જાગી નથી તેવા પુરૂષો કર્મના બાહ્ય માર્ગે વિકાસ કરે છે. બાકી ઉપરની કોટિના મહાત્માઓ તો પોતાના આધ્યાત્મિક આદર્શને સિદ્ધ કર્યા પછી જ ઈશ્વરેચ્છા પ્રમાણે બાહ્ય કર્મમાં પડે છે. એવા મહાત્માઓથી સંસારને ખૂબ જ લાભ થાય છે. એ મહાત્માઓ જ માણસને આત્મિક વિકાસની યાદ આપે છે. બીજા ધન, સ્ત્રી ને કીર્તિ માટે દોડધામ કરનારા લાખો લોકો કરતાં તેવા એક જ મહાત્માથી સંસારને વધારે લાભ થાય છે.

પ્રશ્ન : જે મહાત્માઓ કાંઈ સક્રિય કાર્ય કે સેવા કરતાં નથી. ભાષણ-પ્રવચન કે પ્રચાર કરતા નથી, પરંતુ એકાંત સ્થળોમાં જીવન ગાળે છે, તેમનાથી શો લાભ ? તે મહાત્માઓએ એકાંત છોડીને સંસારમાં પ્રચાર કરવા નીકળવું જોઈએ એમ તમે નથી માનતા ?

ઉત્તર : તમારો પ્રશ્ન બે ભાગમાં વહેંચાયેલો છે. બંનેનો વિચાર કરવો જોઈશે. તમે જો એમ માનતા હો કે ભાષણ કે પ્રવચન કરવામાં અથવા પ્રચાર માટે દોડધામ કરવામાં જ સેવા સમાઈ જાય છે તો તે બરાબર નથી. સેવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. સ્થૂલ રીત કરતાં બીજી કેટલીય રીતે સેવા થઈ શકે છે. ગીતા કહે છે કે, 'યોગીઓ શરીર, મન, બુદ્ધિ ને કેવળ ઈન્દ્રિયોથી પણ કર્મ કરે છે.

બીજો મુદ્દો એ છે કે તમારા ને મહાત્માઓના દ્રષ્ટિકોણમાં જમીન ને આસમાનનો તફાવત હોઈ શકે છે. મહાત્માઓને મન તમારા પ્રિય ઈન્દ્રિયના પદાર્થો ને સંસારના વિષયો ક્ષુદ્ર હોય છે. જીવનની સમગ્ર શક્તિનો ઉપયોગ ઈશ્વરપ્રાપ્તિ કે મુક્તિ માટે જ કરવામાં તે મહાન સેવા માને છે. તેઓ કહે છે કે તમે કોની સેવા કરવા દોડો છો ? બીજાની સેવા કરો તે ભલે. પણ એટલું સમજી લેજો કે તમારે તમારી સેવા પણ કરવાની છે. બંધનમાંથી મુક્ત થઈને તમારે મુક્તિનો આનંદ માણવાનો છે ને આત્માની સાધના દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને અલ્પ મટીને વિરાટ બનવાનું છે. માનવજીવનનો સૌથી શ્રેષ્ઠ પુરૂષાર્થ આ જ છે. આ પુરૂષાર્થની ઉત્કટ ભૂખ જાગવાને લીધે જ મહાત્માઓ એકાંતવાસી બનીને તપ કરે છે. એટલે તે સેવા નથી કરતા એમ કહેવાય ? તેમનું દર્શન, વચન ને જીવન સંસારને માટે પ્રેરણારૂપ છે. એમાં સંદેહ નથી. આવી ઉત્કટ ભૂખ જેમનામાં જાગી નથી તેવા પુરૂષો કર્મના બાહ્ય માર્ગે વિકાસ કરે છે. બાકી ઉપરની કોટિના મહાત્માઓ તો પોતાના આધ્યાત્મિક આદર્શને સિદ્ધ કર્યા પછી જ ઈશ્વરેચ્છા પ્રમાણે બાહ્ય કર્મમાં પડે છે. એવા મહાત્માઓથી સંસારને ખૂબ જ લાભ થાય છે. એ મહાત્માઓ જ માણસને આત્મિક વિકાસની યાદ આપે છે. બીજા ધન, સ્ત્રી ને કીર્તિ માટે દોડધામ કરનારા લાખો લોકો કરતાં તેવા એક જ મહાત્માથી સંસારને વધારે લાભ થાય છે.

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok