Thursday, September 24, 2020

સાધનાનો માર્ગ

પ્રશ્ન : સાધનાના માર્ગમાં અમારે શાનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે ?
ઉત્તર : પાંચ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે.

(૧) બીજાના દોષ જોવા નહીં. ને જોયા વિના ના રહેવાય તો તે ગમે ત્યાં જાહેર કરવા નહિ.
કહેવું હોય તો જે માણસમાં દોષ દેખાતા હોય તેને જ તે વિશે કહેવું. તેથી તમારી ભૂલ થતી હશે તો ખુલાસો પણ મળી રહેશે. બીજાના દોષ જાહેર કરવાથી ને જ્યાં ત્યાં જાહેર કરવાથી કોઈ હેતુ સરતો નથી. એથી ઘણીવાર જાહેર કરનાર માણસ બીજાનો તિરસ્કાર કરનારો બની જાય છે.

(૨) દોષ જોવા હોય તો પોતાના જ જોવા.
પોતાની ખામીઓ વીણીવીણીને શોધી કાઢવાની ને તે સૌને દૂર કરવાની જરૂર સાધનાના પંથમાં ખૂબ જ વધારે છે. નિર્બળતા ને મલિનતા દૂર કર્યા વિના સાધનામાં વિજય મળતો નથી. આને જ શાસ્ત્રો ને મહાપુરૂષો હૃદયશુદ્ધિ કહે છે. આ માટે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ. વિવેક તેમ જ સાચી દ્રષ્ટિના દર્પણમાં પોતાના નાનામાં નાના ડાઘને પણ શોધી કાઢી ઈશ્વરીપંથના પ્રવાસી કે સત્યના શોધકે અંદર ને બહારથી સાફ થવાનું છે. નિર્મળતા વિના સત્ય જ્ઞાનનો ઉદય થઈ શકતો નથી. શાંતિ પણ તે વિના અસંભવિત છે. ઈશ્વર તો કોસો દૂર રહે છે એ કહેવાની જરૂર નથી.

(૩) જે કામ કરવું તે શાંતિથી કરવાની ટેવ પાડવી.
જરૂર વિના કોઈ કામમાં ઉતાવળ કરવી નહિ. ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વિચાર કરવામાં, સાધનાની પ્રક્રિયા કરવામાં, નિરર્થક ઉતાવળ કરવી ઠીક નથી. જીવનની બાહ્ય તેમ જ અભ્યંતર બંને ક્રિયાઓમાં શાંતિ ને પરમ શાંતિ આવવી જોઈએ.

(૪) પોતે બધું જ મેળવી લીધું છે એવો ખોટો આત્મસંતોષ સ્વપ્ને પણ સેવવો નહિ. બધામાંથી - જડ ને ચેતનમાંથી કાંઈક સારું શિક્ષાત્મક ગ્રહણ કરવું.
પોતાને પંડિત, યોગી, ઉપાસક કે કૃતકૃત્ય માની લેવાની ખોટી વૃત્તિ માણસનો વિનાશ નોંતરે છે. તે કોઈની પાસેથી કાંઈ ગ્રહણ કરતો નથી, જ્યાં ત્યાં ખોડખાંપણ જોતો ફરે છે, બીજાને તિરસ્કારે છે, ને સન્માન કરવા યોગ્યનું સન્માન પણ કરતો નથી. ભાગવતમાં દત્તાત્રેયના ચોવીસ ગુરૂઓની વાત આવે છે, તેમાંથી પૃથ્વી, સમડી, અજગર ને વેશ્યા પરથી પણ તેમણે બોધપાઠ લીધો છે. આનો અર્થ એ જ કે માણસે જાગૃત રહીને સંસારમાં બધેથી કાંઈ ને કાંઈ શીખવાનું છે, ને એવો એકે પદાર્થ નથી જે કોઈ ને કોઈ શિક્ષા પૂરી પાડતો ના હોય. આપણા પ્રાચીન ઋષિવરો ને મહાન સંતોએ નદી, ઝરણાં, પહાડ, ફૂલ તેમ જ પથ્થર પાસેથી પણ પદાર્થપાઠ લીધો હતો, ને બધામાં ઈશ્વરની પ્રભા જોઈ હતી. જ્યાં બધે પ્રભુનો પ્રકાશ દેખાઈ રહ્યો હોય, પ્રભુ વિના જ્યાં કાંઈ દેખાતું કે અનુભવાતું જ ના હોય ત્યાં કોણ કોનો વિરોધ કરે, કોને તિરસ્કારે, કોને વધારે કે ઓછા પ્રિય ગણે ને કોની સાથે લડે ? ભારતીય સંસ્કૃતિની આ ઉત્તમ વિચારધારા ઉપનિષદ ને રામાયણ, મહાભારત તેમજ ગીતામાં ને તે પછીથી આજ લગીના સંતપુરૂષોના જીવન-કવનમાં વારંવાર મૂર્ત થયેલી જોઈ શકાય છે. આ ધન્ય કક્ષાએ પહોંચવામાં જ માનવજીવનનું સાફલ્ય છે. આ જ જીવનનો ઉત્તમમાં ઉત્તમ પુરૂષાર્થ છે. પણ તે માટે હૃદયના દ્વાર ઉઘાડાં રાખી, અંદરની ગંદી હવાને બહાર જવા દઈ, બહારની પ્રાણપદ તાજી હવાને અંદર આણવાની જરૂર છે. મતલબ કે ભગવાન દત્તાત્રેયની જેમ ગુણગ્રાહી થવાની જરૂર છે, તો જ સદ્ ગુણોની મૂર્તિ બની શકાશે. એ વિના ઈશ્વર પ્રાપ્તિની સાધના શક્ય નથી. પ્રાથમિક સિદ્ધિથી અટકી ના જતાં પરમાત્મા દર્શન કે પૂર્ણતા સુધી માણસે ખૂબ જાગૃત રહીને વિકાસ કરવાનો છે. તે માટે પહેલેથી જ કોઈ નજીવી સંસિદ્ધિથી પોતાને ધન્ય કે પૂર્ણ માની બેસવાથી કેમ ચાલશે ?

(૫) છેલ્લી ધ્યાન રાખવાની વસ્તુ જીવન કે સાધનામાં આદર્શની છે.
સાધના દ્વારા તમે શું મેળવવા માંગો છો ? જીવનની સફળતા પૂર્ણતા કે ઈશ્વરની પ્રાપ્તિમાં જ છે. આ વાત ભૂલવાની નથી. આ યાદ રાખવાથી જીવનનો પરિપૂર્ણ આધ્યાત્મિક વિકાસ કરી શકશો. આ બધાનું જેટલું મનન થાય તેટલું ઓછું છે. મનન કરીને તે પ્રમાણે જીવન બનાવવાનું છે. તે વિના સાચો આનંદ નથી.

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok