Mon, Nov 30, 2020

કન્યાકુમારીનો અદભૂત અનુભવ

ભારતનાં ચાર મુખ્ય મહાધામોમાં રામેશ્વરની ગણના થાય છે.

સુવિશાળ સમુદ્રતટ પર વસેલું ને વિસ્તરેલું રામેશ્વરનું ધામ પ્રમાણમાં ખૂબ જ નાનું હોવા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ ઘણું મોટું છે.

રામેશ્વરના સુપ્રસિદ્ધ મંગલમય મંદિરનો મહિમા મોટો મનાય છે. એના દર્શન-અવલોકન માટે અસંખ્ય પ્રવાસીઓ એકઠાં થાય છે.

ભગવાન શંકરના ભાવભક્તિમય જયજયકાર ધ્વનિથી એ સમસ્ત મંદિરને ગજાવી મૂકે છે.

એ દિવ્ય ધામના દર્શનનો દેવદુર્લભ લાભ લઈને અમે દેશની દક્ષિણ સીમા પર આવેલા સુંદર યાત્રાધામ કન્યાકુમારીની મુલાકાત લીધી.

કન્યાકુમારી એટલે દક્ષિણ ભારતનો છેડો. એ તરફનો પ્રદેશ ખૂબ જ રળિયામણો છે. કુદરતનું સૌન્દર્ય ત્યાં સંપૂર્ણપણે છૂટા હાથે વેરાયેલું છે. આખોય પ્રદેશ નાનીનાની ચિત્તાકર્ષક સુંદર પર્વતમાળાઓ, સરસ સુવિશાળ ખેતરો અને જળાશયોથી ભરેલો છે. એમાંથી પસાર થતી વખતે એક પ્રકારનો અવર્ણનીય આનંદ અનુભવાય છે. એ પ્રદેશની એક બીજી લાક્ષણિકતા એના ઠેરઠેર, લગભગ પ્રત્યેક શહેર તથા ગામમાં જોવા મળતાં ગિરજાઘરો કે ખ્રિસ્તી મંદિરો છે. એમના પરથી ત્યાંના ખ્રિસ્તી ધર્મના અતિવ્યાપક વરસોના પ્રચારનો ખ્યાલ આવે છે. હિંદુ ધર્મના વ્યવસ્થિત પ્રસાર માટે એ પ્રદેશમાં જોઈએ તેટલો પ્રચાર નથી થયો ને આજે પણ નથી થતો એવું લાગ્યા વિના રહ્યું નહીં. એ લાગણી ખૂબ જ દુઃખદ હતી. આપણા સમાજસેવકો, પ્રચારકો તથા ધર્મગુરુઓએ  એ પ્રદેશ તરફ સવિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. મંદિરો તથા મઠો અથવા આશ્રમોના અધિષ્ઠાતાઓ અને સંચાલકો એ દિશામાં વિચારીને સક્રિય કાર્ય કરતા થઈ જાય એ આવશ્યક છે.

કન્યાકુમારી પહોંચ્યાં ત્યારે રાત પડી ગઈ.

રાતે અમે સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં બંધાયેલા ગેસ્ટ હાઉસમાં મુકામ કર્યો. એ સ્થળ સર્વપ્રકારે સાનુકૂળ લાગ્યું.

સવારે કન્યાકુમારીના મંગલ મંદિરની મુલાકાત લીધી. મંદિર પ્રમાણમાં નાનું હોવા છતાં આકર્ષક અને સુંદર હતું.

કહે છે કે એ એકાંત, શાંત, સુંદર સ્થાનમાં પાર્વતીએ શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરેલું. એની પ્રેરક પુણ્યસ્મૃતિમાં ત્યાં મંદિરની રચના કરવામાં આવી. દર્શનાર્થીઓને ત્યાંથી પવિત્ર પ્રભુમય જીવનની પ્રેરણા મળે છે.

કન્યાકુમારીમાં મહાત્મા ગાંધીજીનું અસ્થિવિસર્જન કરેલું હોવાથી ત્યાં એમનું પણ સ્મારક છે. એના દર્શનનો લાભ લઈને અમે સમુદ્રની અંદર તૈયાર કરવામાં આવેલા સ્વામી વિવેકાનંદના સ્મૃતિસ્થાન વિવેકાનંદ મૅમોરિયલને જોવા ગયાં.

વિવેકાનંદ મૅમોરિયલનું વિશાળ સ્થાન સમુદ્રમાં હોવાથી ત્યાં જવા માટે સ્ટીમલોંચનો આધાર લેવો પડે છે. વિદેશ જતાં પહેલાં વિવેકાનંદે સમુદ્રની જે શિલા પર બેસીને ધ્યાન કરેલું એ શિલાને સુરક્ષિત રાખવામાં આવી છે. સમુદ્રમાં સુવિશાળ મંદિર, ધ્યાનખંડ જેવાં સ્થળોની રચના થઈ છે. એ બધું સુંદર અને ચિત્તાકર્ષક છે એ સાચું, પરંતુ સનાતન હિંદુ ધર્મના પ્રસાર માટેની ત્યાં કોઈક ચોક્કસ સુવ્યવસ્થિત યોજના થવી જોઈએ એવું લાગ્યા વિના રહ્યું નહીં. કેવળ સ્મારકોથી સંતોષ વાળીને બેસી રહેવાને બદલે વધારે ધ્યાન જનસેવાની વિવિધ પ્રવૃત્તિઓ તરફ આપવાની આવશ્યકતા છે. એ અધિક ઉપયોગી અને કલ્યાણકારક થઈ પડશે.

વિવેકાનંદના સુંદક સ્મારકની ચારે તરફ સુવિશાળ સમુદ્ર હોવાથી એની સુંદરતામાં વધારો થાય છે. ત્યાંના શાંત ધ્યાનખંડમાં બેસીને અમે થોડોક સમય સુધી ધ્યાન કરીને અવર્ણનીય આનંદ અનુભવ્યો અને પછી સમુદ્રના કિનારા પર પાછા ફર્યા.

સરિતા તથા સમુદ્ર બંનેને પોતપોતાનું આગવું સૌન્દર્ય અથવા આકર્ષણ હોય છે. એમના તટપ્રદેશ પરનાં સ્થાનો વિશેષ રળિયામણાં દેખાય છે.

કન્યાકુમારીના બે રાતના શાંતિકારક પ્રેરણાપ્રદાયક નિવાસ દરમિયાન વહેલી સવારે એક ચિરસ્મરણીય અદ્દભુત અનુભવ થયો. એ અનુભવ અભૂતપૂર્વ કહી શકાય તેવો હતો.

સ્વામી વિવેકાનંદે સૂક્ષ્મ સ્વરૂપે મારી સમક્ષ આવીને મારું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું અને મને જણાવ્યું કે પોતે મારી અંદર પ્રવેશીને મારી દ્વારા પોતાના ભાવોને વહેવડાવવા માગે છે.

સૌની સમક્ષ હું રોજની જેમ ધ્યાનાવસ્થામાં બેઠો હતો ત્યારે એ એમની અલૌકિક શક્તિથી મારી અંદર પ્રકટીને સૌના સાંભળતાં ભાવમય ભાષામાં બોલવા લાગ્યા. એમની અંગ્રેજી વાણીનો અનુવાદ આ પ્રમાણે છે :

‘આ પવિત્ર સ્થળમાં આપનું સ્વાગત અથવા અભિવાદન કરતાં પુષ્કળ પાર વિનાની પ્રસન્નતા થાય છે. આશરે સિત્તેર વરસ પહેલાં મેં આ પવિત્ર દેવસ્થાન કે તીર્થની મુલાકાત લીધેલી અને મંદિરના સમીપવર્તી પ્રદેશમાં કેટલોક સમય પસાર કરેલો. મેં શિલા પર બેસીને ધ્યાન પણ કરેલું. ભારતીય સંસ્કૃતિના અથવા આધ્યાત્મિકતાના પ્રસારના મારા આધ્યાત્મિક જીવનકાર્યની સિદ્ધિ માટે પરદેશનો પ્રવાસ પ્રારંભતા પહેલાં મેં પ્રખર સતત પ્રાર્થનાઓ કરેલી. એ પ્રખર પ્રાર્થનાઓના પરિણામે મારા પૂજ્ય ગુરુદેવે મારી સમક્ષ પ્રકટ થઈને મને પરદેશનો પ્રવાસ કરવાની સૂચના આપી. મેં એ સૂચનાનું પાલન કર્યું. મારા મહાન શ્રેષ્ઠ સદ્દગુરુની કૃપાને લીધે જ મને શકવર્તી સફળતા સાંપડી. ગઈકાલથી આ અતિશય એકાંત તીર્થસ્તાનમાં તમને સત્કારતાં મને પુષ્કળ પ્રસન્નતા થઈ છે. હું તમારું અત્યંત ઉત્સાહપૂર્વક, અંતરના અંતરતમમાંથી સ્વાગત કરું છું.’

તારીખ 30-૧-૧૯૭૮ સોમવારે સવારે નવેક વાગ્યે વ્યક્ત કરાયલા ભાવોની અંગ્રેજી વાણી આ પ્રમાણે:

‘I am extremely happy to welcome or greet you in this pious place. I visited this place some seventy years back and spent a couple of days here in the vicinity of the temple. I meditated on the rock also. Before leaving India for my spiritual mission or dissemination of spiritual knowledge abroad I prayed incessantly. As a consequence of my profound prayers my master appear before me and suggested for traveling abroad. I adhered accordingly. My historic success was due to my great Guru. I am profoundly pleased to receive you here in this sacred solitary place since yesterday and greet you whole heartedly very enthusiastically.’

એ અનુભવ સમુપસ્થિત સૌ કોઈને માટે અતિશય આશ્ચર્યકારક અને આનંદદાયક થઈ પડ્યો. સૌ પોતાને એ શબ્દો સાંભળવા મળ્યા એટલે સદ્દભાગી સમજવા લાગ્યાં. સૌ કોઈને એ યાત્રા ધન્ય તથા સફળ થયેલી લાગી. સૌને પ્રતીતિ થઈ કે સૂક્ષ્મ જગતમાં સૂક્ષ્મ રૂપે રહેતા અલૌકિક આત્માઓ અસાધારણ અને આશ્ચર્યકારક કલ્યાણકાર્યો કરતા હોય છે. એમને કોઈ જુએ કે ના જુએ તો પણ એ સદા સક્રિય હોય છે.

સાંજે અમે કન્યાકુમારીના સુવિશાળ સમુદ્રતટ પર પહોંચ્યાં. સૂર્યાસ્તનો સમય સમીપ હોવાથી આજુબાજુનું વાતાવરણ હૃદયંગમ લાગ્યું.

અમે ભારતની છેક દક્ષિણની સીમારેખા પર ઊભેલા.

સમુદ્રમાં એ વખતે ઓટ હતી એથી પાણી વધારે ને વધારે પાછળ જઈ રહેલું. અમે એ દૃશ્યને ઉલ્લાસપૂર્વક જોઈ રહ્યાં.

અમારી મંડળીમાંના કેટલાકને સમુદ્રનું આચમન કરવાની અને સમુદ્રની પાસે પહોંચીને એને અંજલિ આપવાની ઈચ્છા થવાથી એ સમુદ્રનાં તરંગો પાસે પહોંચી ગયા. તરંગો કૃતજ્ઞતાપૂર્વક એમના પગને ઘેરી વળ્યાં.

મને થયું કે મારે સમુદ્રની પાસે શા માટે પહોંચવું જોઈએ ? મને સમુદ્ર પ્રત્યે પુષ્કળ પ્રેમ અને આદરભાવ છે એટલે તો હું એની પાસે આવ્યો છું. તો સમુદ્ર પણ મારા પ્રેમને લક્ષમાં લઈને મારી પાસે નહિ આવે ? પ્રેમ અને આદરભાવ કાંઈ એકતરફી જ હોય એવું થોડું છે ?

દૂર રેતી પર ઊભા રહીને મેં સંકલ્પ કર્યો કે હું તો દૂર રહીને જ અર્ણવને મારા આદરભાવની અંજલિ આપીશ.

પાંચેક મિનિટ થઈ ત્યાં તો સમુદ્રને મારા સંકલ્પની અસર થઈ હોય એમ એક ચમત્કાર બન્યો.

હા. એને પ્રચલિત પરિભાષામાં ચમત્કાર જ કહી શકાય.

સમુદ્રમાં એક ઉત્તુંગ તરંગ પેદા થયું. એ તરંગ અતિઉલ્લાસિત હૃદયે અત્યંત વેગપૂર્વક આગળ વધીને છેક મારી પાસે પહોંચ્યું અને મારા ચરણની આજુબાજુ ફરી વળીને પોતાના કાર્યના સંતોષ સાથે સત્વર પાછું ફર્યું.

મારું અંતર અને અણુઅણુ આનંદથી આપ્લાવિત બની ગયાં.

મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા : ધન્યવાદ !

સૌ કોઈ એ દૃશ્યને આશ્ચર્યચકિત નેત્રે નિહાળી રહ્યાં.

મેં કહ્યું : કુદરતનો ક્રમ, એની શક્તિ, અજબ છે. વિશ્વનો પ્રત્યેક પરમાણુ દિવ્યતાથી ભરેલો છે. એ આપણા ભાવોને ઓળખે છે અને એમનો પ્રત્યુત્તર પૂરો પાડે છે. અથવા એમ કહો કે એના પર જે પરમ પરમાત્માની પરમશક્તિનું શાસન ચાલે છે એ એને પોતાની ઈચ્છા, યોજના તથા પસંદગી પ્રમાણે પ્રેરિત કરે છે.

સમુદ્રના ઉત્તુંગ તાલબદ્ધ તરંગનું એ દિવ્ય દૃશ્ય આજે પણ નથી ભુલાયું. કદી પણ નહીં ભુલાય. સદા માટે સ્મૃતિપટ પર સુરક્ષિત રહેશે.

સમુદ્રના સુવિશાળ તટપ્રદેશ પર આગળ વધીને અમે એક શાંત એકાંત સ્થળે બેસી ગયાં.

થોડાક સમયમાં સૂર્યાસ્ત થયો. સૂર્યાસ્તનું એ દૃશ્ય ચિત્તાકર્ષક હતું.

ત્યાં પણ સ્વામી વિવેકાનંદે સૂક્ષ્મ જગતમાંથી સૂક્ષ્મ રીતે પ્રકટીને સૌને સારુ સંદેશો પૂરો પાડ્યો. એ સંદેશ એ દિવસનો બીજો સંદેશ હતો. એને લિપિબદ્ધ બનાવવામાં આવ્યો એટલે એ અમર બની ગયો.

કન્યાકુમારીની યાત્રા એવી રીતે અવનવી અને આનંદદાયક બની ગઈ.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok