ગોવા અને મહાબળેશ્વર

દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન જોવા મળેલાં દર્શનીય સુંદર સ્થળોમાં ગોવાનો સમાવેશ કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય સહેલાઈથી કરી શકાય. ગોવાના પાટનગર પંજીમને પેંખતાવેંત એવું લાગ્યા વિના રહેતું નથી કે કુદરતે ત્યાં પોતાના કુદરતી ખજાનાને મુક્ત રીતે ખુલ્લા હાથે વેર્યો છે. નગરમાં પ્રવેશતાંવેંત જ સુંદર સુવિશાળ સમુદ્રનું દર્શન થાય છે. એનાં ઉત્તુંગ તરંગો આપણું સ્વાગત કરે છે. વિશાળ વારિધિની એક તરફ લાંબા અંતર સુધી ફેલાયેલો રસ્તો છે. એની ઉપરથી મોટરો દોડે છે. દૂર-સુદૂર સુધી વિસ્તરેલી ભૂમિ લીલાંછમ ઘટાદાર વૃક્ષોથી અને વનરાજીથી સુશોભિત લાગે છે. એને અવલોકીને અંતર આહલાદિત બની જાય છે.

ગોવાની ભૂમિ કુદરતી સૌન્દર્યથી ભરેલી છે તો એની પ્રજા પુરુષાર્થી, પ્રમાદરહિત અને સ્ફુર્તિવાળી લાગે છે. લોકો કર્મઠ વધારે દેખાય છે. એમના પર કદાચ ત્યાંના ચેતનવંતા વાતાવરણનો પ્રભાવ પડતો હશે.

ગોવા સહેલાણીઓના સ્વર્ગસમું હોવાથી પ્રવાસીઓથી ભરચક રહે છે. ત્યાંની હોટલો મોટે ભાગે ભરેલી દેખાય છે. એમાં પણ સમુદ્રતટની સમીપે આવેલી હોટલો વધારે મોંઘી પડે છે. અમને એકાદ કલાકની શોધખોળ પછી એક નાનીસરખી છતાં પ્રમાણમાં સારી કહેવાય એવી હોટલમાં જગ્યા મળી ગઈ.

બીજે દિવસે સવારે અમે શહેરના સુંદર સમુદ્રતટને જોવા ગયાં. એ સમુદ્રતટ જગન્નાથપુરી અથવા સોમનાથના સમુદ્રતટની સ્મૃતિ કરાવતો. સૂર્યના તાજા સોનેરી પ્રકાશથી પ્રસન્ન બનેલાં તરંગો મન મૂકીને ઉછાળા મારી રહેલાં. કેટલાંક સહેલાણીઓ સમુદ્રના સૌન્દર્યને નિહાળવા અથવા એને અંજલિ આપવા એકઠાં થયેલાં તો કોઈક એમાં સ્નાન કરી રહેલાં. સમુદ્રકિનારાનાં દૃશ્યો એવાં અનોખા હતાં. પ્રવાસીઓ નિસર્ગની મીઠી ગોદમાં નિર્ભય અને નિશ્ચિંત બનીને વિહાર કરી રહેલાં.

પંજીમથી થોડેક દૂર આવેલાં અને પંજીમનાં કેટલાંક બીજાં દર્શનીય સ્થળોને પણ અમે જોઈ લીધાં. એ સ્થળો એટલાં બધાં આકર્ષક ના લાગ્યાં, તો પણ એમની આજુબાજુની ભૂમિ હરિયાળીથી ભરેલી ને સુંદર હતી. એ ભૂમિનું અવલોકન એકંદરે આહલાદક હતું. પંજીમની સમસ્ત ભૂમિ એવી રીતે આહલાદક લાગતી. ક્યાંય નીરસતા નહોતી દેખાતી.

પંજીમથી થોડેક દૂર એક પ્રાચીન વિશાળ ગિરજાઘર હતું. એ ગિરજાઘર દર્શનીય લાગ્યું. એમાં સુવર્ણમય મૂર્તિઓ એટલી બધી વિશાળ તથા અલૌકિક અને ભવ્ય હતી કે વાત નહીં. એમનું અવલોકન અતિશય આનંદકારક તથા પ્રેરક થઈ પડ્યું. એવી ભવ્ય વિશાળ મનોહર મૂર્તિઓ જીવનમાં પ્રથમવાર જ જોવા મળી. ઈશુ ખ્રિસ્તની અને એમના જીવન સાથે સંકળાયેલી એ મૂર્તિઓના નિર્માણ પાછળ પ્રખર પ્રેમ અને સમર્પણભાવ દેખાયો. મંદિરનો અને એની આજુબાજુની જમીનનો વિસ્તાર પણ એટલો બધો વધારે હતો કે જેની સામાન્ય રીતે કલ્પના પણ ના કરી શકાય. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ અને પ્રચારકોએ મંદિરોના નિર્માણની પાછળ ઓછાં નાણાં નથી ખરચ્યાં. અને એકલા ખ્રિસ્તી ધર્મની જ વાત શા માટે કરવી ? દુનિયાના લગભગ બધા જ મોટા ધર્મોને એ વાત લાગુ પડે છે. એમના પ્રશંસકો, પ્રેમીઓ, પ્રચારકો અને અનુયાયીઓએ એમને અમર બનાવવા અને એમની સ્મૃતિને સાચવી રાખવા ઠેકઠેકાણે મંદિરો, મસ્જિદો, વિહારો, ગિરજાઘરો તથા અગિયારીઓ અને ગુરુદ્વારાઓની રચનાઓ કરેલી છે. એમના સંરક્ષણ તથા પુનર્નિર્માણ પાછળ મોટો ખરચ કરવામાં આવે છે, અને બીજી નવી રચનાઓ થતી જાય છે. જેની મદદથી ધર્મ ટકે છે, વધે છે અને સુરક્ષિત બને છે, તે માનવજીવનનાં જીવંત મંગલ મંદિરોના મહિમાને સાચવવા કે વધારવા ઓછામાં ઓછો પ્રયત્ન કરવામાં આવે છે. એને લીધે જેણે ઉત્તરોત્તર આગળ વધવાનું છે તે માનવ પાછળ રહી જાય છે. અનેક ઠેકાણે ઉપેક્ષિત થાય છે. એની કથા વધારે ને વધારે કરુણ થતી જાય છે. એના નવનિર્માણ કે જીર્ણોદ્ધાર તરફ જોઈતું ધ્યાન નથી અપાતું. એની સમસ્યા એવી ને એવી જ અણઊકલી રહી જાય છે.

આપણે મંદિરોના નિર્માણનો વિરોધ નથી કરતા. એવો વિરોધ અસ્થાને છે. એથી કોઈ હેતુ સરે તેમ નથી. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ સાથેસાથે એમના સદુપયોગનું સ્મરણ કરવાનો સંદેશ આપીએ છીએ. મંદિરો શાને માટે છે, શાને માટે હોવાં જોઈએ, એ યાદ રાખીને એના અમલ માટેનો આગ્રહ રાખવાની ભલામણ કરીએ છીએ. વળી, મંદિરોના નિર્માણની સાથેસાથે યાદ રાખવાનું કહીએ છીએ કે સંસારમાં સર્વોત્તમ મંદિર માનવમંદિર છે. એની અંદર દેવોના દેવ વિરાજમાન છે. એની માવજત કરવાની, એને બેઠું કરવાની, એનું પૂરેપૂરું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. એ મંગલ મંદિરનો મહિમા મટે કે મરે નહીં પરંતુ વધતો રહે એને માટે બનતું બધું જ કરી છૂટવાનું છે.

મહાબળેશ્વર

મહાબળેશ્વરનું નામ સરસ હીલસ્ટેશન તરીકે કેટલાય વખતથી સાંભળેલું હોવા છતાં એના અવલોકનનો અવસર દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન પ્રથમ વખત જ આવી શક્યો. મહાબળેશ્વરનો પ્રવેશ પ્રથમવારનો હોવા છતાં પણ ખૂબ જ પ્રસન્નતાપ્રદાયક અને ચિરસ્મરણીય બની રહ્યો.

અમે ત્યાંની સુપ્રસિદ્ધ રાજેશ હોટલમાં ઊતર્યા. એ હોટલ બીજી હોટલોની સરખામણીમાં ઘણી સારી લાગી. એની આસપાસનું કુદરતી સૌન્દર્ય હૃદયંગમ હતું. આજુબાજુ સુંદર લીલીછમ પર્વતમાળા દેખાતી, અને સામે થોડુંક મેદાન હતું. મહાબળેશ્વરનું મુખ્ય બજાર પણ એનાથી વધારે દૂર ન હતું.

કોઈ પણ હોટલ ગમે તેટલી સગવડતાવાળી ને સારી હોય પરંતુ એના સંચાલકનો સ્વભાવ સેવાભાવી ને સારો ન હોય તો એ હોટલ બધી રીતે આદર્શ નથી બની શકતી. એમાં એક મોટી ક્ષતિ રહી જાય છે. એ હોટલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકતી નથી. રાજેશ હોટલ એ મોટી ક્ષતિથી મુક્ત હતી કારણ કે એના માલિક તથા સંચાલક ખૂબ જ માયાળુ ને સેવાભાવી હતા. એમનો સ્વભાવ પણ ઘણો સારો હતો.

અમારું એમણે એક સ્વજન અથવા સજ્જનને શોભે તેવી રીતે ખૂબ જ સ્નેહસહિત સ્વાગત કર્યું. એ ધાર્મિક પ્રકૃતિના હોવાથી એમનો પ્રેમ એટલો બધો વધી પડ્યો કે રાતે પૂનામાં રહેતી પોતાની પત્નીને ટેલિફોન કરીને એમણે બીજે દિવસે સવારે ત્યાં સત્સંગ અથવા શંકાસમાધાન માટે બોલાવી લીધી. એમની પત્ની એમની પાસે પહોંચી ગઈ એટલે એમણે એને જણાવ્યું કે આવો અવસર ફરીફરી નહીં આવે. આ તો પૂર્વના કોઈક પુણ્યનો ઉદય થયો છે કે મહાત્માપુરુષ સામે ચાલીને આપણે ત્યાં પધાર્યા છે. જે કાંઈ પૂછવું હોય તે પૂછી લે. મને એમના સમાગમથી શાંતિ મળી છે તેમ તને પણ મળી રહેશે.

મહાબળેશ્વરમાં સૂર્યાસ્ત પોઈન્ટ જોવા જેવું છે. ત્યાંથી દૂર ક્ષિતિજમાં દેખાતા સૂર્યાસ્તનો આસ્વાદ લેવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકઠાં થાય છે. ત્યાંના સૂર્યાસ્તનું દૃશ્ય અમને ગમ્યું. પર્વતીય પ્રદેશના, સરિતા કે સુવિશાળ સમુદ્રતટના સૂર્યાસ્ત સદા આકર્ષક, આહલાદક, અનુપમ હોય છે. એમને અવલોકવા એ પણ જીવનનો એક લહાવો ગણાય છે.

પરંતુ ધર્મપ્રેમી માનવોનું મુખ્ય આકર્ષણસ્થાન તો બીજું છે અને એ સ્થાન છે મહાબળેશ્વર મહાદેવનું એકાંત શાંત વનમાં આવેલું મંદિર. એ મંદિર ખાસ દર્શનીય છે. એને નિહાળીને એમ થાય છે કે અહીં સમય કાઢીને થોડાક દિવસ રહી જઈએ તો સારું. મંદિરમાં ભગવાન શંકરની પાસે પરમ પૂજ્યભાવે ઊભા રહીને અમે પ્રાર્થના કરી. એ સ્થાન ખૂબ જ પ્રેરણાત્મક લાગ્યું. મંદિર વસતિથી દૂર હોવાથી કોલાહલરહિત લાગ્યું. ત્યાં પહોંચવા માટે ટેક્ષીઓ મળી શકતી. મંદિર એ હવા ખાવાના સ્થળની મુખ્ય શોભા જેવું હતું.

પંચગિની મહાબળેશ્વરથી વધારે દૂર ના હોવાથી અમે ત્યાં પણ ગયાં. પંચગિની પોતાના હવાપાણી માટે પ્રસિદ્ધ છે, પરંતુ કુદરતી સૌન્દર્યની દૃષ્ટિએ મહાબળેશ્વર કરતાં વધારે સારું ના લાગવાથી અમે ત્યાં વિશેષ નહિ રોકાવાનો નિર્ણય કર્યો. બપોરે ભોજનાદિથી નિવૃત્ત થઈને થોડોક વિશ્રામ કરીને અમે આગળ વધ્યાં.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Do well to your friend to keep him, and to your enemy to make him your friend.
- E.W.Scripps

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.